Saturday, April 25, 2026
HomeGujaratમાનવતા: જ્યાં બાળકો કેન્સર સામે લડે છે, ત્યાં અમદાવાદના આ યુવાનો ખુશીની...

માનવતા: જ્યાં બાળકો કેન્સર સામે લડે છે, ત્યાં અમદાવાદના આ યુવાનો ખુશીની ક્ષણો ભેટ આપે છે

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ):
घर से मस्जिद है बहुत दूर चलो यु कर ले,
किसी रोते हुए बच्चे को हँसाया जाये!

નિદા ફાજલીના આ શેરમાં જે કહેવાયું છે, એને અમદાવાદમાં યુવાનોનો એક સમૂહ ખરેખર અનુસરે છે. અમદાવાદમાં યુવાનોનું એક એવું ગ્રૂપ છે, જે મૃત્યુ સામે લડતાં કુમળાં બાળકોને ખુશીની ક્ષણો આપવાનું કામ કરે છે. તેઓ દર રવિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગ (GCRI)માં જાય છે અને કેન્સર સામે જંગ લડી રહેલાં બાળદર્દીઓ તથા એમનાં વાલી અને પરિવારજનોને ખુશીની ક્ષણો ભેટ આપે છે.

દસેક યુવાનો દર રવિવારે સાંજે ચાર વાગ્યે કેન્સર વૉર્ડના ફ્લોર પર ભેગાં થાય છે. એકબીજાના ચહેરા પર રગબેરંગી ચિત્રો દોરે છે. અવનવી ટોપીઓ પહેરે છે. બધાં જ કોઈને કોઈ રીતે પોતાનો ચહેરો હાસ્યાસ્પદ લાગે એવો, એટલે કે જોકર જેવો બનાવી લે છે. પછી બધાં સર્કલ બનાવીને હાથમાં હાથ નાખીને પ્રાર્થના કરે છે. ત્યારબાદ બીજા માળે આવેલા બાળદર્દીઓના વિભાગમાં જાય છે. જ્યાં ચાળીસેક બેડ છે. એક-બેને બાદ કરતાં બધા જ બેડ પર રહેલું એક એક બાળક જિંદગી અને કેન્સર વચ્ચે યુદ્ધ કરી રહ્યું હોય છે. ત્યાં બે મહિનાથી લઈ બાર વર્ષ સુધીના બાળકો હતાં. જેમાં વધારે સંખ્યા બે વર્ષથી છ-સાત વર્ષનાં બાળકોની હતી.

- Advertisement -

જોકર બનેલા બધાં જ યુવાનો એક પછી એક, એમ બધા જ બેડ પર જાય છે અને બાળકો સાથે વાતો કરે છે, મસ્તી કરે છે, રમે છે, એમને હસાવે છે. બાળકોને ગમતી પ્રવૃત્તિ કરે છે. બાળકોના રસના વિષય જાણીને એ વિષે વાત કરે છે. ઘણીવાર એવું બને કે, બાળક કોઈ જ પ્રતિક્રિયા ન આપે. પણ, તે એને હસાવીને જ રહે છે. આવું લગભગ પાંચ વાગ્યા સુધી કરે છે. પછી શરૂ થાય છે નાચવા-ગાવાનું. બાળકોને ગમે એવા ગીતો, હિન્દી અને ગુજરાતી ફિલ્મી ગીતો તથા ગરબા વગાડે છે. બધા જ જોકર નાચવા લાગે છે. અને ત્યાં સુધી કે, બધાં જ બાળકો અને તેમનાં વાલી નાચવામાં ભાગ ન લે ત્યાં સુધી.

તેમને માત્ર બે કલાકની જ પરમિશન મળેલી હોવાના કારણે છ વાગ્યે તેઓ તો પાછા ફ્લોર પર આવી જાય છે; પરંતુ તેમણે વાતાવરણમાં વેરેલી ખુશી ત્યાં છલકાતી રહે છે. ફ્લોર પરત આવેલા દરેક યુવાનોના હૃદય અને ચહેરા રડમસ હોય છે. અમુક ક્ષણો સુધી તેઓ એકબીજા સાથે વાત પણ કરી શકતાં નથી. હૃદયમાં એટલું બધું દર્દ ભરીને આવ્યાં હોય છે; જાણે તે દર્દનો ભાર સહન કરી શકતાં નથી.

આ સત્કાર્ય માટે ભેગા થયેલાં યુવાનો સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, “અમારાં ગ્રૂપનું નામ ‘Mashkare Clown’ છે. જેનો મતલબ થાય છે, ‘હસતો અને હસાવતો જોકર’. આ કામનો વિચાર સૌપ્રથમ જીતુભાઈને આવ્યો હતો. વર્ષ 2015થી આ કામ જીતુભાઈ, કેયૂરભાઈ અને બીજા ત્રણ લોકોએ શરૂ કર્યું હતું. ધીરે ધીરે બીજા લોકો જોડાતાં ગયાં. એ રીતે અત્યારે લગભગ બસ્સો લોકોનું અમારું ગ્રૂપ બન્યું છે. એમાંથી દર રવિવારે દસથી પંદર લોકો અહીં ભેગાં થાય છે.

- Advertisement -

કોવિડ આવ્યો તે પહેલાં તો અમે શનિવારે વી.એસ. હોસ્પિટલમાં અને રવિવારે સિવિલ હોસ્પિટલમાં જતાં હતાં. પરંતુ કોવિડ પછી અમને વી.એસમાં પરમિશન નથી મળી. સિવિલમાં પણ પંદર જણ સુધી જ જઈ શકાય છે. એટલે અમે શનિવારે એલ.જી. હોસ્પિટલ જવાનું શરૂ કરવાના છીએ.”

આ ગ્રૂપમાં લગભગ ચારેક વર્ષથી જોડાયેલા ઉત્સવભાઈ જણાવે છે કે, “હું રેગ્યુલર દર રવિવારે આવું છું. ભાગ્યે જ કોક રવિવાર એવો હશે કે, જ્યારે હું નહીં આવ્યો હોઉં. આ વર્ષો દરમિયાન મેં સારા, માઠા અનેક અનુભવ કર્યા છે. અમે દર રવિવારે અહીં આવીએ ત્યારે લગભગ ચાર-પાંચ બાળકો નવાં જોવાં મળે છે. કેટલાક તો બે, ત્રણ, ચાર મહિના કે એથી વધારે સમય સુધી અહીં સારવાર લઈ રહ્યાં હોય છે. દર રવિવારે એમને મળવાનું થાય છે. એક ઘરોબો કેળવાઈ જાય છે. જ્યારે સમાચાર મળે કે એ બાળક સાજું થઈ ગયું અને ઘરે ગયું ત્યારે એ આનંદ અનેરો હોય છે. પણ ક્યારેક માઠા સમાચાર પણ મળે છે.

અમે રવિવારે આવીએ અને જેવા વોર્ડમાં દાખલ થઈએ એવી તરત ખબર પડે કે, ‘પેલો છોકરો કે છોકરી હવે આ દુનિયામાં નથી રહ્યાં…’ ત્યારે અમે જે દુઃખ અનુભવીએ છીએ એ કદાચ શબ્દોમાં નહીં કહી શકું. પણ ગણતરીની સેકન્ડમાં જ અમે પાછા જોકરના રોલમાં આવી જઈએ છીએ. અને સારવાર લઈ રહેલાં બાળકો સાથે બાળક બની જઈએ છીએ. અમારાં રુદનને ત્યાં જ હૃદયમાં ધરબી દઈને, ખુશી વહેંચવાનું શરૂ કરી દઈએ છીએ.” આ યુવાનો જ્યારે વોર્ડમાંથી બહાર નીકળતાં હોય ત્યારે બાળકો અને વાલીઓના ચહેરા પર હાસ્ય અને રુદનના મિશ્ર ભાવ હોય છે. એમની મનોસ્થિતિ કંઈક આવી સ્થિતિ હશે, જે જિગર મુરાદાબાદીના આ શેરમાં વર્ણવાઈ છે.

- Advertisement -

एक ऐसा भी वक्त होता है
मुस्कुराहट भी आह होती है!

મશ્કરે ક્લાઉનના મેમ્બર્સ જણાવે છે કે, “ઘણી વાર એવું બન્યું છે કે, બે-ચાર વર્ષનું બાળક કેન્સરને મ્હાત આપીને સાજું થઈ જાય, એક નવી જિંદગીની શરૂઆત કરે. પણ થોડાક સમય પછી ફરી વાર એ કેન્સરનો શિકાર બને અને પાછું અમને હોસ્પિટલમાં મળે. ત્યારે એવું થાય કે, ઈશ્વર પર ગુસ્સો પણ આવે, આ કુમળા ફૂલોએ એનું શું બગડ્યું હશે! આ તો પ્રભુના પયગંબરો છે, એમની સામે પ્રભુને જ આવી નારાજગી કેમ હશે? હવે આમાં તો ઈશ્વર સાથે જ લડાઈ હોય છે અને છેલ્લો આધાર પણ એ જ હોય છે. એવા સંજોગોમાં અમે પ્રાર્થના સિવાય કંઈ જ કરી શકતા નથી. એમાં પણ મોટાભાગના કિસ્સામાં અમારી પ્રાર્થના કામ પણ નથી લાગતી ત્યારે પણ અમે એમ જ વિચારીએ છીએ કે, હશે, અમારી શ્રદ્ધામાં જ કોઈ કચાશ રહી ગઈ હશે.”

બાળકનાં માતા-પિતાની જો વાત કરીએ તો એમની મનોસ્થિતિ તો વધારે દયનીય હોય છે. કારણ કે, બધા જ એમને પૂછે છે, કેવી રીતે આ થયું? ડૉક્ટર શું કહે છે? કેટલો સમય લાગશે? આ બધાના જવાબ તો એ દિલ પર પથ્થર મૂકીને આપી દે છે; પણ, જ્યારે બાળક એમ પૂછે છે કે, “મમ્મી, મને શું થયું છે? આપણે ઘરે ક્યારે જઈશું? હું સ્કૂલે ક્યારે જઈશ? મને રમવા કેમ નથી જવા દેતા? મને આ ટોટીઓ (સર્જિકલ પાઈપ) શેની લગાડી છે? મામાનાં ઘરે ક્યારે જઈશું?…” આવા અનેક પ્રશ્નોના જવાબ આપવા માટે દિલ પર રાખવાનો પથ્થર એ મા કે બાપ ક્યાંથી લાવે?

એવામાં આ યુવાનો હોસ્પિટલમાં આવે છે અને કોઈને એના રોગ વિષે અથવા કેવી રીતે થયું? હવે શું કરવાનું છે? આવા કોઈ જ પ્રશ્નો કરતા નથી. માત્ર હાલની ક્ષણ જ જીવાડવાનો પ્રયત્ન કરે છે. અને એ પણ તાકાત હોય એટલો આનંદ એ ક્ષણમાંથી રીતસર લૂંટી લેવાનો પ્રયાસ કરે છે. ત્યારે બાળદર્દીઓ તો ઠીક એમના માતા-પિતાના ચહેરા પર પણ અનેરું હાસ્ય છલકાઈ આવે છે. આંખોમાં ખુશીનાં આંસુ આવે છે. જાણે આંખો અને હોઠ હસવા માટે ક્યારના…ય તરસી ગયાં હોય!

આ યુવાનો રક્ષાબંધન, દિવાળી, ઇદ, નાતાલ, ઉત્તરાયણ, નવરાત્રિ જેવા અનેક તહેવારોને અનુરૂપ એક્ટિવિટી પણ કરાવે છે. કેન્સર સામે લડતી નાની નાની દીકરીઓ આ યુવાનોને રાખડી બાંધે છે. નવરાત્રિ વખતે બાળદર્દીઓ સાથે ગરબા કરે છે. નાતાલ વખતે યુવાનો શાંતા બને છે. એટલું જ નહીં, ક્યારેક જાદૂગર (magician) તો ક્યારેક સિતારવાદક (guitarist)ને પણ તેઓ બાળકો પાસે લઈ જાય છે. જે બાળકોને એન્ટરટેઈન કરે છે. ક્યારેક કોઈ બાળકનો જન્મદિવસ હોય તો એની પણ સ્પેશિયલ પરમિશન મેળવીને ઉજવણી કરે છે.

આ બધી જ એક્ટિવિટી દરમિયાન આ યુવાનો સિવિલ હોસ્પિટલના તંત્ર અને ડૉક્ટર્સ દ્વારા અપાયેલી બધી જ સૂચનાઓનો અમલ પણ કરે છે. જેમ કે, સેનિટાઇઝેશન, કોઈપણ બાળકને જો ડૉક્ટરની સલાહ ન હોય તો બેડ પરથી ઉતરવાનું કહેવું નહીં. કોઈને ક્યાંય અથડાય કે વાગે નહીં વગેરે.

આ યુવાનો સિવિલ હોસ્પિટલમાં નિયમિત રક્તદાન પણ કરે છે. અહીં સારવાર માટે આવતાં લોકોમાંથી મોટાભાગના લોકો ગરીબ અને મજૂર વર્ગના હોય છે. એમાંથી ઘણા બધા લોકો એમ.પી., રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા અલગ અલગ રાજ્યોમાંથી આવતાં હોય છે. બાળકની બીમારીનું દર્દ જાણે નાનું હોય એમ, એમની સમક્ષ બીજા અનેક પડકાર પણ હોય છે. સૌથી પહેલા તો એમને ભાષાની સમસ્યા નડે છે. એમને રહેવા, ખાવા, સૂવાની પણ તકલીફ પડે છે. ઘણાની પાસે તો વતન પાછા ફરવા માટેના પૈસા પણ નથી હોતા. જોકે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે એમની મદદે આવે છે.

