કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મે મહિનાના અંતિમ દિવસે દેશના જાણીતા વન્યજીવ નિષ્ણાત અને સંરક્ષક વાલ્મીકી થાપરનું 73 વર્ષની વયે અવસાન થયું. દેશમાં વાઘોના સંરક્ષણમાં તેમનું કાર્ય અદ્વિતિય હતું. ‘બીબીસી’, ‘એનિમલ પ્લાનેટ’, ‘ડિસ્કવરી’ અને ‘નેશનલ જિયોગ્રાફી’ જેવી વિશ્વવિખ્યાત ચેનલ માટે તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણ કરી હતી અને અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણમાં માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા હતા. વાલ્મીકી થાપરના નામે વાઘના જીવન અને સંરક્ષણ પર અંદાજે બે ડઝનથી વધુ પુસ્તકો છે. વાલ્મીકી થાપરે વાઘ અંગેનું કાર્ય દેશના મહદંશે વિસ્તારોમાં કર્યું, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત રાજસ્થાનનું રણથંભૌર અભયારણ્યમાંથી થઈ, જ્યાં તેમણે સૌથી વધુ સમય વીતાવ્યો હતો. વાલ્મીકી થાપરે વિધિવત્ રીતે વન્યજીવ સંબંધિત કોઈ અભ્યાસ કર્યો નહોતો, ન તો તેમણે ટ્રેનિંગ લીધી હતી. તેમનું વાઘ અને અન્ય વન્યજીવ અંગેનું જ્ઞાન અનુભવ આધારીત હતું. આ અનુભવ તેમને મળ્યો વાઘ સંરક્ષણમાં પિતામહ કહેવાતા ફતેહસિંઘ રાઠોડ પાસેથી. ફતેહસિંઘ રાઠોડ ‘ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ’ના અધિકારી હતા, તે પછી દેશમાં જ્યારે પ્રથમવાર ‘ટાઇગર પ્રોજેક્ટ’ લોન્ચ થયો ત્યારે તે ટીમના પહેલાં વહેલાં સભ્યોમાંના એક ફતેહસિંઘ રાઠોડ હતા. વન્યજીવ સંરક્ષણમાં ફતેહસિંહ રાઠોડે પાંચ દાયકાથી વધુ સમય વીતાવ્યો હતો અને ફતેહસિંઘના આ અનુભવનો લાભ વાલ્મીકી થાપરને મળ્યો હતો. વાલ્મીકી થાપર ફતેહસિંઘની જેમ વન્યજીવના સંરક્ષણનું કામ ખૂબ વિસ્તાર્યું હતું, અને તેની નોંધ તમામ કેન્દ્રિય સરકાર અને રાજ્ય સરકારે લીધી હતી. વન્યજીવ ક્ષેત્રે જંગી કાર્ય કરનારા વાલ્મીકી થાપર કેન્સર થયું હતું અને આખરે તેમણે દિલ્હીમાં પોતાના નિવાસ સ્થાને દમ તોડ્યો. તેમની પાછળ વન્યજીવ સંરક્ષણનો તેઓ વિશાળ વારસો છોડીને ગયા છે.

વાલ્મીકી થાપરે જે વારસો ઊભો કર્યો તેની શરૂઆત 1970ના અરસામાં થઈ હતી, જ્યારે તેઓ પોતાની યુવાનીમાં હતા અને તેમને નિરાશા ઘેરી વળી હતી. તેમણે બધું છોડવાનો નિર્ધાર કર્યો અને રણથંભૌરની ટ્રેન પકડી. સીધા જ રણથંભૌર પહોંચ્યા અને તેમના જીવનમાં બદલાવની શરૂઆત થઈ. 2024માં ‘બીબીસી’ દ્વારા રીલિઝ થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મના શરૂઆતમાં થાપર જણાવે છે કે તે વખતે તેઓ વાઘ વિશે કશુંય જાણતા નહોતા. પરંતુ તેઓ આ જગ્યાના પ્રેમમાં જાણે ડૂબી ગયા. અહીંયા આવ્યા બાદ તેઓ ફતેહસિંઘને મળ્યા અને પહેલીવહેલી વાર તેમણે વાઘ જોયો. તે પછી તો વાઘના વિસ્તાર વચ્ચે વાલ્મીકીનું જીવન આગળ વધતું ગયું અને એક સમય એવો આવ્યો કે દેશમાં વાઘ માટે કશુંય જાણવું-સમજવું હોય તો વાલ્મીકી થાપર ઓથોરિટી બની ગયા. અને એટલે જ તેઓ સરકારની સર્વોચ્ચ સંસ્થા ‘નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ’ અને સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠીત કમિટિ ‘સેન્ટ્રલ એમ્પાવરડ્ કમિટિ’ના સભ્ય બન્યા. ‘ટાઇગર પ્રોજેક્ટ’ના પણ તેઓ સભ્ય રહી ચૂક્યા હતા અને 2005માં જ્યારે સારિસ્કા અભયારણ્યમાં એક પણ વાઘ રહ્યો નથી તેવું નિવેદન કર્યું ત્યારે દેશભરમાં ઉહાપોહ મચી ગયો. જ્યાં સરકાર વાઘ હોવાનો દાવો કરતી હતી ત્યાં વાલ્મીકી થાપરે પોલ ખોલીને સરકારને વાઘના મુદ્દે વધુ સતર્ક કરી દીધી હતી. વન્યજીવ અને જંગલ જેવાં ક્ષેત્રો એવા છે- જ્યાં શું થાય અને તેની લાંબા ગાળાની અસર શું થશે તેનો ખ્યાલ વર્ષોના વર્ષો કામ કરનારાં કે અભ્યાસ કરનારાં નિષ્ણાતો જ આપી શકે. સરકાર આવા મુદ્દે વર્ષો સુધી જો લોકોને ખોટું ચિત્ર રજૂ કરતી હોય તો તે ખોટી બાબતને સામે લાવવાનું કામ કોઈ કરી શકતું નથી. વાલ્મીકી થાપર સરકારને આવી બાબતમાં ખોંખારીને કહી તો શકે, પણ તેમનો સંરક્ષક તરીકેનો અવાજ એટલો બુલંદ હતો કે તેની અસર વિશ્વભરમાં વર્તાતી હતી.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં વાલ્મીકી થાપરના અવસાનના બીજા દિવસે પત્રકાર જય મઝુમદારે તેમની સ્મૃતિમાં એક લેખ લખ્યો છે. આ લેખમાં જય લખે છે કે સારિસ્કામાં વાઘનું અસ્તિત્વ રહ્યું નથી તે રિપોર્ટ પ્રથમ વાર તેમના દ્વારા પ્રકાશિત કર્યો હતો. તે પછી પણ દેશભરના અન્ય અભયારણ્યમાં પણ જય મઝુમદારને કેટલીક ઇન્સાઇડ સ્ટોરી વાલ્મીકી થાપરથી મળી હતી. વાલ્મીકી થાપરે અનેક પુસ્તકો વાઘ અને બિલાડી કુળના અન્ય પ્રાણીઓ વિશે લખ્યા છે. તેમનું એક પુસ્તકનું નામ છે : ‘ટાઇગર ફાયર : 500 યર્સ ઑફ ધ ટાઇગર ઇન ઇન્ડિયા’. આ પુસ્તકમાં વાલ્મીકી થાપરે વાઘની કેટલીક સાવ અજાણી વાતો લખી છે. જેમ કે, વાઘ રાતના અંધારામાં કેમ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. વાઘની આંખ સંવેદનશીલ સેલ્સ હોય છે, જે કારણે તેઓ સ્પષ્ટ જોઈ શકે છે. વાઘની આંખને બાયનોક્યુલર દૃષ્ટિ મળી છે, તેથી તે 3ડી ઇમેજની જેમ જોઈ શકે છે. અને તે કારણે શિકારને તે ઝડપથી અને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. એ પ્રમાણે વાઘના કાન પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવાજ સાંભળવા ટેવાયેલા હોય છે. જંગલમાં અવાજ ક્યાંથી આવે છે તેની સ્પષ્ટ ખબર વાઘને પડે છે. વાઘને બક્ષેલી આ કુદરતી શક્તિના કારણે તે મજબૂત શિકારી છે.

‘ટાઇગર પ્રોજેક્ટ’ને લઈને એક બાજુ સરકારની વાહવાહી અને બીજી તરફ વાલ્મીકી થાપર રહ્યા છે. જ્યાં જરૂર જણાઈ ત્યાં વાલ્મીકી થાપરે વાઘના મુદ્દે કાન આમળ્યા છે અને તે વિશેના તથ્યો પણ રજૂ કર્યા છે. સરકારમાં કેવી રીતે કામ થાય છે તે અંગે તેમણે એક વખત ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેઓ કહે છે : ‘આપણું વહિવટિતંત્ર કોઈ પણ કાર્ય બાબતે ન જવાબદારી સ્વીકારે છે, ન તે વિશે જવાબ આપે છે. અધિકારીવર્ગ પોતાની જાતને સુરક્ષિત રાખવામાં પાવરધા હોય છે. તેઓ માત્ર પોતાની સફળતા વિશે વાત કરશે. તેઓ ક્યારેય નિષ્ફળતા વિશે બોલશે નહીં. હું આજે કહું છું કે મારું ત્રીસ વર્ષનું અભિયાન નિષ્ફળ રહ્યું છે. એવું કેવી રીતે થઈ શકે કે એક જ અભયારણ્યમાં વાઘનું અસ્તિત્વ રહ્યું ન હોય અને રણથંભૌરમાં પણ અડધાઅડધ વાઘ અદૃશ્ય થઈ જાય. આપણે સ્વીકારવું પડશે કે આપણી સહિયારી નિષ્ફળતા છે.’
નિષ્ફળતા આવે ત્યારે જંગલ અને વન્યજીવના કિસ્સામાં શું થઈ શકે તેવા આયોજન વાલ્મીકી થાપર પાસે હંમેશા રહેતા હતા. અને તે માટે તેમણે આફ્રિકાના વાઘોના સંરક્ષણની નીતિનો પણ અભ્યાસ કર્યો હતો. અભયારણ્યના પ્રવાસમાં તેઓ પાયાનો બદલાવ ઇચ્છતા હતા. અને તે માટે તેઓ એક્ટિવિસ્ટ, ગ્રામવાસી, જંગલોના અધિકારી, અધિકારી, રાજકીય આગેવાન, પત્રકારો બધાએ મળીને કામ કરવું પડશે તેવી હાકલ કરી હતી. ‘યુપીએ’ના કાર્યકાળ દરમિયાન બે વર્ષ સુધી પર્યાવરણ અને વન્ય મંત્રી રહેનારા જયરામ રમેશે વાલ્મીકી થાપરના અવસાન પછીની ટ્વિટ વાંચીએ તો ખ્યાલ આવે કે સરકારમાં હોય તેમના માટે વાલ્મીકી થાપર માર્ગદર્શક તરીકે કેટલી મોટી ભૂમિકામાં હતા. જયરામ રમેશ લખે છે કે, ‘તેમનું જૈવવિવિધતા વિશેનું જ્ઞાન અદ્વિતિય હતું. મારા મંત્રી પદ દરમિયાન તેમની સાથે વાત કર્યા વિના મારો એક દિવસ પણ પસાર થતો નહીં. મહદંશે કોઈ પણ મુદ્દે મારે તેમને પ્રશ્ન પૂછીને, સાંભળવાની જ ભૂમિકામાં રહેવાનું થતું. વન્યજીવની સ્ટેડિંગ કમિટિમાં પણ તેમના સૂચનો ખૂબ ઉપયોગી રહ્યા. અમારી દલીલ રહેતી પણ તેઓ અમને શિક્ષિત કરતા અને તેમના અવાજમાં હંમેશા જુસ્સો અને નિસબત નિતરતી રહેતી.’
વન્યજીવના સંરક્ષણ અર્થે વાલ્મીકી થાપર પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ લીધેલાં પગલાંને બિરદાવતા હતા. તેઓ કહે છે કે ઇન્દિરા ગાંધીના જ પ્રતાપે વાઘનું સંરક્ષણનું આયોજન થયું અને તેમની આગેવાનીમાં જ ‘વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ’ અને ‘ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ’ ઘડાયો. ઉપરાંત ‘ડિપાર્ટમેન્ટ ઑફ એન્વાયર્મેન્ટ’ પણ બનાવવામાં આવ્યું. આજે પણ દેશમાં જે મહદંશે જંગલ-વન્યજીવને લગતાં કાયદા છે તેનો આધાર ઇન્દિરા ગાંધીની દૃષ્ટિ છે. કોઈ પણ સરકાર આવે તેમણે આ કાયદાને અનુસરવું જોઈએ. ઇન્દિરા ગાંધીનો વ્યક્તિગત વન્યજીવ અને જંગલો પ્રત્યેના લગાવના કારણે આજે જંગલો ટકી રહ્યા છે, બાકી એક ઇંચ પણ વન્યજીવ સૃષ્ટિ આપણી સમક્ષ ન હોત.
આપણા દેશની ખૂબસુરતી તેની વન્યજીવ સંપદા રહી છે અને આ સંપદાની જાળવણી માટે વાલ્મીકી થાપર જેવાં લોકો પૂરું આયખું આપી દીધું. વાલ્મીકી થાપરના કારણે આજે દેશના જંગલોમાં અનેક વાઘ અને અન્ય વન્યજીવ વિહરી રહ્યા છે. આશા રાખીએ કે વાલ્મીકી થાપરે પોતાનું જ્ઞાન પુસ્તકોમાં રજૂ કર્યું છે તેને હરહંમેશા ધ્યાનમાં લેવામાં આવે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796