નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ કેનેડામાં એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. કેનેડાના સસ્કેચવન ખાતે અલગ અલગ જગ્યા પર 10થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે જ્યારે 15 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના પછી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા છે. રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ દ્વારા હુમલાખોરોને પકડવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમ્સ સ્મિથ ક્રી નેશન અને સસ્કેચવનના ઉત્તર પૂર્વમાં વેલ્ડન ગામમાં અનેક સ્થાનો પર છરી મારી દેવાની ઘટનાઓ સામે આવી છે.
આરસીએમપીએ એવું પણ કહ્યું કે, આ હુમલાખોરોની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન તરીકે થઈ છે. જોકે હજુ સુધી એ જાણકારી મળી નથી કે તેમણે આવો હત્યાકાંડ કેમ કર્યો, તેની પાછળ શું કારણ હતું. આરસીએમપી સસ્કેચવનના સહાયક રોંડા બ્લેકમોરેનું કહેવું છે કે, કેટલાક પીડિતોને આ શખ્સો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, અચાનકનો હુમલો હતો. જોકે તે ઘણો ઘાતક હતો.
તેમણે કહ્યું કે, હજુ ઈજાગ્રસ્તોની સંખ્યા વધે તેમ જણાય છે. અમે તેમને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રારંભીક રીતે એવી જાણકારી મળી રહી છે કે તેઓ રેજિના આર્કોલા એવેન્યૂ તરફ જઈ રહ્યા હોઈ શકે છે. પોલીસે આ આરોપીઓ ત્યાં જોવા મળ્યા હોવાની બાતમી મળ્યાનું કહ્યું હતું. જોકે હજુ આ લખાય છે ત્યાં સુધી તેઓ ઝડપાયા નથી. પોલીસે તેમની કાર ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલ ત્યાં એલર્ટ જાહેર કરાયું છે.








