પ્રશાંત દયાળ (અમદાવાદ): રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ દ્વારા શાહીબાદ સરદાર પટેલ સ્મારક ખાતે યોજવામાં આવેલા એક સમારંભમાં પોલીસ પરિવારને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગરથી અમદાવાદ આવવા નીકળ્યો ત્યારે પોલીસ ‘પરિવાર કલ્યાણ યોજના’ વિશેની જાણકારી વાંચ્યા પછી મને લાગ્યું કે મંત્રી થયા પછીનો આ પહેલો અવસર છે જેમાં હું આનંદ વ્યક્ત કરી શકું છું. અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ પરિવારોની ચિંતા કરી કોરોના દરમિયાન શહાદત વહોરી લેનાર પોલીસ જવાનોની ચિંતા કરવાનું કામ અમદાવાદ પોલીસે કર્યું છે. અમદાવાદ પોલીસનો આ પ્રયોગ જો સફળ થાય તો ગુજરાત સરકાર તેને પાયલોટ પ્રોજેક્ટ ગણી સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ થાય તેવા પ્રયાસો કરશે.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને ડેપ્યૂટી પોલીસ કમિશનર રાજેશ ગઢીયા દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ લઈ કોરોનામાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોના પરિવારને નિયમિત આર્થિક સહાય મળે, જવાનોના બાળકોના શિક્ષણમાં વિવિધ પ્રકારની સહાય અને સવલતો મળે, જવાનોની વિધવા મહિલાઓને રોજગાર મળે તે માટે પોલીસ પરિવાર કલ્યાણ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અને શહેર ભાજપના પ્રમુખ અમિત શાહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પરિવારનો એક વ્યક્તિ ગુમાવવાની વેદના તેના પરિવારને જ ખબર પડે છે પરંતુ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા શહીદ થયેલા 19 જવાનોના પરિવારને હું વચન આપું છું કે હું તમારો દિકરો છું, માત્ર હું જ નહીં અમદાવાદના 15000 પોલીસ જવાનો તમારી પડખે છે.
હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને એવી અપીલ કરી હતી કે, હાથ લાંબો કરવો એ તો ગુજરાતીની ફીતરત નથી, પરંતુ તમારા તાબામાં કામ કરતો પોલીસ જવાન શહીદ થાય ત્યારે તેના પડોશીને પણ ખબર પડે નહીં તે રીતે તેના પરિવારને મદદ પહોંચાડજો. સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની કામગીરીની પ્રસંશા કરતાં જણાવ્યું કે, સંજય શ્રીવાસ્તવ અને તેમના પત્ની પોલીસ પરિવારની સ્ત્રીઓ માટે જે પ્રકારની કામગીરી કરી રહ્યા છે તે જાણીને મને સારું લાગી રહ્યું છે. આ પ્રસંગે ગુજરાત લાયન્સ ક્લબ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિતની અનેક સંસ્થાઓએ પોલીસ કલ્યાણની આ યોજનામાં પોતાનો સહયોગ આપવાની જાહેરાત કરી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે ખાખી વર્દી પહેરીએ છીએ. અમને સ્વમાનના ભોગે કાંઈ પણ ખપતું નથી. આમ છતા પોલીસનો પરિવાર આત્મનિર્ભર બને તેને હાથ લાંબો કરવાની સ્થિતિ નિર્માણ ન થાય, તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનો અમારો પ્રયાસ છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









