કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ સિરિઝનો આરંભ તમે આ વાંચતા હશો ત્યાં સુધી થઈ ચૂક્યો હશે. ધરમૂળથી બદલાયેલા આજના ક્રિકેટમાં પણ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચનું આકર્ષણ સાચા ક્રિકેટપ્રેમીઓમાં ટકી રહ્યું છે. અને એટલે જ ક્રિકેટ અને ઇંગ્લેન્ડ વિશે ઘણું બધું લખાયું છે અને જ્યારે જ્યારે ઇંગ્લેન્ડમાં મેચ હોય છે; ત્યારે તેના ઇતિહાસને લઈને સ્ટોરીઝ મીડિયામાં પ્રકાશિત થાય છે. હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ વચ્ચેની દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ પણ ઇંગ્લેન્ડમાં ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ મેદાન પર યોજાઈ હતી. ક્રિકેટનું ગાંડપણ જે હદે આપણા દેશમાં જોવા મળે છે તે રીતે ઇંગ્લેન્ડમાં જોવા મળતું હોય કે ન હોય, પણ ક્રિકેટ સાથેનો ઇંગ્લેન્ડનો સંબંધ ખૂબ ગાઢ રહ્યો છે. એવું કહેવાય છે કે મધ્યયુગ કાળમાં ક્રિકેટ ઇંગ્લેન્ડના દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રોમાં બાળકોની રમત હતી. ઇંગ્લેન્ડના જાણીતા ઇતિહાસકાર ડેરેક બિર્લે મુજબ સત્તરમી સદીના મધ્યમાં જ્યારે ‘ચાર્લ્સ બીજા’નું શાસન હતું ત્યારે ક્રિકેટની રમત વધુ લોકપ્રિય બની. અને તે સમયે ઘોડેદોડ, જનાવરો વચ્ચેના યુદ્ધ અને બોક્સિંગ સાથે સાથે ક્રિકેટમાં પણ સટ્ટો રમાતો થયો હતો. સત્તરમી સદીના અંત સુધીમાં ક્રિકેટની રમતમાં બદલાવ આવતા ગયા, કેટલાંક નિયમો ઘડાયા અને ક્રિકેટના સાધનો પણ બદલાયા. અઢારમી સદીમાં તેનો વ્યાપ એટલો વધ્યો કે ક્રિકેટ ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત બની ચૂકી હતી.

ઓગણીસમી સદીની શરૂઆતમાં ક્રિકેટની રતમે હાંસલ કરેલી ઊંચાઈ અદ્વિતિય હતી. ઇંગ્લેન્ડના તે વખતના જાણીતા ખેલાડી ડબ્લ્યુ. જી. ગ્રેસે તો એવું સ્વીકાર્યું છે કે તેને ક્રિકેટ રમવા માટે ઊંચા દામ મળતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું તે પહેલાનો એક દાયકો ક્રિકેટ માટે ‘સુવર્ણકાળ’ તરીકે ઓળખાય છે. આ અને તે પહેલાના ગાળા દરમિયાન ઇંગ્લેન્ડનું જ્યાં શાસન હતું ત્યાં પણ ક્રિકેટની રમત પહોંચી. ઓગણીસમી સદીના મધ્યમાં તો આ ક્રિકેટ આંતરરાષ્ટ્રિય રમત તરીકે ઓળખાવા લાગી. તે પછી તો વિશ્વના અનેક દેશોમાં ક્રિકેટ રમત લોકપ્રિય બની. વિશેષ કરીને ભારતીય ઉપમહાદ્વિપમાં, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝિલેન્ડ અને આફ્રિકાના દેશોમાં. ચારસો વર્ષથી રમાતી આ રતમ હવે તેના નેક્સ્ટ લેવલ પર પહોંચી ચૂકી છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ચૂકી છે ત્યારે ઇંગ્લેન્ડનો ક્રિકેટ સંબંધિત ઇતિહાસ પણ થોડી નજર નાખવા જેવી છે.

