Saturday, October 25, 2025
HomeNavajivan CornerLink In Bio‘ઇન્ડિયાઝ એક્સપરિમેન્ટ વિથ ડેમોક્રેસી’ : દેશની ચૂંટણી પ્રક્રિયાનો અરિસો

‘ઇન્ડિયાઝ એક્સપરિમેન્ટ વિથ ડેમોક્રેસી’ : દેશની ચૂંટણી પ્રક્રિયાનો અરિસો

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કેટલીક જટિલ બાબતો તર્ક અને અનુભવથી ખૂબ સરળતાથી સમજાવી શકાય. દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ. વાય. કુરેશીએ હાલમાં એવો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસની અત્યારે પ્રશંસા થઈ રહી છે; અને તે પ્રયાસ એટલે તેમનું પ્રકાશિત થયેલું પુસ્તક ‘ઇન્ડિયાઝ એક્સપરિમેન્ટ વિથ ડેમોક્રેસી’. 2010થી 2012 સુધી તેઓ દેશના ચૂંટણી કમિશ્નર રહ્યા હતા. કુરેશીએ તેમના આ કાર્યકાળ દરમિયાન જે કંઈ જોયું-અનુભવ્યું તે અભ્યાસ કરીને લખ્યું છે. આ અભ્યાસ સઘન છે અને તેમણે જે કંઈ પુસ્તકમાં લખ્યું છે તેને બિરદાવનારા પૂર્વ વિદેશ સચિવ શિવ શંકર મેનન, દેશના રાજદૂત વિકાસ સ્વરૂપ, દેશના પૂર્વ ‘કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ’ વિનોદ રાય અને સંસદ શશી થરૂર જેવાં વિદ્વાનો છે.

Indias Experiment with Democracy
Indias Experiment with Democracy

આ પુસ્તકમાં આરંભના હિસ્સામાં જ એસ. વાય. કુરેશીએ જે લખ્યું છે તેનાથી ખ્યાલ આવે કે પુસ્તક કેટલું રસપ્રદ છે. તેઓ લખે છે : “વિકસિત દેશો જે મોટાભા કહેવાય છે અને તેઓને આપણે આદર્શ માનીએ છીએ. આપણે તે આદર્શોને એટલે સુધી માથે ચઢાવીએ છીએ કે તેમાં આપણી અલગ ઓળખ અને વિશેષ ઇતિહાસને સુધ્ધા ઢાંકી દઈએ છીએ. મારા પોતાના અનુભવની વાત કરું તો થોડા વર્ષ પહેલાં મિશિગનમાંથી એક શિક્ષણ સંસ્થાએ આપણા દેશનાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે પ્રશ્ન ઊઠાવ્યા હતા. તેમને હું એ સમજાવતા થાકી ગયો હતો કે યુરોપ ને અમેરિકા સુધ્ધા આ ટેક્નોલોજીનો અંગે સહાસ નહોતું કર્યું, ત્યારે ભારતે તેને ઉપયોગમાં લાવી ચૂક્યું હતું. મારે તેમને એ યાદ કરાવવા માટે ખૂબ શ્રમ લેવો પડ્યો કે અમારા ગરીબ દેશે મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર 1950ની પ્રથમ ચૂંટણીમાં જ આપી દીધો હતો, જ્યારે આધુનિક લોકશાહીના જનક કહેવાતા અમેરિકાને તેમ કરતાં 144 વર્ષ લાગ્યા હતા અને ઇંગ્લેન્ડને સો વર્ષ.”

- Advertisement -


વાય. એસ. કુરેશીએ ચૂંટણી સંદર્ભેની અનેક વાતો આ પુસ્તકમાં મૂકી છે. જેમ કે, “આપણે ત્યાં મહિલા વડાં પ્રધાન થઈ ગયા તે પણ દેશ આઝાદ થયાને ઓગણીસ વર્ષમાં જ, જ્યારે અમેરિકામાં લોકશાહીના અઢીસો વર્ષ થયા છતાં મહિલા પ્રમુખ થયા નથી. એ પ્રમાણે જ રાષ્ટ્રિય રાજકીય પક્ષના પ્રમુખ તરીકે મહિલા હોય તેવું આપણે ત્યાં 1925ના વર્ષમાં જ થઈ ચૂક્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડમાં આવું થતાં ત્રણસો વર્ષ નીકળી ગયા. ઇંગ્લેન્ડમાં છેક 1979માં રાષ્ટ્રિય રાજકીય પક્ષના પ્રમુખ તરીકે માર્ગારેટ થેચર આવ્યા હતા.” આ વિગત લખ્યા બાદ કુરેશીના શબ્દો : “કહો કે કોણ કોની પાસેથી શિખ્યું છે?”

