નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણી આડે હવે 20 દિવસ બાકી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં તમામ રાજકીય પક્ષ ધડાધડી ઉમેદવારોની પસંદગી કરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા હાર્દિક પટેલને વિરમગામ બેઠકથી નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે હાર્દિક પટેલને હાઈકોર્ટેમાંથી રાહત મળી છે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં તોડફોડ અંગેના કેસમાં હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશબંધીને શરતમાં હાઈકોર્ટે જામીનમાં રાહત આપી હતી. જોકે ભાજપમાંથી ઉમેદવાર તરીકે જાહેર થયાના એક દિવસબાદ હાઈકોર્ટમાંથી હાર્દિકને રાહત મળી છે. હવે હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે, આ કેસમાં થયેલી સજા રદ થઈ જાય તો પણ સરકારને વાંધો નહીં હોય.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે.