Sunday, November 2, 2025
HomeNavajivan CornerLink In Bioપર્યાવરણ દિન વિશેષ: પ્રકૃતિ-પંખીઓની ભાઈબંધી કરવાનો અવસર કરી આપતા પક્ષીવિદ્

પર્યાવરણ દિન વિશેષ: પ્રકૃતિ-પંખીઓની ભાઈબંધી કરવાનો અવસર કરી આપતા પક્ષીવિદ્

- Advertisement -

કિરણ કપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આજે પર્યાવરણ દિવસ (World Environment Day) છે અને આ દિવસે પ્રકૃતિની દોસ્તી કરવી હોય તો તે માટે લાલસિંહ રાઓલ લિખિત ‘પંખીઓની ભાઈબંધી’ ઉપયોગી થાય તેવું પુસ્તક છે. લાલસિંહ પંખીઓની અદભુત દુનિયા પક્ષીપ્રેમીઓને બતાવી શક્યા. અને આ પક્ષીવિશ્વને કોઈ પણ ખુંદી શકે તે માટે લાલસિંહે પક્ષીઓ વિશેના ‘પંખીઓની ભાઈબંધી’ ઉપરાંત, ‘જીવનભરના સાથી-આસપાસનાં પંખી’, ‘વીડ, વગડાના પંખી’, ‘વન-ઉપવનનાં પંખી’, ‘Birds, Birds, Birds’ અને ગુજરાતના પંખી જગત જેવાં પુસ્તકો આપ્યા છે. એવું નથી કે આ પુસ્તકોનો આસ્વાદ માત્ર પંખીપ્રેમીઓ જ લઈ શકે; આ પુસ્તકોનું લખાણ એટલું સહજ-સરળ છે કે કોઈ પણ તે વાંચતા-વાંચતા પ્રકૃતિમાં વિહરી શકે છે. લાલસિંહ રાઓલ આજે આપણી વચ્ચે નથી, પણ તેમનો અદ્વિતિય પુસ્તકનો વારસો આપણી પાસે છે. આ વારસો દર્શાવે છે કે પ્રકૃતિએ આપણને જે આસપાસ આપ્યું છે તે આપણે નિહાળતાં નથી. તેમાં પણ પક્ષીવિશ્વને તો આપણે નજરઅંદાજ કરીએ છીએ. પર્યાવરણના દિવસે પ્રકૃતિનો અનન્ય આનંદ માણનારાં લાલસિંહ રાઓલ અને તેમનાં પુસ્તકો વિશે જાણીએ.

આજે તો નાની અમથી બાબત શીખવી હોય તોય તે માટે કોચિંગને આવશ્યકતા જરૂરી લેખાય છે. પરંતુ રાજ્યભરમાં જેઓ પ્રકૃતિવિદ્ અને પક્ષીવિદૃ તરીકે જાણીતાં બન્યા તેવાં લાલસિંહ રાઓલ એવાં કશાય કોચિંગ વિના જ સ્વઅભ્યાસ દ્વારા શીખ્યા છે. લાલસિંહ એક મુલાકાતમાં તેમનો પક્ષીપ્રેમ કેવી રીતે વિકસ્યો તે વિશે વિગતે વાત કરી છે. આ મુલાકાત લેખક ગંભીરસિંહ ગોહિલે લીધી છે અને ‘પંખીઓની ભાઈબંધી’ પુસ્તકમાં તે સમાવવામાં આવી છે. લાલસિંહ પક્ષી પ્રત્યેના લગાવના આરંભકાળ વિશે કહે છે : “નાનો હતો ત્યારથી વહેતા પાણીવાળી નદી, ડુંગરા, વૃક્ષો મને બહુ ગમતાં. ઝાલાવાડ એટલે હાલના સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી મારું વતન. એ સૂકા મુલકમાં બારે માસ પાણી વહેતાં હોય તેવી નદી એકેય નહીં. ચોમાસામાં સારો વરસાદ પડે એટલે અમારા લીંબડીના ભોગાવો નદીમાં પાણી આવે. આજથી પોણી સદી પહેલાં – મારાં બાળપણમાં આ નદીમાં દિવાળી સુધી પાણી ભાગ્યે જ ટકે. ઝાલાવાડ મુખ્યત્વે સપાટ પ્રદેશ. જંગલનું નામ નહીં. જે ન હોય તેનું આકર્ષણ વધારે હોય એ ન્યાયે મને નાનપણથી ડુંગરા, વનો, વૃક્ષો, નદીઓ ખૂબ ગમે.” આ રીતે દિવસોના દિવસો સુધી પ્રકૃતિને નિહાળવી લાલસિંહનો ક્રમ હતો, પણ તેમાં પક્ષીનિરીક્ષણનો સમય આવ્યો તે છેક 24 વરસની ઉંમરે. તેઓ કહે છે : “પંખીઓની અંગેની સભાનતા નાનપણથી હતી. સ્થિર પાંખે ગગનવિહાર કરતાં ગીધ અને આડીઅવળી લોંકી ખાતી સમળીની ઉડાન જોવાનું મને તે વખતેય બહુ ગમતું. વસંતઋતુ શરૂ થતાં બગીચાનાં વૃક્ષોમાંથી શરૂ થતા કોયલના ટહુકા સાંભળવા ગમતા. ઘરે બેઠા દિવસભર સાંભળવા મળતા એ ટહુકાનો મને જરાયે કંટાળો ન આવતો. મારા ઘરથી નજીકમાં ઠીક ઠીક મોટું તળાવ હતું. બારે માસ તેમાં પણી રહે. એ તળાવ પર જોવા મળતાં થોડાંક પંખીઓમાંથી બે તે વખતે ધ્યાન ખેંચતા. એક હતો નાનો કાબરો કલકલિયો. તળાવ પર ઊડતાં ઊડતાં અચાનક અટકીને હવામાં ઝડપથી પાંખો વીંઝી, નજર નીચેના પાણી પર રાખી સ્થિર ઉડાન કરવા લાગે. …બીજું મને આકર્ષતું પંખી જળકૂકડી ઉર્ફે સર્પગ્રીવ. કલકલિયા કરતાં માછલી પકડવાની તેની રીત સાવ નિરાળી. ડૂબકી મારી પાણીમાં અદૃશ્ય થઈ જાય.”

- Advertisement -

આવું સૂક્ષ્મ નિરીક્ષણનો આનંદ માણતાં હોવા છતાંય એક સમય એવો આવ્યો કે તેઓ રમત-ગમત અને અખાડાની પ્રવૃતિમાં પડ્યા અને પંખીઓ સાવ ભૂલાઈ ગયા. તે પછી એક દિવસ તેમણે ‘કુમાર’ સામયિકમાં પંખીઓ વિશેની માહિતી આપતી કૉલમ વાંચવામાં આવી અને ફરી પાછો એ જ પક્ષી પ્રેમ જાગ્રત થયો. તે પછી આ પ્રેમ ક્યારેય ઓસર્યો નહીં. જોકે આ શોખ ન ઓસરવા દેવા માટે તેમણે ખૂબ જહેમત લીધી હતી. ‘પી. ડબલ્યુ. ડી.’ વિભાગમાં કામ કરતા કરતા તેમણે પક્ષીનિરીક્ષણનો સમય કાઢ્યો. તે વિશે લાલસિંહ કહે છે : “મારે તે વખતના પી. ડબલ્યુ. ડી.ની ત્રીજી શાખા-જાહેર આરોગ્ય બાંધકામ વિબાગમાં કામ કરવાનું આવ્યું. મારા સ્વભાવ કે શોખને માટે તે અનુકૂળ નહીં. પણ આજીવિકા માટે મારે તે નોકરી સ્વીકારવી પડી. …તે વખતે શનિવારે અડધી અને રવિવારે આખી રજા રહેતી. તે ઉપરાંત ક્યારેક આવતી તહેવારોની રજા. પંખી નિરીક્ષણ માટે પ્રકૃતિમાં ભ્રમણ અનિવાર્ય. તે કાંઈ ઘરમાં કે ઑફિસમાં બેઠા થોડું થાય? આવી રજાઓના દિવસોમાં પંખીઓ જોવા નીકળી પડતો.” ટૂકડે ટૂકડે પક્ષીઓના નિરીક્ષણ માટે સમય તો મળ્યો, પણ તેનું માર્ગદર્શન લેવાનું બનતું નહોતુ. તે માટે તેમનો મહદંશે આધાર પુસ્તકો રહ્યા. પણ પછી તેમની મૈત્રી બંધાઈ પક્ષીનિષ્ણાત જસદણના લવકુમાર ખાચર સાથે. આ મૈત્રી વિકસી અને લવકુમાર પાસેથી પણ લાલસિંહને માર્ગદર્શન મળતું રહ્યું. તે પછી તો બંનેએ મળીને એક પ્રકૃતિ મંડળ શરૂ કર્યું. લાલસિંહ મંત્રી બન્યા. આ મંડળનું કાર્યક્ષેત્ર પંખીઓ પૂરતું સીમિત ન રાખ્યું. પંખીઓ મુખ્ય ખરાં પણ પશું, જીવજંતુ, ઝાડપાન, ડુંગરા અને નદી-સરોવરમાં રસ હોય તે બધાને સભ્ય તરીકે લેતા. તેમાં કોઈ ફી નહોતી. ગીર જંગલ અને જામનગરના પિરોટન ટાપુ અને હિંગોળગઢે થયેલી આવી પ્રકૃતિ શિબીરોના આયોજને પ્રકૃતિ સાથે લાલસિંહ ઓર નજીક આવ્યા. સાથે યુવાનોમાં પ્રકૃતિ પ્રત્યેની સભાનતા વધે તેનાય સાક્ષી બનવાનું થયું.

મુલાકાતમાં લાલસિંહે એક સરસ વાત ટાંકી છે કે કેવી રીતે યુરોપ અને અમેરિકામાં પક્ષીનિરીક્ષણ થાય છે. તેઓ કહે છે : “યુરોપ-અમેરિકામાં પક્ષીનિરીક્ષણ માટે દૂર-સુદૂર પ્રવાસો યોજાય છે. હજારો લોકો તેનો લાભ લે છે. આમ નિરાંતે પક્ષીનિરીક્ષણ કરતા થાય ત્યારે ખબર પડે કે તેમાં આનંદનો અખૂટ ઝરો છે. આ શોખ આપણા દૈનિક જીવનમાં તાજગી પૂરે છે, તેને સમૃદ્ધ કરે છે.” બીજું કે તેઓ પક્ષીનિરીક્ષણ અને પ્રકૃતિની વાત કરી છે સાથે સાથે તેમના સંરક્ષણ બાબતેય તેમણે ચિંતા કરી છે અને એટલે મુલાકાતમાં જ્યારે તેમને પક્ષીઓના સંરક્ષણ બાબતે પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે : “પંખીઓને બચાવવાનો કારગત ઉપાય છે તેમના વસવાટોના જાળવણી. આજે અનેક પ્રકારે તે છીનવાતા જાય છે. જંગલો ઉપર દબાણ વધતું જાય છે. નીચાણવાળા વિસ્તારો અને વીડો ખેતી માટે નવસાધ્ય થતાં જાય છે. વૃક્ષો કપાઈ રહ્યાં છે. ખેતીમાં જંતુનાશક રસાયણોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. આ બધાના પરિણામે પંખીઓની સંખ્યા ઘટવા લાગી છે.” એટલું જ નહીં તેઓ પ્રકૃતિ અને પક્ષીઓને સંરક્ષણ ન મળી રહેલા વસવસાને પણ મુલાકાતમાં સ્પષ્ટતાથી રજૂ કરે છે. તેઓ કહે છે : “વિધિવત્ સ્થપાયેલાં વન્યજીવન અભ્યારણ્યો, રક્ષિત વિસ્તારો કે રાષ્ટ્રિય ઉદ્યાનોમાંથી જમીન કમી કરીને અનય હેતુઓ માટે ફાજલ પાડતાં સરકારો અચકાતી નથી, તે માટેના વિરોધને ગણકારતી નથી. સરકારે ક્યાંક તો લક્ષ્મણરેખા આંકવી જોઈએ કે Thus far and no further. એક વાર પૂરા વિચાર વિમર્શ બાદ નક્કી થયેલ રેખાનું પાલન નિષ્ઠાપૂર્વક કરવું જ જોઈએ.” આ કેવી રીતે થાય તે માટે પણ તેઓ મુલાકાતમાં એક ઉદાહરણ ટાંકતા કહે છે, “ન્યૂયોર્ક જેવા મહાનગરની જમનીભૂખનું પૂછવું જ શું? ત્યાંની એક એક સેન્ટિમીટર જમીન અતિ કીમતી છે, છતાં શહેરની મધ્યમાં ખાસું મોટું જંગલ છે. ભારતના શહેરોમાં આવું શક્ય છે ખરું? અમારા જેવા લોકોએ અને સ્થાનિક યુવાનોએ કરેલા વિરોધને સત્તાવાળાઓએ ગણકાર્યો જ નહીં. સો સો વરસ જૂનાં વૃક્ષોને કાપીને જ રહ્યા.” અહીં લાલસિંહ પોતાનો અનુભવ ટાંકી રહ્યા છે, પણ વૃક્ષો કાપાવની અને જંગલોને આડેધડ વિસ્તારને ઘટાડવાનું ગેરકાયદેસ કામ દેશભરમાં થઈ રહ્યું છે. આનું અંતિમ પરીણામ એ જ આવશે કે આપણે ગમે તેટલી સુવિધા મેળવી લઈશું, પણ જે કુદરતે આપેલું વાતાવરણ છે તે ગુમાવવું પડશે અને તે નુકસાનની કીમત આકરી ચૂકવવાની થશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular