તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ, રાજકોટ): પરિવાર સાથે રાત-દિવસ મહેનત કરી કમાણી કરતા લારી ચાલક પાસેથી ગુંડાઓ પણ ન કરે તેવી હરકત પોલીસ કર્મચારીઓએ કરી હોવાની ઘટના બની છે. મફતમાં ખાવાનું લઈ જતા પોલીસ કર્મચારી પાસે પૈસાની માગણી કરતા ખાખી પાછળના ગુંડાતત્વો જેવો ચહેરો ધરાવતા પોલીસ કર્મચારીઓ ગુંડાગીરી કરી મારામારી કરે છે. લારીમાં રહેલો સામાન ઉડાવી દઈ લુખ્ખાઓની જેમ પોલીસ કર્મચારીઓ તોડફોડ કરે છે. ત્યારે ગરીબ બાપ-દિકરો હાથ-પગ જોડે છે અને ગુંડા પોલીસ કર્મચારીઓ નિર્દયી રીતે બાળકને ફટકારે છે. આવા દૃશ્યો ફિલ્મમાં જોઈને પણ કાળજું કંપી જાય, ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય પરંતુ આવું હકિકતે થયું હોય તો ? આવું જ કંઈક રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ અને તેમના મિત્રોએ કર્યું છે અને એ પણ માત્ર રૂ. 120ના બીલ માટે.
ગુંડાઓને પણ શરમાવી દીધા જ્યારે બાળકને ફટકાર્યો
ગતરોજ રવિવારે રાત્રીના સમયે રાજકોટના ટાગોર રોડ પાસે ઈંડાની લારી ચલાવી ગુજરાન ચલાવતા રજાક પિપરવાડીયાની લારી પર કેટલાક શખ્સોએ ધમાલ મચાવી હતી. ધમાલ મચાવવા પાછળ જમવાના રૂપિયા નહીં આપવા ટૂંકમાં ‘મફતીયા પણું’ જવાબદાર હતું. રજાક આ ઘટના બાબતે જણાવે છે કે, તેમની લારી પર ઈંડા ખાઈ રૂપિયા 120નું બીલ નહીં આપવા મામલે 8 લોકો ધોકા સાથે ઘસી આવ્યા હતા. આ લુખ્ખાઓની જેમ આવેલા શખ્સે રજાકના 12 વર્ષના દિકરાને બેફામ રીત ફટકાર્યો હતો અને લારીમાં તોડફોડ ચલાવી હતી. તેમજ આ શખ્સોમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા.
લોકો વરસાવી રહ્યાં છે ફિટકાર
રાત્રીના સમયે આવી ઘટના સર્જાતા લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું અને પોલીસ ફટાફટ આવે તો સારું તેમ વિચારતા હતા. પરંતુ અહિં તો આ લુખ્ખાના વેશમાં પોલીસ પણ હતી તે વાત જાણી લોકો આવા પોલીસ કર્મચારીઓ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
શું બચાવ કરી લુખ્ખાઓને પ્રોત્સાહન આપવું છે ?
આ લુખ્ખાગીરી કરતા કર્મચારીઓને બચાવવા પોલીસના જ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ પણ રજાકને સમજાવવા દોડી રહ્યાં છે. તો શું તેઓ પણ આવી લુખ્ખાગીરીને પ્રોત્સાહન આપવા માંગતા હશે? જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટિયા, સહિત ઘણા એવા પોલીસ અધિકારીઓથી માંડી પોલીસ કર્મચારીઓ છે જેમાં કોન્સ્ટેબલ અને મહિલા ટ્રાફીક પોલીસનો પણ સમાવેશ થાય છે જેઓ પોતાની માણસાઈના ધોરણે પોલીસની છબી સુધારવા સતત કાર્યરત રહે છે ત્યાં આવા ગુંડાઓ અને તેમને સાચવવા વચ્ચે પડનારાઓ પોલીસની ખાખી વર્દીને સરા જાહેર બદનામ કરવા પુરતા છે.
લારી ભલે બંધ કરાવી દેતા પણ ન્યાય જોઈએ
રજાક પિપરવાડીયાએ મીડિયાને જણાવ્યું હતું, કે રૂપિયા 120ના બીલ બાબતે સમગ્ર બબાલ સર્જાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના દિપકના ફોનમાંથી ડી.એમ. ઝાલએ ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શું મગજમારી હતી? તેનો ભાઈ જમવા આવ્યો હતો. તેના ભાઈ ગજુભા પરમારનું પણ બીલ નહીં લેવાનું કહીં અંધાધૂંધ ધોકા રેડ કરી હતી. રજાક જણાવે છે કે, “આવા પોલીસ અધિકારી 120 રૂપિયામાં આવું કરે છે તો પ્રજાનું શું ધ્યાન રાખી શકે? મારી માંગણી છે કે આમને સસ્પેન્ડ નહીં ડીસમીસ કરવા જોઈએ, મારી સાહેબને વિનંતી છે. ભલે મારી લારી બંધ કરાવી દે પણ હું સમાધાન નથી કરવાનો. હું ચારેય પોલીસ કર્મચારીઓના નામ આપવા માટે પોલીસ કમિશનર પાસે પણ જવાનો છું.” જોવાનું રહ્યું હવે કે પોલીસ કમિશનર ખાખીની છબી ખરડનારાઓનું શું કરે છે? કારણ એક બાળકના માનસ પર પોલીસની આ હરકતની કેવી છાપ ઊભી થઈ હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











