નવજીવન ન્યૂઝ. ખેડાઃ Fake Turmeric Racket: આજના જમાનામાં 100 ટકા ઓરિજનલ વસ્તુ મળવી લોઢાના ચણા ચાવવા સમાન છે. રોજિંદા જીવન વરરાશની ચીજવસ્તુઓ જેમ કે, તેલ, ઘી, મસાલા, અનાજ આપણા ઘર સુધી પહોંચે ત્યાં સુધી તેમાં કેટલીયે ભેળસેળ થઈ હોય તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. બજારમાં સતત આવી નકલી કે ભેળસેળયુક્ત વસ્તુઓ પકડાતી રહેતી હોય છે. ત્યારે ખેડાના (Kheda) નડિયાદમાંથી (Nadiad) મોટાપાયે નકલી હળદર બનાવતી બે ફેક્ટરી (Duplicate turmeric making Factory) પોલીસે ઝડપી પાડી છે. જ્યારે પોલીસે (Nadiad Police) હળદરની ફેક્ટરીમાં દરોડો પાડ્યો ત્યારે ફેક્ટરીમાં હળદરની જગ્યાએ કણકી અને જુદા-જુદા કેમિકલ મળી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, નડિયાદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નડિયાદ મિલ રોડ પર ડૂપ્લીકેટ દારૂ બનાવવા માટેનો કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ માહિતીના આધારે DySP વી.આર. બાજપાઈ અને પોલીસની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં ફેક્ટરીમાં હળદર બનાવવામાં આવતી હતી. પરંતુ ફેક્ટરીમાં સુકી હળદરના બદલે ચોખાની કણકી, મેડ ઈન ચાઈનાનો સિલિકોન પાઉડર, સાઈટ્રિક એસિડ સહિત જુદા-જુદા કેમિકલમાંથી હળદર બનાવવામાં આવતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ ફેક્ટરીમાં હળદર બનાવવા માટે ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરીને તેને મશીનમાં દળતા હતા. આ રીતે ફેક્ટરીમાં નકલી હળદર તૈયાર કરવામાં આવતી હતી. પોલીસ આ ફેક્ટરીમાં તપાસ કરી રહી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ફેક્ટરીના માલિકની બીજી એક ફેક્ટરી નડિયાદના મિલ રોડ પર આવેલી છે. પોલીસે બીજી ફેક્ટરી પર દરોડો કરતાં કેટલાંક શંકાસ્પદ કેમિકલ અને પાવડર મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની જાણ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરતાં અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓએ બંને ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલ લઈને પૃથ્થકરણ કરવા સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. હાલ નડિયાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, આ ફેક્ટરીમાં અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં નકલી હળદર બનાવવામાં આવી હતી? કોને-કોને સપ્લાય કરવામાં આવી હતી?