નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થતા નેતાઓએ જનસંપર્ક કરવાની શરૂઆત કરી છે. ત્યારે અનેક જગ્યાએ નેતાઓ પ્રજાના સવાલોથી ઘેરાયા હોવાની સ્થીતી જોવા મળી છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસી નેતા શૈલેષ પરમારનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન જાહેર સ્ટેજ પરથી એક યુવક દ્વારા સવાલો કરવામાં આવતા નેતાના પરસેવા છુટી ગયા હતા. કાર્યક્રમમાં સ્ટેજ પરથી જ પ્રજાના સવાલોથી ઘેરાતા શૈલેષ પરમાર લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા.
દાણીલીમડાની અનામત બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી સતત બે ટર્મથી શૈલેષ પરમાર ચૂંટાઈને આવ્યા છે. આ વર્ષે પણ દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર ઉમેદવારી કરે તેવી પૂરેપુરી શક્યતા રહેલી છે. જોકે સત્તાવાર હજી સુધી નામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ શૈલેષ પરમાર દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે દાણીલીમડા બેઠક પર શૈલેષ પરમારની મુશ્કેલી વધી શકે છે. તેની પાછળનું કારણ માત્ર ભાજપ જ નથી પરંતુ AAP અને AIMIMના ઉમેદવાર પણ મેદાને છે. ઉપરાંત સ્થાનિક લોકોમાં શૈલેષ પરમારને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે ગોમતીપુર વિસ્તારમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કાર્યક્રમના અંતમાં એક સ્થાનિક વ્યક્તિએ સ્ટેજ પરથી શૈલેષ પરમારની બાજુમાં ઊભા રહી કેટલાક સવાલો કર્યા હતા. જેના કારણે શૈલેષ પરમારના કાર્યક્રમમાં બખેડો સર્જાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. પરસેવો છુટી જાય તેવી પરિસ્થિતિમાં પણ શૈલેષ પરમારે સ્થિતી પારખી લૂલો બચાવો કર્યો હતો. જોકે અપેક્ષા વગરના સવાલો શૈલેષ પરમાર સામે જાહેરમાં આવી જતાં શૈલેષ પરમારના પરસેવા છૂટી ગયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર બનાવ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટાઈને આવ્યા બાદ 5 વર્ષ સુધી વિસ્તારમાં દેખાયા નથી. ઉપરાંત મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે ઓક્સિજન અને ઈન્જેક્શન માટે તેમને ફોન કરવામાં આવતા હતા ત્યારે પણ ફોન ઉપાડવામાં આવતો ન હતો. શૈલેષ પરમાર કઈ કામ ન કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઈંગ્લિશ શાળા, લાઈબ્રેરી અને હોસ્પિટલોના વચનો આપવામાં આવ્યા હતા તે પુરા કરવામાં આવ્યા નથી. જોઈ એવો સામાન્ય વ્યક્તિ શૈલેષ પરમારને ડારેક્ટ મળી નથી શકતો, હંમેશા મોટા મોટા લોકો જોડે જ જોવા મળે છે, તેમની ઓફિસના બોર્ડ લાગ્યા છે પણ ઓફિસ બંધ હોય છે, શૈલેષ પરમારે હથેળીમાં ચાંદ બતાવ્યો હોવાનું સ્થાનિક લોકમુખે સાંભળવા મળી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા દાણીલીમડા વિસ્તારમાં શૈલેષ પરમાર દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતો. આ દરમિયાન સ્થાનિક મહિલાઓ દ્વારા હોબાળો મચાવામાં આવ્યો હતો. તે કાર્યક્રમમાં પણ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ધારાસભ્ય બન્યા બાદ તેઓ વિસ્તારમાં દેખાતા નથી. જોકે અવાર-નવાર શૈલેષ પરમાર પર આ આક્ષેપો થતા આવ્યા છે. જોવાનું રહ્યું કે પ્રજાનો રોષ ચૂંટણીના પરિણામ પર અસર કરશે કે કેમ તે હવે ચૂંટણી બાદ જ ખબર પડશે.








