પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): નિયતી તમને કયાં લઈ જશે તેની તમને ક્યારેય કલ્પના હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં આપણી કલ્પના બહારની ઘટનાઓ જ ઘટતી હોય છે, આખી જીંદગી મેં પોલિટિકલ અને ક્રાઈમ રિપોર્ટીંગ કર્યા પછી મને ક્યારેય સ્વપ્ન પણ ન્હોતું આવ્યું કે હું ગાંધીજી સ્થાપિત નવજીવન સંસ્થાનો હિસ્સો બનીશ. 2015ની વાત છે જ્યારે મને મારા મિત્ર અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ કહ્યું કે, મને લાગે છે કે તારે અમારી સાથે કામ કરવું જોઈએ. મને વિચાર આવ્યો કે આ મજાક કરે છે કે પછી મને અને મારા કામને ઓળખતો નથી. મેં મનમાં કહ્યું હું અને ગાંધી…? અરે અમારે તો દુર દુર સુધી કોઈ સંબંધ નથી. મને રાજનેતાઓની રમત અને ગુંડાઓની બંદુકની ભાષા સમજાય પણ ગાંધીની સરળતા સમજવાની બીમારીથી હું બહુ જ દુર છું. મેં ત્યારે તેને કોઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ પછી મને મારો મિત્ર ઉર્વીશ કોઠારી મળી ગયો તે જાણતો હતો કે મને નવજીવન ટ્રસ્ટ તરફથી પ્રસ્તાવ મળ્યો છે. તેણે મને પૂછ્યું શું વિચાર્યું નવજીવન સાથે જોડાવવા અંગે? હું તેની સામે જોઈ રહ્યો.
મેં તેને સામો સવાલ કરતા પૂછ્યું ઉર્વિશ તને લાગે છે કે હું કોઈ ગાંધી સંસ્થામાં કામ કરી શકું? તેણે પોતાની સ્ટાઈલ પ્રમાણે સહજતાથી કહ્યું વાંક તારો નથી, તું રોજ ગાંધીનું જ કામ કરતો હોવા છતાં તું માને છે કે તું ગાંધીથી દુર છે. કારણ ગાંધીવાદી લોકોએ ગાંધીને એટલો મહાન બનાવી દીધો કે તારા મારા જેવા અનેકોને લાગ્યું કે આ મહાન માણસની નજીક પણ આપણે જઈ શકીએ નહીં. ગાંધી તો આપણા જેવો નિર્બળ માણસ હતો. તે જેવો છે તેવો દેખાતો હતો. બીજા કોઈ સાથે કામ કરવા કરતા ગાંધી સાથે કામ કરવું સહેલુ છે. જ્યાં સુધી તારા અને ગાંધીનો સંબંધ છે ત્યાં સુધી તમારી નીસ્બત એ છે કે લોકોના જીવનમાં સારૂં થાય. બહુ વિચાર કર્યા પછી થોડાક કમને હું નવજીવન સાથે જોડાઈ ગયો. જોકે વિવેક દેસાઈએ મને કહ્યું આવતીકાલે તને એવું લાગે કે આ કામની મજા આવતી નથી તો તું તારી દુનિયામાં પાછો જઈ શકે છે. તે વાતને સાત વર્ષ થઈ ગયા મને મારી જુની દુનિયામાં પાછા ફરવાનો વિચાર આજ સુધી આવ્યો નથી.
નવજીવન ટ્રસ્ટના ભાગ રૂપે મારે સાબરમતી જેલના કેદીઓને ભણાવવાનું અને તેમના પ્રશ્ન ઉકેલવાનું કામ આવ્યું, મને ત્યાં ઘણા નવા મિત્રો મળ્યા. આમ તો હું એવા ભ્રમમાં ત્યાં ગયો કે મારે તેમને બદલવાના છે, પણ ક્યારે અને કેવી રીતે થયું તેની મને ખબર નથી એક માણસ તરીકે સારો માણસ થવામાં તેઓ મને બોલ્યા વગર સહાયભુત થયા. અહિયાં જેલમાં મને મીલન મળી ગયો, મીલન ઠક્કર મૂળ અમદાવાદનો જ વતની, પણ તેની નિયતી તેને સાબરમતી જેલ લઈ આવી. તે મારી પાસે પત્રકારત્વ ભણતો હતો. પહેલી બેંચ ઉપર જ બેસે. ખુબ ચર્ચા કરે અને પ્રશ્ન પુછે. મીલન જેલમાં ઓડીયો બુક બનાવવાનું કામ પણ કરતો હતો. ઓડીયો બુક બનાવતી વખતે તેણે ઓડીયો બુક બનાવવાના ભાગરૂપે ગાંધીને વાંચ્યા, તેના મનમાં પણ સવાલ ઉઠ્યો કે હાલના સમય ગાંધીની સત્ય અને અહિંસાની વાત કેટલી પ્રસ્તુત છે. મિલનને ટ્રાયલ કોર્ટ દ્વારા દસ વર્ષની સજા કરવામાં આવી હતી, તે જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો.
મિલન ઠક્કરે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી અને પોતાનો પક્ષ જાતે મુકતા કહ્યું સાહેબ મેં કોઈ અજાણતા ભુલ કરી નથી, મારે શ્રીમંત થવું હતું એટલે મેં ઈરાદાપુર્વક ગુનો આચર્યો હતો. મને તેની ગંભીરતા, તેના પરિણામો અને કાયદાની જોગવાઈની ખબર હતી. મિલન અક્ષરસહ હાઈકોર્ટના જસ્ટીશ ભટ્ટ સાહેબ સામે સાચું બોલી રહ્યો હતો. હાઈકોર્ટમાં સન્નાટો હતો કારણ અહિયાં આવનાર તમામ એવું જ કહેતા હોય છે કે તેમણે કંઈ ખોટું કર્યું જ નથી, પણ એક માણસ પોતાના ગુનાનો એકરાર કરી રહ્યો હતો. મીલને અંતમાં એટલુ જ કહ્યું મારી ભુલ છે, પણ મારી ઉંમર અને ઘરે વૃધ્ધ માતા-પિતા છે તે બાબત આપ સાહેબ ધ્યાન ઉપર લો એટલી જ વિનંતી. હાઈકોર્ટ જજ શું નિર્ણય કરશે બધાની નજર હતી, જસ્ટીશ ભટ્ટે ચુકાદો આપતા નોંધ્યું કે કોઈ માણસ સાચુ બોલે તો તેની કિંમત થવી જોઈએ મિલન ઠક્કરેની રજૂઆત સાંભળ્યા પછી તેની બાકી રહેલી પાંચ વર્ષની સજા માફ કરવાનો હુકમ કરવામાં આવે છે. જેલમાં રહેલા મિલનએ ગાંધી ઉપર વિશ્વાસ મૂક્યો અને તેના વિશ્વાસનો વિજય થયો.
હું મારુ સદ્દભાગ્ય સમજુ છું કે આજે મિલન ઠક્કર મારી સાથે નવજીવન ટ્રસ્ટમાં કામ કરે છે, આવી અનેક ઘટનાઓએ મને શીખવ્યું કે ગાંધીના રસ્તે ચાલવુ બહુ સરળ છે કારણ ગાંધી તો જીવવાનો વિષય છે. ગાંધીમાં આસ્થા હોય તો ખાદી પહેરવાની પણ જરૂર નથી. ગાંધી તો બીજીની નીસ્બત કરતા હતા, આપણને પણ કોઈ માટે નીસ્બત છે તો આપણે પણ ગાંધી થઈ શકીએ. જ્યારે વાત હિંસા અને અહિંસાની આવે ત્યારે અનેકો એવું માને છે ગાંધીની અહિંસાની વાત ખોટી છે, પરંતુ નવજીવનના ટ્રસ્ટી કપીલ દવે કહે છે ગાંધી અહિંસાની વાત કરતા તે કાયરતા ન્હોતી, ગુજરાત પોલીસમાં ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટ કહે છે કે હિંસા આપણા નસ નસમાં છે, પણ એક માણસ અહિંસાના નામે દેશની 80 ટકા જનતા ઉપર એવો જાદુ કરે, દેશનો મોટો હિસ્સો મારવા નહીં પણ માર ખાવા માટે તૈયાર થઈ જાય આ કોઈ નાનીસુની ઘટના નથી. આવી અનેક ઘટનાઓ પછી એટલું જ કહીશ કે ગાંધી તો સ્વાનુભવનો વિષય જ છે.