આ યુવાનોનાં ગ્રૂપમાં એક રજનીભાઈ કડિયા છે. જેઓ પોતાનું એક NGO પણ ચલાવે છે. રજનીભાઈ અહીં સારવાર લઈ રહેલાં દર્દીનાં સગાંને મળે છે અને તેમને સરકાર તરફથી શું મદદ મળી શકે એની માહિતી આપે છે. રજનીભાઈ તેઓને તમામ સરકારી યોજના; જેવી કે, મા-કાર્ડ, આયુષ્માન-કાર્ડ વગેરે યોજના વિષે માહિતી આપે છે. એટલું જ નહીં આ યોજનાનો લાભ તે કેવી રીતે મેળવી શકે અને એના માટે શું કરવું તે પણ સમજાવે છે. જરૂર લાગે ત્યાં પોતે દર્દીના સગાં સાથે જઈને પણ પણ આવા સરકારી લાભ તેઓને અપાવે છે.

આ ગ્રૂપમાં આમ તો વીસ વર્ષથી પીસતાળીસ વર્ષ સુધીના લોકો જોડાયેલા છે. એક પંચાવન વર્ષના કાકા પણ છે અને કેટલાક બહેનો પણ છે. આ ગ્રૂપમાં વકીલ, ડૉક્ટર, સી.એ., નાનો-મોટો ધંધો કરનારા, ટ્રાવેલ એજન્ટ, બેન્કના કર્મચારી, મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, હાઉસવાઈફ, પ્રાઈવેટ નોકરી કરનારા લોકો છે. તેઓ જણાવે છે કે, ‘દર રવિવારે થાક ઉતારવા અમે અહીં આવીએ છીએ અને બાળકો સાથે સમય વિતાવીએ છીએ. એ સમય દરમિયાન અમે પણ બાળક બની જઈએ છીએ. અમે બાળકોને ખુશ કરવા નહીં, પોતે ખુશ થવા આવીએ છીએ. એક રવિવારના બે કલાક અમારાં માટે આખાં અઠવાડિયા સુધી પોઝિટિવ એનર્જીનો સ્ત્રોત બની રહે છે. દર રવિવારે હોસ્પિટલમાંથી નીકળતાં પહેલાં અમે બેસીને પોતાના અનુભવો શેર કરીએ છીએ. અને આ કામનો ભાર ન લાગે અને અમને કંઈક સારું કર્યાનું અભિમાન ન આવે એટલા માટે હોસ્પિટલમાં જ બેસીને ગાંધીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો… … …’ ગાઈને બધું જ અહીં મૂકીને જઈએ છીએ. જેમાં એક પંક્તિ આવે છે કે, “પરદુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે… … …” કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં અને પછી આ બાળકોના સ્વાસ્થ્ય માટે તથા એમનાં પરિવારને હિંમત મળે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.

અહીં ઘણા બધા NGO કામ કરે છે. તહેવાર પ્રસંગે તેઓ આવે છે અને બાળકો માટે રમકડાં, ડૉક્ટરની સલાહ પ્રમાણે ખાવા-પીવાની વસ્તુ આપી જાય છે. જે પણ એક સારું કામ છે. ઘણા NGO જરૂર જણાય તો બાળદર્દીનાં સગાંને આર્થિક મદદ પણ કરે છે. પણ આ યુવાનોનું કામ એટલા માટે બીજાં કરતાં અલગ છે, કારણ કે તેઓ પોતાનો સમય આપે છે. આજના 5Gના યુગમાં બુલેટ ટ્રેનની સ્પીડે ચાલતી જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે, પોતાના અંગત દુઃખ-દર્દ ભૂલીને નિઃસ્વાર્થ ભાવે તેઓ આ કામ કરે છે. આ યુવાનો તો એક ઉમદા કામ કરે જ છે. જે ખરેખર સરાહનીય છે. આ માનવતાનું પવિત્ર ઝરણું આમ જ વહ્યાં કરે એવી ઈશ્વરને પ્રાર્થના. આપણે આમાં કદાચ સહભાગી ન પણ થઈ શકીએ; પણ આપણે જ્યારે પૂજા કરીએ, નમાઝ અદા કરીએ કે પ્રેયર કરીએ ત્યારે આ બાળકોને, એમનાં માતા-પિતાને તથા આ યુવાનોને પણ અચૂક યાદ કરી શકીએ. છેલ્લે ગીતકાર શૈલેન્દ્રના શબ્દોમાં કહીને મારી વાત પૂરી કરું છું. પછી તમે અંતમાં આપેલો વિડિયો જુઓ. જેમાં ગયા રવિવારની ખુશીની ક્ષણો વર્ણવી છે.

किसी की मुस्कुराहटों पे हो निसार
किसीका दर्द मिल सके तो ले उधार
किसीके वास्ते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम है

https://www.youtube.com/watch?v=E2402jMdEic
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular