નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રંગીલા રાજકોટમાં ફરાળી વાનગીઓના નામે લોકોની શ્રધ્ધા સાથે ચેડા કરવામાં આવ્યા હોવાની ઘટના પ્રાકશમાં આવી છે. પવિત્ર શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા ફરાળી વાનગીની ડિમાન્ડ વધી જાય છે. જોકે દર વર્ષે ગ્રાહકોને આકર્ષવા માટે બજારમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જેને ચટાકેદાર બનાવવા માટે અનેક પ્રકારની ફરાળી સિવાયની પણ સામગ્રી નાખવામાં આવતી હોય છે. શ્રદ્ધાળુને આ વાનગીઓ આરોગ્યા પછી ઉપવાસ હજુ પણ ચાલુ હોવાનો ભ્રમ થાય પણ તેની બીજી તરફ આવા લાલચુ વ્યક્તિઓએ એવા કામ કર્યા હોય કે ઘણી વખત તો ઉપવાસ શું ધર્મ પણ ભ્રષ્ટ કરી નાખે તો નવાઈ ન પામવી.
ગુજરાતમાં મોટા ભાગનો વર્ગ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખતા હોય છે. ઉપરાંત ધંધા રોજગાર અને ભાગદોડ વાળી જીંદગીમાં ભૂખ્યા રહેવુ ફાવતુ ન હોવાના કારણે ફરાળી વાનગીઓ તરફ આકર્ષાતા હોય છે પરંતુ રાજકોટમાં શ્રાવણ માસમાં લોકોની આસ્થા સાથે રમત રમવામાં આવી છે. જેને લઈને રાજકોટનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી વાનગીઓને ધ્યાનમાં રાખીને અનેક જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટમાં શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવામાં આવતી ફરાળી પેટીસનો અખાદ્ય જથ્થો જપ્ત કરી લીધો છે. ઉપરાંત જલારામ ચોક પાસે આવેલા ફરાળી વિક્રેતાને ત્યાં પણ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. જ્યાં ફરાળી પેટીસમાં મકાઈનો લોટ નાખવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડના જણાવ્યા અનુસાર, શ્રાવણ માસના સોમવારના દિવસે ફરાળી પેટીસનું વધારે વેચાણ થતું હોય છે. આ ફરાળી પેટીસમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન જલારામ ચોકમાં તપાસ કરતાં ફરાળી પેટીસમાં ફરાળી લોટના બદલે મકાઈનો લોટ નાખવામાં આવતો હતો, ઉપરાંત સ્થળ પરથી મળી આવેલા મકાઈના લોટની બેગ ઉપર ‘ઓનલી ફોર ઈન્ડસ્ટ્રીયલ યુઝ’નું લખાણ લખેલું હતું, પેટીસ બનાવવા માટે વપરાતા તેલની ટીપીસી વેલ્યુ પણ 40થી વધારે હતી એટલે કે વારંવાર એકના એક તેલમાં તળવામાં આવતી હતી, પેટીસમાં લીંબુના ફુલનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.








