નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારની ‘લીકર પોલિસી’ની બાબતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે પણ દરોડા પાડ્યા છે. દિલ્હી, પંજાબ અને હૈદરાબાદ સહિત દેશભરમાં કુલ 35 સ્થળોએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDએ આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં EDએ દરોડા પાડીને દારૂના વેપારી સમીર મહેન્દ્રુ સહીત બેની ધરપકડ કરી હતી.
લીકર પોલિસી કેસમાં જ ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટી (AAP)ના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ અને બિઝનેસમેન વિજય નાયરને ગઈ કાલે (ગુરુવારે) દિલ્હીની એક અદાલતે બે અઠવાડિયા માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. નાયરની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, નાયરે અન્ય લોકો સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, જેનો એક ભાગ દિલ્હી સરકારની આબકારી નીતિ, 2021-2022 ઘડીને લાગુ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે દાવો કર્યો છે કે તેમનો ઈરાદો સરકારને છેતરીને દારૂના ઉત્પાદકો અને તેના વિતરકોને ગેરકાયદેસર લાભ આપવાનો હતો અને આ નીતિના પરિણામે સરકારને મોટી આવકનું નુકસાન થયું હતું.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ભારતીય દંડ સંહિતા અને અન્ય ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સહિત આરોપી જાહેર સેવકો અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો. આરોપી જાહેર સેવકોએ સક્ષમ અધિકારીઓની પરવાનગી લીધા વિના આબકારી નીતિ અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.