વિશ્વને આપણા દેશ તરફથી મળેલાં યોગદાનને લઈને કુરેશી અહિંસા, યોગ અને વસુદૈવ કુટુમ્બકમની ભાવનાની રજૂઆત કરે છે. દેશની ખૂબીઓ તેમણે વર્ણવી છે તેમ તેઓ કોમી બાબતે જે માહોલ હાલમાં બન્યો છે તેની ટીકા પણ કરે છે. આ વિશે તેઓ લખે છે : “આજે આપણો સમાજ અસહિષ્ણુ અને હિંસક બન્યો છે, માર્ગની ઝડપથી માંડિને લોકોને રહેંસી નાંખવાની ઘટના સુધી. આજે સૌ કોઈની અધિકાર અને આઝાદી વિશે પોતાની વ્યાખ્યા કરે છે. આપણે સૌ જાતિગત, કોમી, પ્રદેશવાદી અને રાજકીય સ્વાર્થથી વિચારીએ છીએ. રાષ્ટ્રની ઓળખ માટે આ જોખમી છે. ટૂંકા ગાળાના લાભ માટે આજે દેશના વિચારને આપણે લાંબા ગાળાનું નુકસાન કરી રહ્યાં છીએ. આ બાબત મને ચિંતામાં મૂકે છે. 3000 વર્ષનો ઇતિહાસ જોઈએ તો ભારતની અદ્વિતિય ઓળખ અહીંનું સૌહાર્દભર્યું વાતાવરણ અને અલગ ધર્મ જાતિના લોકોનું સાથે રહેવું તે છે. અને આ જ કારણે આપણે ત્યાં એકબીજાના જાતિ-ધર્મથી સંમિશ્રિત સંસ્કૃતિ વિકસી છે. અહીંનું વૈવિધ્ય લાજવાબ છે. એ બાબતે કોઈ શંકા નથી કે વિશ્વમાં સૌથી વધુ વૈવિધ્ય ભારતમાં છે. સાચા અર્થમાં વિશ્વનગરી. આપણા દેશમાં વિશ્વના તમામ ધર્મોનું અસ્તિત્વ જોવા મળે છે. 22 અધિકારીક ભાષા અને અન્ય 1652 ઓળખાયેલી ભાષા. આપણા વૈવિધ્યમાં જે એકતા છે તે અદ્વિતિય છે અને એટલે હું અનેકવાર કહું છું કે ભારત બિનસાંપ્રદાયિક છે કારણ કે હિંદુઓ બિનસાંપ્રદાયિક છે. વિભાજન બાદ ભારતે બિનસાંપ્રદાયિક દેશ થવાનું પસંદ કર્યું અને ત્યારે બંધારણ સભામાં તે માટે મત કરનારા 83 ટકા હિંદુ હતા.”

એસ. વાય. કુરેશીએ આ તમામ વિગત તેમના પુસ્તકમાં મૂકી છે અને હાલ તેઓની આ સંદર્ભે મુલાકાતો લેવાઈ રહી છે. તેમની એક મુલાકાત ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબાર દ્વારા લેવામાં આવી છે અને તેમાં તેઓ દેશની ચૂંટણી અને તેની પ્રક્રિયા સંબંધિત રસપ્રદ વાતો કરી છે. અહીં તેઓ કહે છે કે, “ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અગાઉ આપણે ચૂંટણી માટે બેલટ પેપરનો ઉપયોગ કરતા હતા. બેલટ દ્વારા જે વોટ પડ્યા હોય તે બધામાંથી અમે દસ-દસ બેલટ લઈને એક ડ્રમમાં મૂકતા. અને પછી તેમાં એકઠા થયેલા બેલટના 50-50ના બંડલ બનાવીને તેની ગણતરી કરતા. આ પૂરી પ્રક્રિયાથી કયા વિસ્તારે કોને વોટ કર્યો છે તે વાત બહાર આવતી નહીં. અને તે કારણે ચૂંટાયેલા પ્રતિનિધિને કયા વિસ્તારમાંથી કેટલાં વોટ મળ્યા છે તે જાણ ન થતી. ઇલેક્ટ્રોનિંગ વોટિંગ મશીનમાં વોટિંગ દ્વારા વ્યક્તિગત ગુપ્તતાને જળવાય છે, પણ તેનાથી મતક્ષેત્ર કે બુથની વોટિંગ પેટર્નની ગુપ્તતા જળવાતી નથી. મને યાદ છે એક ઘટના યાદ છે જ્યારે એક મંત્રીએ એમ કહ્યું હતું કે ‘તમે મને વોટ નથી આપ્યો. હવે જોઉં છું કે કેવી રીતે તમને પાંચ વર્ષ પાણી મળે છે.’”

- Advertisement -

ચૂંટણી અત્યાધુનિક થઈ છે તેમ છતાં તેમાં રહેલી આવી મર્યાદાને એસ. વાય. કુરેશી દર્શાવી શકે છે. આ સંબંધે તેઓ તેમનાથી થઈ શકે એ પગલાં પણ લે છે. તેઓ આ મુલાકાતમાં જણાવે છે કે, “આ સંદર્ભે અમ સરકારને લખ્યું હતું કે અમે બે કંપનીઓને માત્ર સમૂહના વોટ આવે તે રીતે પ્રોગ્રામ ઘડવાનું જણાવ્યું હતું. જે રીતે બેલટ પેપરમાં થતું. અમે દસ મશીનોને એકત્ર કરીએ અને પછી તેમની ગણતરી થાય તેમ ઇચ્છતા હતા. વીસ વર્ષ અગાઉ આ સૂચન સરકારને કહેવાની ભૂલ અમે કરી હતી, અને હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. અંતે સંસદીય સમિતિએ એમ કહીને આખી વાત પડતી મૂકી કે આમ કરવું તે રાષ્ટ્રના હિતમાં નથી. હવે તેમને કોણ કહેશે કે શું રાષ્ટ્રીય હિતમાં છે અને કેમ આ રાષ્ટ્રીય હિતની વાત નથી?”

આ મુલાકાતમાં ઇલેક્ટોરલ બોન્ડ વિશે જ્યારે કુરેશીને પુછવામાં આવ્યું ત્યારે તેઓ વિગતે તેનો જવાબ આપતા કહે છે કે, “જ્યારે ઇલેક્ટોરલ બોન્ડની જાહેરાત થઈ ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા સરકારને કડક શબ્દોમાં લખવામાં આવ્યું. ઇલેક્શન કમિશન સુપ્રિમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડનો ત્રણ વર્ષ સુધી સતત વિરોધ કર્યો. પરંતુ અચાનક પછી કમિશનને ઇલેક્ટોરલ બોન્ડ સારાં લાગવા લાગ્યા. મેં જ્યારે અરુણ જેટલીનું બજેટ પરનું વક્તવ્ય સાંભળ્યું ત્યારે તેઓ એમ કહેતા હતા કે રાજકીય પક્ષોને અપાતાં ભંડોળની પારદર્શી વિના મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવી શકે નહીં. અરુણ જેટલીએ જ્યારે આમ કહ્યું ત્યારે મેં મનોમન કહ્યું અમે એ જ કહી રહ્યા છે. તેમનું પછીનું વાક્ય એમ હતું કે છેલ્લા સિત્તેર વર્ષથી આપણે મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવી શક્યા નથી. હવે તેમની પાસેથી ત્રીજા વાક્યની મે શું અપેક્ષા રાખી હોય, કે હવે તેઓ પારદર્શી પ્રક્રિયાની વાત કરશે. જોકે બિલકુલ તેનાથી ઊંધું થયું. જે પણ કંઈ પારદર્શિતા હતી તે બિલકુલ સમાપ્ત કરી દેવામાં આવી. આ પારદર્શીતાનું માપદંડ શું હતું? જેમ કે પહેલાં 20,000 રૂપિયા પણ પક્ષોને દાન જતું તો તેની માહિતી ઇલેક્શન કમિશનને કરવામાં આવતી અને પછી તે જાહેર થતી. આજે એ કોઈ જાણતું નથી કે રાજકીય પક્ષ પાસે વીસ કરોડ ક્યાંથી આવ્યા? તેનું કારણ એટલું જ કે દાન કરનાર સિક્રસી ઇચ્છે છે. કારણ કે તે સરકાર પાસેથી દાનના બદલામાં કશુંક ઇચ્છે છે. પણ આ ગુપ્તતા કોઈ રીતે ચલાવી ન લેવાય. ચૂંટણીમાં થતો ભ્રષ્ટાચાર દેશમાં પ્રસરતા ભ્રષ્ટાચારની જડ બની જાય છે. આ ભ્રષ્ટાચાર જંગી ખર્ચ માટે છે અને તે માટે કંપની કરોડો રૂપિયા આપે છે. રાષ્ટ્રની હિતની આવી બાબતો માટે કોઈને સમય નથી. સુપ્રિમ કોર્ટને પણ નહીં.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular