‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’(ઇસરો)ના પૂર્વ વિજ્ઞાની નામ્બી નારાયણને હાલમાં જ કેરળ સરકારે વળતર પેટે એક કરોડ ત્રીસ લાખની રકમ ચૂકવી. નામ્બી નારાયણ આજે એંસીની નજીક પહોંચી ચૂક્યા છે અને છેલ્લા અઢી દાયકાથી દુશ્મન દેશોને ગુપ્ત દસ્તાવેજો પહોંચાડવાના આરોપોને તેઓ ઝેલતા રહ્યા. 1994માં તેમના પર આ આરોપ લાગ્યો હતો. તેમની સાથે અન્ય બે વિજ્ઞાનીઓની પણ રોકેટ અને સેટેલાઈટને લગતાં ગુપ્ત દસ્તાવેજો માલદીવ્સના ઇન્ટેલિજન્સને આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. 1994માં તેમની ધરપકડ થઈ હતી અને તેમણે દોઢ મહિનાથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ક્લિન છબિ ધરાવનાર નામ્બી નારાયણની જ્યારે અચાનક ધરપકડ થઈ તો તત્કાલિન ‘ઇસરો’ના પદાધિકારીઓએ નામ્બીના તરફેણમાં જરાસરખું ન બોલ્યા અને પૂરા કેસને કાયદાકિય મુદ્દો ગણાવી તેમને પોલિસના હવાલે છોડી દીધા.
આ દરમિયાન નામ્બી નારાયણને ટોર્ચર કરવામાં આવ્યા અને તેમની સ્થિતિ એ હદે લથડી કે છેવટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નામ્બી નારાયણ સાથે આ બધું જ થયું પણ પછીના બે જ વર્ષમાં ‘સીબીઆઈ’એ કેસને રદબાતલ કર્યો. 1998મા સુપ્રિમ કોર્ટ પણ એ નિર્ણય પર આવી કે, નામ્બી નારાયણ પરનાં આરોપો ઉપજાવી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત, માનવ અધિકાર કમિશને નામ્બી નારાયણ સાથે થયેલા અન્યાય પેટે કેરળ સરકારને એક કરોડ ચૂકવવાનો હૂકમ કર્યો હતો. જોકે, પછીથી પણ કેરળ સરકાર નામ્બી નારાયણને નાણાં ચૂકવવામાં ગલ્લાંતલ્લા કરતી રહી. પહેલાં પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો સંઘર્ષ અને પછીથી કારકિર્દી–જીવનમાં થયેલાં નુકસાનનીના પેટે વળતર મેળવવાની જદ્દોજહદનું ચક્ર પૂરું કરતા કરતા એક હોનહાર વિજ્ઞાનીના અઢી દાયકા ખોટા કેસે લઈ લીધા!આજે નામ્બી નારાયણ પોતાના મળેલાં ન્યાયથી ખુશ છે, પરંતુ દેશ માટે જે યોગદાન આપવાનું હતું તે નથી આપ્યાનો અફસોસ છે.
1994 પછીના નામ્બી નારાયણની જીવનની કહાણીના પાનાં મહદંશે કોર્ટ કેસની આસપાસ ફરે છે. તે અગાઉના નામ્બીની શખ્સિયત ઇસરોના એક કાબેલ વિજ્ઞાની તરીકેની રહી છે. નામ્બીની આ ઓળખ વિક્રમ સારાભાઈને આભારી હતી. 1966નું વર્ષ હતું અને ઇસરોના ‘થુમ્બા રોકેટ લોન્ચિગ સ્ટેશન’માં અમેરિકા અને ફ્રાન્સથી મેળવેલા રોકેટના પ્રયોગ થતા હતા. અહીં એન્જિયનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરીને આવેલો યુવાનવયનો નામ્બી ડ્રાફ્ટિંગ બોર્ડમાં કામ કરતો હતો. રોજના ક્રમ મુજબ તે ઓફિસમાં કામમાં ગુંથાયેલો હતો ત્યારે અચાનક કુર્તા–પાયજામા એક વ્યક્તિ ઉપસ્થિત થાય છે. નામ્બી સાથે આવનાર વ્યક્તિ કામની બાબતે ચર્ચા કરે છે અને નામ્બી તેઓને બધું સમજાવે છે. પણ છેલ્લે નામ્બી તેમને પૂછે છે, ‘સર તમારું નામ?’ ત્યારે તે વ્યક્તિ કહે છે કે, ‘લોકો મને વિક્રમના નામથી ઓળખે છે’. બસ, આ હતી વિક્રમ સારાભાઈ સાથેની નામ્બી નારાયણની પ્રથમ મુલાકાત.
વિક્રમ સારાભાઈનો નામ્બી સાથેનો આ નાનકડો સંવાદ આગળ જતાં અલપઝલપ પરિચયમાં કેળવાય છે. તે કાળે પણ વિક્રમ સારાભાઈનો આગ્રહ રહેતો કે જેઓ પણ ઇસરો કે તેના સંલગ્ન અન્ય સંસ્થામાં સંકળાય તેઓ જે–તે ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પામેલા હોવા જોઈએ. વિક્રમસારાભાઈસાથે નામ્બીની વાતચીત થઈ ત્યારે તેમનું શિક્ષણ તે બરનું નહોતું, એટલે ઇસરોમાં આગળ વધવા માટે તેઓ થિરુવંતપુરમની એન્જિનિયરીંગ કોલેજમાં એમટેકના વર્ગો ભરવા માંડ્યા. સારાભાઈએ જ્યારે નામ્બીના અભ્યાસ પ્રત્યેના લગાવને જાણ્યો ત્યારે તેમણે નામ્બીને અમેરિકામાં અભ્યાસ કરવા અર્થે મોકલ્યા. અમેરિકામાંનામ્બીએ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી નાસાની ફેલોશિપના મદદથી કેમિકલ રોકેટ પ્રોપ્યુલેશનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો. નામ્બીએ તેમની માસ્ટર ડિગ્રી માત્ર દસ મહિનાના રેકોર્ડ ટાઇમમાં પૂર્ણ કરી!નામ્બીની આ વિષય પર એટલી પકડ હતી કે અભ્યાસ પૂર્ણ થયા બાદ અમેરિકામાં જ તેઓને નોકરીઓની ઓફર થવા માંડી હતી. પરંતુ તેઓ વિક્રમ સારાભાઈનું ઋણ ભૂલ્યા નહોતા. નામ્બી ભારત પાછા ફર્યા અને ઇસરોમાં જોડાયા. તત્કાલિન સમયમાં ઇસરોએ રોકેટને લઈને જે પણ પ્રયોગ કર્યા તેમાં નામ્બીની ભૂમિકા અગત્યની રહી છે. સારાભાઈ હંમેશા નામ્બીને “આપણો પ્રિન્સ્ટોનિયન” કરીને ઓળખ આપતા.
1971માં સારાભાઈના આકસ્મિક મૃત્યુથી નામ્બી જેવાં યુવાનો જે પ્રોજેકટ પર કાર્ય કરતા હતા તેને ધક્કો જરૂર લાગ્યો, પરંતુ આ નુકસાનને ભરપાઈ કરી શકે તેવા સતીશ ધવને ઇસરોના ચેરમેનનું પદ મળ્યું. સતીશ ધવનના નેતૃત્વ હેઠળ ફરી ઇસરોમાં નામ્બી અને તેના જેવા યુવાનો અવકાશ વિજ્ઞાનમાં ઊડાન ભરવા લાગ્યા. નામ્બી તે વખતે રોકેટમાં લિક્વિટ પ્રોપ્યુલેશનમાં કાર્ય કરી રહ્યા હતા. પ્રોપ્યુલેશન રોકેટને આગળ ધપાવવાનું કાર્ય કરે છે, પણ તે કાળે પ્રોપ્યુલેશન પ્રયોગ દેશ માટે અત્યંત ખર્ચાળ હતો. ઇસરો પાસે એટલું બજેટ પણ નહોતું. પરંતુ નામ્બી સતીશ ધવનને એવો વિશ્વાસ અપાવવામાં કામિયાબ રહ્યા કે આપણે લિક્વિડ પ્રોપ્યુલેશનમાં આગળ કામ કરી શકીશું. સતીશ ધવને તુરંત નામ્બીને પચાસ વ્યક્તિની ટીમ આપી અને પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા. કામ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે તે જોતા 1979માં રોકેટ પ્રોપ્યુલેશનમાં સતીશ ધવને એક કરોડ રૂપિયા ફાળવી આપ્યા. થોડા જ વખતમાં નામ્બી અને તેમની ટીમે રોકેટ અર્થે સ્વદેશી ‘વિકાસ’ નામનું એન્જિન તૈયાર નિર્માણ કર્યું. જોકે હવે એન્જિનનું ટેસ્ટિંગ કરવાનું હતું, તે સુવિધા દેશમાં ઉપલબ્ધ નહોતી એટલે ફ્રાન્સ સાથે કરાર થયા. આ કરાર અંતર્ગત ‘વિકાસ’ એન્જિનને ટેસ્ટિંગ માટે ચૌદ જુદા જુદા બોક્સમાં એર ઇન્ડિયા દ્વારા ફ્રાન્સ લઈ જવામાં આવ્યું. સારાં કામમાં સો વિધ્નો આવે તેમ અહીંયા પણ બન્યું. ચૌદમાંથી ત્રણ બોક્સ મિસ પ્લેસ્ડ થયા, પરંતુ છેવટે દોડાદોડી બાદ ‘વિકાસ’ એન્જિનનું સફળ ટેસ્ટિંગ થયું. આજે આપણે ‘પીએસએલવી’ની જે ડિઝાઈન જોઈએ છે તેના નિશ્ચિત સ્વરૂપ આ એન્જિનની સફળતા પછી જ ઘડાયું. અને પછી સત્તર વર્ષ સુધી તેના પર કામ થતું રહ્યું અને છેવેટ 1993માં ‘પીએસએલીવી’થી પ્રથમ લોન્ચિગ થયું. આજે નામ્બીના મૂળ વિચારથી નિર્માણ પામેલું ‘વિકાસ’ એન્જિન ભારતમાં જેટલાં પણ રોકેટ લોન્ચ થાય છે તેનો ભાગ છે. ઇવન ચંદ્રાયાન, મંગાલાયન અને ‘જીએસએલવી’ પણ ‘વિકાસ’ એન્જિનના બળે જ અવકાશની મજલ કાપી શક્યા છે.
નામ્બી રોકેટ ટેક્નોલોજીમાં રોકેટની ઝડપે આગળ વધી રહ્યા હતા, ત્યારે જ જાણે પૂરું તેમનું કાર્ય ઠપ્પ કરી દેવાનું હોય તે રીતે જાસૂસીના આરોપ લાગ્યા. આશ્ચર્યની વાત એ છે કે આ અંગે ઇસરોમાંથી કોઈ જ ફરિયાદ પોલીસને કરવામાં આવી નહોતી. બસ, ક્યાંકથી એ માહિતી પોલીસને મળી અને નામ્બી સહિત કુલ ત્રણ વ્યક્તિની આ આરોપસર ધરપકડ કરવામાં આવી. જેમના પર આરોપ હતા તેઓ એક પાયાની દલીલ પોલીસ આગળ કરતા રહ્યા કે ઇસરોમાં કોઈ પણ દસ્તાવેજ ટોપ સિક્રેટ તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવ્યા નથી. કોઈ પણ વિજ્ઞાની પોતાના અભ્યાસ માટે તેનો ઉપયોગ કરી શકે છે. ઇવન તે દસ્તાવેજને ઘરે પણ લઈ જઈ શકે છે. બીજું કે રોકેટ ટેક્નોલોજીને કોઈ પણ રીતે દસ્તાવેજથી શીખવું અશક્ય છે. આમ, નામ્બી પરનો કેસ ખારીજ થયો. જોકે નિર્દોષીના પછીના વર્ષોમાં પણ આ આરોપના ઓછાયા હેઠળ નામ્બીનું દોઢ દાયકાનું જીવન ગયું. છેલ્લા દાયકાથી તેઓ પોતાની નિર્દોષતા બધે જ પુરવાર કરી ચૂક્યા છે. તેમના જીવન રોકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ નામની ફિલ્મનું નિર્માણ થઈ ચૂક્યું છે, જે ટૂંક સમયમાં રિલીઝ થશે. 2019માં તેઓને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા અને ‘રેડી ટુ ફાયર’ નામે તેઓનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.