ઇંગ્લેન્ડના ક્રિકેટનો ઇતિહાસ ચાર સદીઓમાં વ્યાપેલો છે અને તેમાં અનેક બાબતો સમાવી શકાય છે. આ લાંબા ઇતિહાસ વિશે છેલ્લે ઇંગ્લેન્ડના પત્રકાર અને લેખક સિમોન વાઇલ્ડે લખ્યો છે. તેમનું પુસ્તક છે : ‘ધ સ્ટોરી ઓફ ઇંગ્લિશ ક્રિકેટ – 1877-2018’. સિમોન વાઇલ્ડે તેમાં 1877નું વર્ષ લીધું છે, જે વર્ષમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ પુસ્તકની પ્રસ્તાવનામાં ઇંગ્લેન્ડમાં ક્રિકેટના મહત્ત્વ વિશે પૂર્વ ક્રિકેટર અને પત્રકાર-લેખક એડવર્ડ સ્મિથે લખ્યું છે કે, ‘રમતના ઇતિહાસમાં ક્રિકેટ વિશેષ સ્થાન ધરાવે છે. એક આયોજિત સામૂહિક દ્વારા રમાતી રમત તરીકે ક્રિકેટ આધુનિક રમતોમાં સૌથી ઊંચા સ્થાને મૂકાય છે. ક્રિકેટનો સંબંધ ઇંગ્લેન્ડ સાથે સવિશેષ રહ્યો છે –તેની જટિલતા ને સૂક્ષ્મતાના કારણે. ઇંગ્લેન્ડના ક્રિકેટની કથા જ્યારે વર્ણવો તો તે ઇંગ્લેન્ડની કથા પણ બને છે.’ આ પુસ્તકમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ઇતિહાસની અનેક કથાઓ બયાન થઈ છે; તેમાં સૌથી રસપ્રદ લખાણ ડબ્લ્યુ. જી. ગ્રેસ વિશેનું છે. ડબ્લ્યુ. જી. ગ્રેસને ઇંગ્લેન્ડના મહાનતમ ક્રિકેટ તરીકેની ઓળખ મળી છે. તેમની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચની કારકિર્દી 1865થી 1908 દરમિયાન રહી હતી. ઇંગ્લેન્ડ તરફથી તેઓ 22 ટેસ્ટ મેચ રમ્યા હતા. ડબ્લ્યુ. જી. ગ્રેસ ક્રિકેટનું એટલું આકર્ષણ ઊભું કરી શક્યા હતા કે તેનાથી મસમોટી રકમ ક્રિકેટરોના ફાળે આવતી થઈ. તેમના આકર્ષણના પ્રતાપે 1891-92માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ઇંગ્લેન્ડ સાથેની ત્રણ ટેસ્ટ મેચ સિરીઝમાં મેદાનમાં દર્શકોની સંખ્યા પચાસ હજારની આસપાસ પહોંચી હતી.

ઇંગ્લેન્ડના ક્રિકેટનો ઇતિહાસની કેટલીક બાબતો રામચંદ્ર ગુહાએ તેમના પુસ્તકમાં લખી છે. ‘અ કોર્નર ઓફ અ ફોરન ફિલ્ડ – ધ ઇન્ડિયન હિસ્ટરી ઓફ અ બ્રિટિશ સ્પોર્ટ્સ’ પુસ્તકમાં ઇંગ્લેન્ડના ક્રિકેટની વાતો રસપ્રદ રીતે લખાઈ છે. આ પુસ્તકમાં રામચંદ્ર ગુહા લખે છે : ‘19મી સદીમાં ઇંગ્લેન્ડે દુનિયાને રેલમાર્ગ, વીજળી અને વિકાસના સિદ્ધાંત સાથે ફૂટબોલ, રગ્બી અને હોકીની રમત આપી. ટીમ દ્વારા રમાનારી બધી જ રમતની શોધ આ એક ટાપુ પર થઈ છે, પછી તે બેટથી રમાનારી બેડમિંટન હોય, ટેબલ ટેનિસ હોય કે પછી ટેનિસની લોકપ્રિય રમત કેમ ન હોય. માત્ર બે મહાન રમત બાસ્કેટબોલ અને ગોલ્ફનો જન્મ ઇંગ્લેન્ડમાં નથી થયો.’ આગળ તેઓ લખે છે કે, ‘આરંભથી જ ઇંગ્લેન્ડને દુનિયાના ‘રમતોના ગુરુ’ તરીકે ઓળખ મળી છે. તે દેશમાંથી જેટલી પણ રમતોને જન્મ મળ્યો, ક્રિકેટ તેમાંથી એક છે. ક્રિકેટ એક ગ્રામીણ રમત હતી, જે દક્ષિણી ઇંગ્લેન્ડના ગામડાંઓમાં ખૂબ લોકપ્રિય હતી.
19મી સદીમાં તે ઔદ્યોગિક શહેરોના જીવનનો ભાગ બની ગઈ…. સન 1851માં પશ્ચિમ દેશના પાદરી જેમ્સ પાઇક્રોફ્ટે એક સૂચન કર્યું હતું કે, ‘દાર્શનિક રીતે માનવામાં આવે છે કે ક્રિકેટની રમત અંગ્રેજોની શૈલીના ગુણો પર આધારીત છે. અન્ય કોઈ નહીં પણ એક વ્યવસ્થિત અને બુદ્ધિમાન મનુષ્યજાતિ તેના દ્વારા પોતાનું મનોરંજન કરવાનું જાણે છે.’’ આગળ રામચંદ્ર ગુહા લખે છે : ‘ક્રિકેટ કૌશલ્યની રમત છે. તેમાં ફૂટબોલ અને રગ્બી જેમ શારીરિક સંપર્ક અને ક્રૂરતા માટે કોઈ જગ્યા નથી. ઓછી મુશ્કેલ રમત જર્મન અને ઇટાલીવાસીઓ દ્વારા રમવામાં આવે છે. પરંતુ ક્રિકેટ વિશે પાદરી જેમ્સ પાઇક્રોફ્ટે કહ્યું છે કે, ‘અનિવાર્ય રીતે અંગ્રેજોની રમત છે.’ આ પુસ્તક ‘અ કોર્નર ઓફ અ ફોરન ફિલ્ડ – ધ ઇન્ડિયન હિસ્ટરી ઓફ અ બ્રિટિશ સ્પોર્ટ્સ’માં રામચંદ્ર ગુહા પ્રથમ પ્રકરણમાં કેટલીક રસપ્રદ વિગત ટાંકે છે. તેમાં તેઓ લખે છે કે, ‘ક્રિકેટના આત્મકેન્દ્રિત અદ્વિતિય સ્વરૂપનું બેજી બેગટનું પુસ્તક ‘સ્પોર્ટ એન્ડ ટ્રાવેલ ઇન ઇન્ડિયા એન્ડ સેન્ટ્રલ અમેરિકા’ના એક અધ્યાયમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. બેગટ તેમાં કહે છે કે ક્રિકેટને ઇંગ્લેન્ડના લોકો દ્વારા રાષ્ટ્રીય રમતનું સન્માન મળ્યું છે. તેઓ ક્યાંય પણ હોય, એક વાર જો જરૂરી સંખ્યા થઈ જાય તો તેઓ ક્રિકેટ જરૂર રમે અને તેમની ઇચ્છા પર વાતાવરણની કોઈ અસર થતી નથી. કારણ કે જેમ તેઓ પોતાના દેશમાં આ રમત રમે છે; તે જ રીતે તેમને રણની અસહ્ય ગરમીમાં રેતી પર પણ ક્રિકેટ ઉત્સાહથી રમતા જોશો. એટલું જ નહીં ઉત્તરી ધ્રુવ જનારા કોઈનો પણ પ્રવાસ ત્યાં સુધી પૂર્ણ નથી માનવામાં આવતો જ્યાં સુધી તેની પાસે બેટ, બોલ અને સ્ટમ્પ ન હોય.’
આગળ રામચંદ્ર ગુહા એશિયાઇ મહાદ્વિપમાં આવેલી ક્રિકેટ વિશે આમ લખે છે : ‘એવું લાગે છે કે શરૂઆતમાં બ્રિટિશરોને સ્થાનિક લોકોને ક્રિકેટ શિખવાડવાનો કોઈ ઇરાદો નહોતો. આ રમત તેમણે ઇંગ્લેન્ડમાં શોધી હતી અને ભારતમાં તેઓ આ રમત અહીંના જીવનથી પીછો છોડાવવા માટે રમતા હતા. અહીંયા તેઓ રોકાયા તેમાં મહત્ત્વનો હિસ્સો સામાજિક ક્લબો હતી – જેની શોધ પણ તેમણે કરી હતી. એ રીતે શહેરો, સૈનિક છાવણીઓ અને ક્યારેક ક્યારેક જંગલોમાં પણ આ પ્રકારની ક્લબો બની. આ ક્લબોમાં રમત અને દારૂનું ચલણ વધુ હતું.’
ક્રિકેટ અને ઇંગ્લેન્ડ વિશે લખવા માટે અનેક બાબતો છે. ક્રિકેટના કેન્દ્રસમા ગ્રાઉન્ડ લોર્ડ્સની જ અનેક રસપ્રદ બાબતો છે. જેમ કે લોર્ડ્સનું જૂનું મેદાનની સ્થાપના 238 વર્ષ પૂર્વે થઈ હતી. હાલમાં જે જોઈ રહ્યા છે તે ગ્રાઉન્ડને પણ બે સદીથી વધુ સમય થઈ ચૂક્યો છે. આ ગ્રાઉન્ડ પર આવેલા વિક્ટોરિયા યુગનું પેવેલિયનનું આગવું મહત્વ છે. પેવેલિયનના આ ઇમારતને હેરિટેજનો વારસો મળ્યો છે. અહીંનું મીડિયા સેન્ટર, નર્સરી ગ્રાઉન્ડ, એમસીસી મ્યૂઝીયમ અને લાઇબ્રેરી ઉપરાંત ગાર્ડન પણ ઐતિહાસિક છે. ઇંગ્લેન્ડનો અને ક્રિકેટનો આ સંબંધ વિશેની અઢળક સ્ટોરીઝ છે, જે અહીં પૂરી થતી નથી. તેની વાત ફરી ક્યારેક કરીશું.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796