નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વસરદ આવે એટલે કેટલાક વિસ્તારોમાં સાપ સહિત અન્ય જીવજંતુઓ નીકળી આવે છે. ત્યારે અમદાવાદનાં અત્યંત ઝડપી વિકસી રહેલા સાઉથ બોપલ વિસ્તારમાં સાપ નીકળવાની ઘટના સામે આવે છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં તાજેતરમાં જ મોટા પ્રમાણમાં બિલ્ડિંગ્સ બનાવવામાં આવી છે તે પહેલા આ ખેતરોનો ખુલ્લો પ્રદેશ હતો જેના કારણે અહિયાં સાપ નીકળવા સામાન્ય છે, પરંતુ હવે રહેણાક વિસ્તાર બનતા લોકો સાપ જોઈને ડરી જાય છે. સાઉથ બોપલમાં સાપ નીકળતા લોકોએ સ્નેક રેસક્યું માટે વિજય ડાભીને જાણ કરી હતી.
સાઉથ બોપલમાં નીકળેલો આ સાપ સામાન્ય રીતે અજગરનું નાનું બચ્ચું હોય તેવો લાગતો હતો, પરંતુ રેસક્યું કરવા માટે પહોંચેલા વિજય ડાભી જણાવ્યુ હતું કે આ ભારતના સૌથી ઝેરી ગણાતા સાપો પૈકીનો એક સાપ રસલ વાઇપર છે. જેને આપણે ગુજરાતીમાં ખડચિતડો કહીએ છે. ખુબ જ નાનો દેખાતો આ રસલ વાઈપર સાપ જો માણસને કરડે અને સમય પર જો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવે તો મૃત્યુ થવાની પણ સંભાવના છે.
આજે તારીખ 23 જુલાઇના રોજ સાઉથ બોપલમાં સોબો સેન્ટરની નજીક રત્નાકર એપાર્ટમેન્ટમાં નાનું અજગરનું બચ્ચું ફરે છે તેવી જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક એનિમલ લાઇફકેરનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એનિમલ લાઈફકેરના વિજય ડાભીએ સ્થળ ઉપર પહોંચતાં જોયું તો આ અજગર નહીં, પણ ભારતના સૌથી ઝેરી સાપ રસલ વાઈપરનું નાનું બચ્ચું હતું. ત્યાર બાદ વિજય ડાભી દ્વારા આ સપનું રેસક્યુ કરવામાં આવ્યું હતું.
એનિમલ લાઈફકેરના વિજય ડાભી જણાવે છે કે, “અમદાવાદમા અને આસપાસના વિસ્તારોમાં જંગલો કપાઈ રહ્યા છે અને કન્સ્ટ્રકશન સાઇટના પ્રમાણ વધી રહ્યા છે, જેના કારણે આવી રીતે સાપ અને અનન્ય જીવજંતુ નીકળવા સામાન્ય છે. અમારી લોકોને અપીલ છે કે સાપની ઓળખ કર્યા વગર તેને પકડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સાપ કે અજગર દેખાય તો તાત્કાલિક હેલ્પલાઇન અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ.”








