નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ ભલે શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરતી હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં શિસ્તભંગ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ભાજપના નેતાઓ જ અન્ય ભાજપી નેતાને પછાડવા માટેના કાવતરાઓ કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના આંતરીક ખેચતાણની વચ્ચે વધુ એક ભાજપના નેતાનો ભોગ લેવાયો છે. ગુજરાત ભાજપના (BJP Gujarat) મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે કે, પ્રદીપસિંહ વાઘેલા એ રાજીનામું આપ્યું છે કે પક્ષ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે?
તાજેતરમાં વડોદરા મેયરને બદનામ કરતી પત્રીકાઓ ફરતી થઈ હતી. ત્યાર બાદ સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખને બદનામ કરતી પત્રીકાઓ ફરતી થઈ હતી. જોકે આ મામલાની તપાસ પોલીસે શરૂ કરતાં ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકરોની સંડોવણી સામે આવી હતી. જોકે પોલીસે તેમની ધરપકડ કરતાં ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વડોદરા અને સુરતની ઘટનાનો અંત આવતા અમદાવાદમાં (Ahmedabad) પણ પત્રીકાકાંડને (Patrika Kand) લઈને ભાજપમાં ચહલપહલ શરૂ થઈ હતી. જેમાં ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સામે એક પત્રિકા યુદ્ઘ શરૂ થયું હતું. આ પત્રિકામાં પ્રદીપસિંહ વાઘેલા અને તેમના એક સમર્થક સામે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમણે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર કર્યો છે.
આ પત્રીકામાં ગુજરાત યુનિવર્સિટીથી લઈને સાણંદમાં જમીન પચાવી પડવાના કૌભાંડના (Land Scam) આક્ષેપો કરવામાં આવ્યા હતા. પત્રિકામાં આ પ્રકારના અલગ-અલગ આક્ષેપ પ્રદીપસિંહ વાઘેલા સામે લગાવામાં આવ્યા હતા. જે બાદ પ્રદીપસિંહ વાઘેલા તેમને બદનામ કરવાના પગલે અમદાવાદના SOGની ટીમને શંકાના અધારે કેટલાક નામોની યાદી આપી હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં પાલડીના મુકેશ શાહ અને જીમીત શાહ નામના વ્યક્તિઓની ઘરે SOGએ દરોડા પાડયા હતા, પરંતું SOGના હાથમાં કોઈ પુરાવા લાગ્યા ન હતા.
સુરતમાં પત્રીકાંડમાં સંડોવાયેલા ભાજપના નેતાઓના જામીન થઈ જતાં પોલીસે હવે પત્રીકાકાંડના બદલે અન્ય મુદ્દા પર તપાસ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પોલીસની તપાસ ગુજરાત યુનિવર્સિટી સુધી પહોંચી હતી. જ્યાં પૂર્વ વાઈસ ચાન્સેલરને પણ SOG દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ હતું. પૂર્વ વાઈસ ચાન્સલેરને જવાબ લખાવા માટે SOG ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં તેમની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં ભ્રષ્ટ્રાચાર થયો છે તે અંગે પૂછપરછ કરી કરવામાં આવી હતી.
સુત્રો અનુસાર, પ્રદીપસિંહ વાઘેલાએ મુકેશ શાહ અને જીમીત શાહ ઉપર જે પ્રકારના આક્ષેપ કર્યા હતા તેને લઈ રાજકારણ ગરમાયુ હતું. જીમીત શાહ રાષ્ટ્રીય નેતૃત્વના એક નેતાના ખૂબ જ નજીકના હોવાથી આ બાબતની ગંભીર નોંધ રાષ્ટ્રીય કક્ષા લેવાઈ હતી. જે બાદ પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. જોકે હાલ પ્રદીપસિંહ વાધેલા રાજીનામા પાછળ કોઈ અંગત કારણો જણાવી રહ્યા છે. રાજીનામા બાદ મોવડીમંડળ દ્વારા પ્રદીપસિંહ વાઘેલાને કમલમનો દરવાજો ઓળંગવાની પણ મનાઈ ફરમાઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદીપસિંહ વાઘેલાએ 7 દિવસ અગાઉ ભાજપમાંથી રાજીનામું આવ્યું હતું. અત્યારે સંગઠનની તમામ જવાબદારી ઉત્તર ઝોનના રજની પટેલને સોંપી દેવામાં આવી છે.
હાલ ગુજરાત ભાજપ દ્વારા સત્તાવાર નિવદેન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમના સામે ભષ્ટ્રાચારની કોઈ ફરિયાદ પાર્ટી સુઘી પહોંચી નથી અને તેમને કમલમમાં પ્રવેશ નહીં કરવા માટે કોઈ ફરમાન કરવામાં આવ્યું નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








