નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત મુલાકાત કરી રહ્યા છે, આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા સતત જનસંપર્કના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. PM મોદી હોય કે AAPના અરવિંદ કેજરીવાલ હોય સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં દ્વારા ઉદાસીન વલણ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસની કેન્દ્રિય નેતાગીરી જાણે ગુજરાતની ચૂંટણીમાં રસ ન લઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના CM અશોક ગહેલોત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે.
ત્યારે હવે રાહુલ ગાંધી પણ આગામી 5 તારીખે ગુજરાત મુલાકાતે આવવાના છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ગુજરાત AAP દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, તેવી જ રીતે કોંગ્રેસમાં પણ ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
5 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા 4 તારીખે સ્ક્રિંગ કમિટીના સભ્યો ગુજરાત આવશે અને ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર કરશે. ત્યાર બાદ જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે તેમણે આ યાદી ઉપર ચર્ચા કરશે અને ત્યાર બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે વહેલી યાદી જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે આ ઉમેદવારો પ્રજા વચ્ચે જઈ શકે અને ચૂંટણી માટે પ્રચાર કરવાનો તેમને પૂરતો સમય મળી રહે.
રાહુલ ગાંધી 5 તારીખે ગુજરાત આવશે અને અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે અને ચૂંટણી લક્ષી રણનીતિ તૈયાર કરશે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે માત્ર ભાજપ જ નહીં પણ AAP પણ મોટો પડકકાર છે, જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આગામી ચૂંટણીની તૈયારીઓ કરવી પડશે.








