દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. પેટલાદ): પેટલાદમાં MGVCL પાસે LC ર૮ નંબરની ફાટક ઉપર પાંચ વર્ષ અગાઉ ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતુ. આ કામ શરૂ થયા બાદ ગણતરીના મહિનાઓમાં કોઈ પણ કારણસર સ્થગિત થઈ ગયું હતું. જેને કારણે શહેર અને તાલુકાની પ્રજા ભારે હાડમારી ભોગવી રહી હતી. આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે અનેક સંગઠનો અને પ્રજા દ્વારા આવેદનપત્ર અને આંદોલન થકી ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આ બ્રિજનું અધુરૂ કામ પુરૂ કરવામાં ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતાને રસ નહીં હોવાની વાત ચર્ચાસ્પદ બની હતી. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે નેતાઓને અચાનક આ અધુરો બ્રિજ યાદ આવી ગયો છે. સરકાર દ્વારા પણ અધુરા બ્રિજને પુરો કરવા તાજેતરમાં રૂા.31.77 કરોડના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ બ્રિજ ક્યારે પૂર્ણ થઈ પેટલાદની પ્રજાને મળે છે ?
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદમાંથી ખંભાત-નડિયાદ રાજ્ય ધોરીમાર્ગ નંબર 76 પસાર થાય છે. આ ધોરીમાર્ગ ઉપર MGVCL કચેરી પાસે આણંદ-ખંભાતની ડેમુ ટ્રેનની LC ર૮ નંબરની ફાટક આવેલ છે. આ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા રાજ્ય સરકારે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કર્યો હતો. આ બ્રિજનું કામ જૂલાઈ 2017માં શરૂ થયું હતું, જેથી આ ફાટક પાસેના ટ્રાફિકને જીઆઈડીસી તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ. જેને કારણે આ વિસ્તારના લોકો તથા શાળાના વિદ્યાર્થીઓ અને કેટલીક કચેરીઓના કર્મચારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જેથી ફાટકની બાજુમા પૂર્ણાનંદ આશ્રમની સામે આવેલા ગરનાળા નીચેથી ટુવ્હિલર અને રાહદારીઓ માટે કામચલાઉ રસ્તો બનાવી આપ્યો હતો, પરંતુ ચોમાસાના સમયે ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. તેમાં પણ ગણતરીના મહિનાઓમાં જ બ્રિજનું કામ કોઈપણ કારણોસર સ્થગીત થઈ ગયું હતુ. જેથી શહેર અને તાલુકાની પ્રજાને વધુ હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. આ અંગે અવાર નવાર રેલ્વે, માર્ગ મકાન, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચકક્ષા સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ પણ અધુરા બ્રિજનું કામ શરૂ નહી થતા પ્રજાને આંદોલનનો સહારો લેવો પડ્યો હતો.
આ આંદોલનમા શહેરીજનો, ગ્રામજનો, સોસાયટી વિસ્તારના રહિશો, વિદ્યાર્થીઓ વગેરે જોડાયા હતા. આ બ્રિજનું કામ પુનઃ શરૂ કરવા અધિકારીઓ સાથે બેઠકો પણ યોજાઈ હતી. છતાં સરકાર દ્વારા અધુરો બ્રિજ પૂર્ણ કરવા અત્યાર સુધી કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. ગત વર્ષે નવેમ્બર 2021માં આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે પણ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ આ બ્રિજ અંગે અત્યાર સુધી કઈ જ ઘટતું કરવામાં આવ્યું ન હતુ. અંતે તાજેતરમાં જ્યારે વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા અધુરા બ્રિજને પુરો કરવા રૂા.31.77 કરોડના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છતાં હજુ પણ આ અધુરો બ્રિજ કેટલા સમયમાં પુર્ણ થશે તે અંગેના પ્રશ્નો ટોક ઓફ ધ ટાઉન છે.








