Tuesday, October 14, 2025
HomeGujaratનયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે…

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે…

- Advertisement -

થોડાં વર્ષ અગાઉ ઉષા મંગેશકરનો નવસારીમાં પ્રોગ્રામ હતો અને કોઈ કારણસર તેમની સાથે રહેલો મેલ સિંગર આવી શક્યો નહીં. તેથી ઉષાદીદીને તાત્કાલિક કોઈ સારા મેલ સિંગરની જરૂર હતી અને ત્યારે કોઈએ તેમને ઉર્મિશનું નામ સજેસ્ટ કર્યું હતું. આટલી મોટી કલાકાર કોઈ અજાણ્યા સિંગર ઉપર ભરોસો કરે તો કેવી રીતે કરે એટલે તેમણે શરત મૂકી કે, પહેલાં તે સિંગરને મારે સાંભળવો પડશે. તેમની વાત વાજબી હતી.

જેણે ઉર્મિશનું નામ સજેસ્ટ કર્યું હતું તેણે ઉર્મીશને તાત્કાલિક સુરત હોટેલ હોલિ ડે ઇનમાં આવી જવાનું કહ્યું. અને તે પહોંચી ગયો. ઉષાદીદીએ તેને હોટેલની રૂમમાં જ સાંભળ્યો હતો અને બસ તેને સાંભળ્યા બાદ આજે પણ ઉર્મિશ તેમને ફોન ઉપર માત્ર એટલું જ કહે કે, ‘દીદી, મેં ઉર્મિશ બોલ રહા હૂં’ તો સામેથી જવાબ મળે, ‘હા, બોલો ઉર્મિશ. કૈસે હો.’ આમ ઉર્મીશને માત્ર ઉષાદીદી સાથે જ નહીં ગૌરાંગ વ્યાસ જેવા મોટા ગજાના સંગીતકારો સાથે પણ એટલો જ ઘરોબો છે.

- Advertisement -

૧૯૭૦માં સુરેન્દ્રનગરનાં પાટડી ગામે જન્મેલો ઉર્મિશ તેના પિતા અશોક મહેતાનો એકમાત્ર પુત્ર હતો. ઉર્મિશની ઉંમર બે વર્ષની હતી ત્યારે તેને એક કૂતરું કરડી ગયું હતું. જેના કારણે હડકવાનું ઇન્જેક્શન લેવા માટે તેનાં માતા-પિતા તેને અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં લાવ્યાં હતાં. જો કે તે ઇન્જેક્શનને કારણે કોઈ રિએક્શન આવતાં પંદર જ દિવસમાં તેની બંને આંખો સામે કાયમ માટે અંધારું થઈ ગયું હતું. આ સ્થિતિ કોઈપણ મા-બાપ માટે આઘાતજનક હતી. છતાં તેમના માટે પુત્ર ઉર્મિશને સંભાળવો જરૂરી હતો. તેમણે તેની સાથે એક નોર્મલ ચાઈલ્ડ જેવો જ વ્યવહાર કર્યો અને તેને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

શાળાના અભ્યાસ સાથે પાંચમાં ધોરણમાં હતો ત્યારથી ઉર્મિશને સંગીત પ્રત્યે પણ લગાવ હતો. તેના કારણે તેણે વિવિધ સંગીત હરીફાઈઓમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી, જેના કારણે ૧૯૮૬માં શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં ઉર્મિશ સમગ્ર ભારતમાં પ્રથમ આવ્યો હતો અને ૧૯૮૭માં રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે તેનું સન્માન થયું હતું. ધોરણ ૧૦ અને ૧૨માં સારા ટકા લાવ્યા બાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઇંગ્લિશ લિટરેચર સાથે પ્રવેશ મેળવ્યો હતો ત્યારે તેના માટે આખી વાત નવી હતી, કારણ કે હમણાં સુધી ઉર્મિશનો જે અભ્યાસ હતો તે અંધ માટેની ખાસ લિપિ બ્રેઈલમાં થયો હતો પણ કૉલેજના અભ્યાસક્રમ બ્રેઈલમાં નથી. જેના કારણે મક્કમ મનોબળવાળા ઉર્મિશે તેનો રસ્તો શોધી કાઢ્યો હતો. તેણે તેના મિત્રો પાસે પુસ્તકો વંચાવવાની શરૂઆત કરી હતી અને તેના મિત્રો જે વાંચે તેનું તે ટેપ રેકોર્ડિંગ કરી પછી નિયમિત સાંભળતો હતો. કૉલેજના અભ્યાસ સાથે તેનો સંગીત પ્રવાસ ચાલુ જ હતો. તેમાં પણ તેને મિત્રો મળ્યાં. પ્રીતિ અને પિંકી સાથે તેણે કેન્યા સુધી પ્રવાસ કર્યો હતો. જો કે આ ગાળામાં ઉર્મિશની સંગીતસફરમાં વૈશાલી સામેલ થઈ હતી. કૉલેજ પૂરી કરી ઉર્મિશે ભાષા ભવનમાંથી ઇંગ્લિશ સાથે એમ.એ. પણ પૂરું કર્યું અને નોકરીની શોધ શરૂ કરી હતી. જો કે પ્રત્યેક વખતે તેનો ઇન્ટરવ્યૂ લેનારને એક જ પ્રશ્ન સતાવતો કે ઉર્મિશ કૉલેજમાં તેના વર્ગને કેવી રીતે સંભાળશે? જેના કારણે તેના માટે તેનો ઇન્ટરવ્યૂ લેનારને સમજાવવા અઘરું કામ થઈ ગયું હતું. આ સ્થિતિને કારણે ઉર્મિશ થાકી ગયો હતો. એક વખતે તેણે ગુસ્સામાં આવી કમિટીના સભ્યોને કહ્યું હતું કે, ‘જો કોઈ અંધને લેક્ચરર તરીકે નોકરી ન આપવાના હોવ તો એમ.એ.માં પ્રવેશ પણ આપતા નહીં’ જો કે ઉર્મિશની મહેનત અને ધીરજ રંગ લાવી અને ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ લેક્ચરર તરીકેની નોકરી મળી.

આ તરફ વૈશાલી ઉર્મિશ તરફ ખસી રહી હતી. તે આજે ખુદ વૈશાલીને પણ યાદ નથી પણ સ્ટેજ ઉપર સાથે શો કરતાં કરતાં વૈશાલીને ઉર્મિશમાં પોતાનાપણું લાગવા લાગ્યું હતું. કોઈ માણસ ન ગમે તેનાં એક હજાર કારણ હોઈ શકે પણ કોઈ ગમવા લાગે તેનું કદાચ કોઈ કારણ ન પણ હોય, તેવું જ આ કિસ્સામાં પણ હતું. વૈશાલીએ ઉર્મિશ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે વૈશાલીએ પોતાના પિતા અનંત નાયક અને માતા નૂતન નાયકને તેની જાણ કરી ત્યારે તેમની ઉપર આભ તૂટી પડ્યું હતું. જો કે વૈશાલી મક્કમ હતી અને બંનેનાં લગ્ન થયાં.

- Advertisement -

આજે બંનેની સાથે ગાયેલાં ગીતોની અનેક ડિવીડી બજારમાં છે. ગૌરાંગ વ્યાસની સાથે તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત ગાયાં છે. આજે કૉલેજના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ સાથે સંગીતના આરોહ-અવરોહ વચ્ચે બોપલના આરોહી બંગલામાં રહેતાં ઉર્મિશ-વૈશાલી અને તેમના મિલાપને જોઈ કોઈને પણ તેમની ઈર્ષા થાય તે સ્વાભાવિક છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular