નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી NSUI દ્વારા ભરતી પ્રક્રિયા અને ખાનગી સંસ્થાને યુનિવર્સિટીમાં IELTS માટે ભાડે જગ્યા આપવા બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે NSUI દ્વારા કુલપતિ અને રજિસ્ટ્રારની ઓફિસમાં તાળાં મારીને વિરોધ કરવામાં આવ્યો હતો. ઓફિસમાં કુલપતિ કે રજીસ્ટ્રાર હજાર ન હોવાથી NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો અને બાદમાં ઓફિસને તાળાં મારી દીધા હતા. જોકે દર વખતની જેમ પોલીસ પ્રદર્શનકારીઓને પકડવા માટે આવી પહોંચી હતી અને ટીંગાટોળી કરીને NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં એક ખાનગી IELTS ભણાવતી સંસ્થાને ભાડે જગ્યા આપવા મામલે છેલ્લા ઘણા સમયથી NSUI દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અહિયાં નોંધનીય બાબત એ છે કે, આ ખાનગી સંસ્થાને ભાડે જગ્યા આપવા બાબતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અજાણ છે. NSUIનો આક્ષેપ છે કે સિન્ડિકેટ સભ્યોની ભલામણના કારણે જ આ સંસ્થાને યુનિવર્સિટીમાં ભાડે જગ્યા આપવામાં આવી છે.
આ ઉપરાંત યુનિવર્સિટીમાં 100 કરતાં વધારે જગ્યાઓ ખાલી પડી હતી, જેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ઉમેદવાર પાસેથી ભરતી માટે ફી પણ ઉઘરાવવામાં આવી હતી. તેમ છતાં આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે અને કોઈ ઉમેદવારની ભરતી કરવામાં આવી નથી. NSUIએ માગ કરી છે કે તાત્કાલિક આ ઉમેદવારોની ભરતી કરવામાં આવે અથવા તો દરેક ઉમેદવારને વ્યાજ સહિત તેમના પૈસા પરત કરવામાં આવે.

આ અંગે વાત કરતાં NSUIના નેતા ભાવિક સોલંકી જણાવે છે કે, “છેલ્લા ઘણા સમયથી અમે યુનિવર્સિટીમાં થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં ખાનગી સંસ્થાને જગ્યા ભાડે આપી દેવામાં આવે અને તે પણ કુલપતિની જાણ બહાર. આ કેવી રીતે માનવમાં આવી શકે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયામાં પણ સિન્ડિકેટ સભ્યોના મળતિયાઓને ગોઠવવા માટે જ હજુ સુધી ભરતી પ્રક્રિયા કરવામાં નથી આવી રહી, જેના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કુલપતિ કે રજીસ્ટ્રાર ઓફિસમાં હજાર ન હોવાથી અમે તેમની ઓફિસમાં તાળાં મારી દીધા હતા.”