કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ મધ્યસ્થ જેલમાં (Sabarmati Jail) આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) મુલાકાત લીધી હતી. રાજ્યપાલ અમદાવાદ મધ્યસ્થ જેલમાં બે કલાકથી વધુ સમય સુધી રોકાયા હતા અને જેલમાં થતી વિવિધ કામગીરીઓને નિહાળી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાફલો સાબરમતી જેલમાં આવ્યા બાદ સૌપ્રથમ રાજ્યપાલે ગાંધીયાર્ડની મુલાકાત લીધી હતી. અહીંયા ગાંધીજી 1922માં રાજદ્રોહના કેસમાં થયેલી સજારૂપે દસ દિવસ રહ્યા હતા. ગાંધીયાર્ડમાં આવેલી ગાંધીખોલીમાં રાજ્યપાલને આવકાર આપનાર ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ ઉપસ્થિત હતા. આ ઉપરાંત અમદાવાદ મધ્યસ્થ જેલના અધીક્ષક શ્વેતા શ્રીમાળી ઉપરાંત વડોદરા જેલના અધીક્ષક જગદીશ બંગરવા, સુરત જેલના અધીક્ષક જે. એન. દેસાઈ અને રાજકોટ જેલના અધિક્ષક એન. એસ. લુહાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીખોલીની મુલાકાત લીધા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જેલમાં સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી નિહાળી હતી. આ કામગીરી દર્શાવવા અર્થે વીસ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓએ સ્ટોલ નિર્માણ કર્યા હતા. આ તમામ સ્ટોલની રાજ્યપાલે મુલાકાત લીધી હતી અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે તેમની જેલ કામગીરીને લઈને સંવાદ કર્યો હતો. અહીંયા નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચારના સ્ટોલની મુલાકાત પણ રાજ્યપાલે લીધી હતી. નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મધ્યસ્થ જેલમાં 2017થી બંદીવાનો અર્થે પત્રકારત્વનો કોર્સ ચાલી રહ્યો છે, તેમાં સોથી વધુ બંદીવાનોને પત્રકારત્વ કોર્સ અંતર્ગત ટ્રેનિંગ મળી છે. આ ઉપરાંત ગાંધીમૂલ્યો બંદીવાનોમાં સંચિત થાય તે માટે પણ નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચાર સંસ્થા કાર્યરત છે. અત્યાર સુધી ગાંધીમૂલ્ય આધારીત આઠ પરીક્ષા લેવાઈ છે અને તેમાં આઠસોથી વધુ બંદીવાનોએ ભાગ લીધો છે.
અહીં વડોદરા અને અન્ય જેલમાં કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સ્ટોલ હતા. અમદાવાદ મધ્યસ્થ જેલમાં સુથારીકામ, દરજીકામ અને ડાયમંડ પોલિસિંગનું કાર્ય પણ થાય છે, તે કાર્ય પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિહાળ્યું હતું. ગાંધીયાર્ડ પછી રાજ્યપાલે સરદાર યાર્ડની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ જેલમાં આવેલા ઓડિટોરીયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા કાર્યક્રમની ભૂમિકા ડૉ. કે. એલ. એન. રાવે બાંધી હતી અને ત્યાર બાદ પ્રસંગોનુસાર વક્તવ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું હતું. તેમણે જેલના સુધાર કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તારથી વાત મૂકી હતી. ‘અમદાવાદ ઓપન જેલ’માં બંદીવાનો દ્વારા ખેતી થાય છે, તેને અનુલક્ષીને રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીની વાત કાર્યક્રમમાં મૂકી હતી. વક્તવ્ય બાદ જેલમાં કાર્ય કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓને રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા અને તેની સાથે જેલમાં શ્રેષ્ઠ કાર્ય કરતાં બંદીવાનોને પણ સન્માનવામાં આવ્યા હતા. અંતે DIG એ. જે. ચૌહાણે આભારવિધી કરી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








