રામ મોરી (નવજીવન.અમદાવાદ): જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી… નિષ્ફળતા એ સફળતાની ચાવી છે… સફળતા મેળવવી સહેલી છે પણ ટકાવવી અઘરી છે…. સફળતા આમ, સફળતા તેમ…બ્લા…બ્લા..બ્લા એન્ડ અગેઈન બ્લા! ઉફફફફ! સફળતા સાથે જોડાયેલા 1001 કે એથીય વધારે સુવિચારો ને સલાહો આપણે સાંભળી છે. ફિલ્મ મેરી પ્યારી બિંદુના એક સંવાદને જરા તોડીમરોડીને મારી વાત કરું તો, ‘’સફળતા મેળવવાનું સૌ કોઈ શીખવશે પણ એ સફળતાના બદલામાં મળેલી નિષ્ફળતાને પચાવતા કોણ શીખવશે?’’ જો નિષ્ફળતામાં તમને અંધારું દેખાતું હોય તો બીલીવ મી સફળતામાં ભરપૂર એકલતા છે! મજાની વાત તો એ છે કે સફળતા કે નિષ્ફળતાની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી આપી શકાતી. પૈસા, એવોર્ડ્સ, સંપત્તિ કે લોકપ્રિયતા આ માપદંડ છે સફળતા નિષ્ફળતાના? જીવનમાં દરેક ક્ષણે દરેક અવસ્થામાં તમારી બાજુમાં તમારા માટે કેટલા લોકો ઉભા છે કદાચ એ બાબત જ આ સફળતા કે નિષ્ફળતા નક્કી કરવા માટેનો સૌથી મોટો માપદંડ છે.
દરેક વ્યક્તિ જીવનમાં અમુક તમુક એવા સપના જુએ જેને પૂરા કરવા એ દોટ લગાવે. હવે તમારે દોડવું જ છે તો પછી પડવાની તૈયારી પણ રાખવી પડશે. હવે જરૂરી એ પણ નથી કે જીવનમાં તમે જે ઇચ્છ્યું હોય એ બધું તમને મળે જ પણ એનો મતલબ એ પણ નથી કે માણસે ઇચ્છાઓને મારી નાખવી જોઈએ. મજાની વાત તો એ છે કે આપણે જેટલી સરળતાથી આપણી સફળતા પીરસી જાણીએ છીએ એટલી સરળતાથી નિષ્ફળતાને પીરસી નથી શકતા. આપણી સિદ્ધિઓ ગણાવવા આપણે ઉછળીએ છીએ ને નિષ્ફળતા બાબતે આપણે મોઢું સંતાડીએ છીએ. અહીંયા મારે કહેવું છે કમ આઉટ. તમારી નિષ્ફળતા વિશે પણ ખુલીને વાતો કરો… તમારું ધાર્યું એમાંનુ કશું નથી થયું તો એના વિશે પણ સંવાદ કરો.
હવે એક કોઈ એવો પક્ષ રજૂ કરે કે ભાઈ આ બધું કહેવું સહેલું છે જીવવું સરળ નથી. કોલમિસ્ટ છો એટલે ગામને સલાહ આપતા ફરો છો… તમારા પક્ષે જીવવાનું આવે ને જીવી બતાવો તો સમજાશે કે કેટલા વીશે સો થાય. વાત તો સાચી. જ્યાં સુધી આપણે ગોળ ખાધો હોય ત્યાં સુધી ગામને ગોળ નહીં ખાવા વિશેની સલાહો આપવી ન જોઈએ. અત્યારે જે આ લેખ લખી રહ્યા છે એ ભાઈ પોતે બાર સાયન્સમાં બાયોલોજીમાં એક વિષયમાં નાપાસ થયા હતા. જીવનનો એ સૌથી કપરો સમય હતો જ્યારે તમારા કારણે તમારા માબાપની આંખમાં આંસુ હોય. સગાવહાલાંથી માંડીને આસપાસના કોઈ બાકી નહોતું જેમણે મારા એ નાપાસ સમય વિશે ટીપ્પણીઓ ન કરી હોય! એ સમયની કડવાશ મનના કોઈ એક ખૂણે અકબંધ થઈ ગઈ હતી. ભયંકર એકલતા અને નિસહાયતા. આગળ શું કરવું એ બાબતે કોઈ રસ્તો નહોતો સૂઝતો. એ સમયે એક વાત તો સમજાઈ કે સૌથી પહેલાં તો આ હકીકત સ્વીકારવી પડશે કે આપણે નાપાસ થયા છીએ. એ હકીકત સંતાડવા કરતા સ્વીકારી લેવાશે તો આગળના બીજા બધા રસ્તાઓ આપોઆપ થઈ જશે. કરિયર માટે મુંબઈ જવાનો નિર્ણય પણ મારો પોતાનો હતો. ને જ્યારે તમે તમારી પોતાની પસંદગીની જીંદગી જીવી રહ્યા હો ત્યારે તમને ફરિયાદ કરવાના અધિકાર નથી હોતો. સતત આઠ મહિના મહેનત કરી પણ અંતે બૅંક બેલેન્ સના તળિયા સુધી વાત આવી ત્યારે પરિસ્થિતિ હાંફવા લાગી. એ સમયે નક્કી કરવાનું હતું કે કામ નથી એ વાસ્તવિકતા સ્વીકારી કામ છે ત્યાં પાછું જતું રહેવું છે કે લાફો મારીને ગાલ લાલ રાખવો છે? અગેઈન એ વાત આવીને ઊભી રહી કે સૌથી પહેલાં વાસ્તવને સ્વીકારી લઈએ તો આગળનો રસ્તો આપોઆપ થઈ જશે અને જુઓ અત્યારે રસ્તો થઈ પણ ગયો!
હું એવો દાવો બિલકુલ નથી કરતો કે લોકો શું કહેશે એનો મને ડર નહોતો. બિલકુલ હોય છે. આપણા બધાનો ઉછેર એક એવા સમાજમાં થયો છે જેમાં સતત લોકો શું કહેશે એ પરિમાણથી આપણા બધાના જીવનના અતિ મહત્વના નિર્ણયો લેવાયા છે ને કદાચ આગળ પણ લેવાતા રહેશે. બિલીવ મી, મને પણ બહુ જ પડી હતી એ વાતની કે લોકો શું કહેશે ને હું લોકોને કેવી રીતે ફેસ કરીશ. પણ પેલું સત્ય કાયમ માટે છાતીમાં અકબંધ થઈ ગયું કે સૌથી પહેલાં તો પરિસ્થિતિ સ્વીકારો અને એનાથી ભાગવાનું બંધ કરો એટલે આગળનો રસ્તો પરમેશ્વર કરી આપશે.
આજે પણ જીવાઈ ચૂકેલા અંધારપટ ભરેલા મારા સમય વિશે મને લોકો પૂછે છે તો સ્વસ્થતાથી હું જવાબ એટલે આપી શકું છું કેમકે એ સમય અને એ ખાડાઓને સૌથી પહેલાં મેં સ્વીકારી લીધા છે. અને એકવાર તમે એ વાસ્તવ સ્વીકારી લેશો પછી એક ચમત્કાર થશે જે તમે અનુભવી શકશો કે તમને લોકો શું કહેશે એ વાતથી ફેર પડતો બંધ થઈ જશે. અરીસા તમે જ્યારે તમને જોતા હશો ત્યારે એક પ્રશ્ન થશે કે એક મિનિટ, મને કેમ લોકોના જજ કરવાથી ફેર નથી પડતો. મારી નિષ્ફળતાઓ કે મારા જીવનના મેં નક્કી કરેલા લક્ષ્ય સુધીની દોટમાં હું જેટલીવાર પડ્યો આખડ્યો એ તબક્કાની વાતો કરવામાં મને તકલીફ કેમનથી પડી રહી ? મને કેમ એ સમયની વાત કરવામાં શરમ નથી આવી રહી ? એ બધું એટલે શક્ય બનશે કેમકે તમે તમારો એ સમય સંતાડ્યો નથી સ્વીકારી લીધો છે. બધું સંતાડી રાખીને જીવવાનો પણ એક થાક હોય છે, નિષ્ફળતાઓ ઢાંકી રાખવામાં એક ફફડાટ હોય છે. એ નહીં ઢાંકો, તમારી નિષ્ફળતાઓ વિશે પણ ખુલીને વાત કરો તો તમારી બાબતે ઘસાતું બોલનારાઓ પાસે પણ તમારી ચુગલી કરવા માટે ટોપીક નહીં રહે.
સૌથી અગત્યની વાત પડ્યા છો તો ઊભા થાઓ, ગોઠણ ખંખેરી નાખો, ઉંડા શ્વાસ લઈ દોટ મુકો. જ્યાં અટકી પડો એ ક્ષણો બાબતે એવું સમજજો કે ઈશ્વરે થાક ઉતારવાના સ્ટેશન બનાવ્યા છે, થોડો આરામ કરી આગળ નીકળી પડો કેમકે રસ્તો બહુ લાંબો છે ને એને તમારે જ કાપવાનો છે!








