પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): જ્યાં સહુનો વિકાસ એક સરખો થાય તેવી કલ્પના સાથે દેશ આઝાદ થયો. આજે જે સ્થિતિ છે તેવી અસમાનતા જાતિ, વર્ગ, આર્થિક તેવી અસમાનતાઓ આઝાદી સમયે પણ હતી. તે સમયે 1920માં ગાંધીને એક વિચાર આવ્યો કે ભારતનું કોઈ બાળક પૈસાના અભાવે કે કોઈ ચોક્કસ જાતિને કારણે તે શિક્ષણ સહિતની બાબતોથી વંચિત ન રહે અને માટે 1920માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. આ વિદ્યાપીઠને હવે 102 વર્ષ થયા છે.
વિદ્યાપીઠે અનેક રાજકારણ જોયા છે, પણ આજે ગુજરાત વિદ્યાપીઠ એક એવા કદાર પર આવીને ઊભી છે જ્યાં ચિત્ર થોડું ચિંતાજનક પણ છે. વિદ્યાપીઠના જે કર્તાહર્તા હતા તેમણે ગુજરાત વિદ્યાપીઠને અને તેના શિક્ષણને આ સ્તર સુધી પહોંચાડવામાં ઘણી મહેનત કરી છે. જોકે સમય સાથે થોડું બદલાવું જોઈએ, પણ હવે એ બદલાવને કારણે ક્યાંક ચુક થઈ છે. દેશમાં અને ગુજરાતમાં લાંબો સમય શાસન કોંગ્રેસનું રહ્યું જેના કારણે વિદ્યાપીઠના જે શાસનકર્તા-વહીવટકર્તાઓ હતા તેમના સંપર્કો અને સંબંધો કોંગ્રેસી નેતાઓ સાથે હતા.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. શિક્ષણ રાજકારણથી પર હોવું જોઈએ પણ જેમના હાથમાં શિક્ષણની બાગડોર છે તેમણે પણ શિક્ષણને આ રાજકારણથી દુર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોકે સંપુર્ણ રીતે કોઈપણ વ્યક્તિ રાજકારણથી દુર થઈ શક્તો નથી. ગુજરાત વિદ્યાપીઠની પરંપરા રહી કે જ્યારે પણ પદવીદાન સમારંભ હોય ત્યારે રાષ્ટ્રપતિ આ પદવીદાન સમારંભમાં આવે, પરંતુ આ પરંપરા ત્યારે તૂટી જ્યારે કેન્દ્રમાં ભાજપની કે એનડીએની સરકાર બની હતી. એનડીએ અને ભાજપના જે કોઈ રાષ્ટ્રપતિ બન્યા તેમને આ પદવીદાન સમારંભમાં બોલાવવાનું ટાળવામાં આવ્યું.
આમ આ કળવાશના બીજ ત્યાંથી રોપાયા. અત્યારે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે ઈલાબેન ભટ્ટ છે. ઈલાબેન આ દેશનો એક એવો ચહેરો છે કે હવે ભારતરત્ન અને નોબલ પારિતોષિત સિવાય તેમને લગભગ તમામ પારિતોષિત મળી ચુક્યા છે. વિશ્વ આખું ઈલાબેન ભટ્ટને ઓળખે છે અને ગુજરાત પણ ઈલાબેન ભટ્ટના નામે ઓળખાય છે. ઈલાબેન ભટ્ટ ગાંધી આશ્રમના ચેરમેન પણ છે. લાંબા સમયથી તેમણે નાદુરસ્ત તબીયતને કારણે વિદ્યાપીઠને ઘણી વખત રજૂઆત કરી હતી કે મારું રાજીનામું સ્વિકારી લો અને મને આ ફરજમાંથી મુક્ત કરો.
આ દરમિયાન વિદ્યાપીઠના રાજકારણમાં પણ કેટલાક સમીકરણ બદલાયા. વિદ્યાપીઠે વાઈસ ચાન્સેલર તરીકે રાજેન્દ્ર ખીમાણીને મુક્યા. સરકાર અને યુજીસીનો આરોપ એવો છે કે, વાઈસ ચાન્સેલરની નિયુક્તિ માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોમાં રાજેન્દ્ર ખીમાણી અયોગ્ય ઠરે છે માટે તેમને હટાવવા જોઈએ. વિદ્યાપીઠ અડગ હતી રાજેન્દ્ર ખીમાણીને નહીં હટાવવા માટે. આખરે યુજીસીએ ગુજરાત વિદ્યાપીઠની ગ્રાન્ટ અટકાવી દીધી. આખો મામલો નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો અને ગુજરાત વિદ્યાપીઠ એવા સંકટમાંથી પસાર થઈ કે તેની પાસે સરકારનું માનવા સીવાય કોઈ છૂટકો રહ્યો નહીં. આ આખા મામલાને એક જાણકારી પ્રમાણે અમિત શાહ સંભાળી રહ્યા છે.
હવે વિદ્યાપીઠને એક સૂચના આવી કે, ઈલાબેન ભટ્ટે જે રાજીનામુ આપવાની દરખાસ્ત કરી છે તેનો સ્વિકાર કરી લેવામાં આવે. સૂચના આદેશના સ્વરમાં જ હતી તે સ્વાભાવીક હતું. તેનો અર્થ કે હવે ઈલાબેન ભટ્ટ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર નહીં રહે. જોકે વાત અહીં અટકી નહીં. ગુજરાત વિદ્યાપીઠ ચાન્સેલર બદલવાનો નિર્ણય કરે તો સારું છે પરંતુ હવે ચાન્સેલર કોણ હશે તેના માટે પણ સરકારનો આદેશ આવ્યો કે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતને ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે મુકવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારના રોજ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓની મીટીંગ છે જેના એજન્ડામાં બે મુદ્દાઓ છે જેમાં ઈલાબેન ભટ્ટનું રાજીનામું લેવું અને ચાન્સેલર તરીકે આચાર્ય દેવવ્રતને મુકવા. આચાર્ય દેવવ્રત એ હોદ્દાની રૂએ ચાન્સેલર થતા નથી. પણ તેઓ એક વ્યક્તિગત ઓળખ સાથે ચાન્સેલનર થઈ ગયા છે. માટે હવે જ્યારે તેઓ ગવર્નર નહીં હોય તો પણ તેઓ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર રહેશે. જેની સત્તાવાર જાહેરાત આવતીકાલે મંગળવારે થશે, પણ આ જાણકારી અમને મળી જે અમે અહીં રજુ કરી છે. પણ સવાલ એ છે કે ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થા જેની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી છે એક શૈક્ષણિક સંસ્થા કે જે રાજકારણથી પર રહેવી જોઈતી હતી. ન ભાજપ કે ન કોંગ્રેસની, શિક્ષણ ચાલવું જોઈતું હતું. પણ આ સમગ્ર સ્થિતિમાં હવે આપણી પાસે લાચારી સિવાય કાંઈ નથી.