નવજીવન ન્યૂઝ. ભરૂચઃ અંકલેશ્વરની યુનિયન બેંકમાં ગઈકાલે ભર બપોરે બંદૂક સાથે બેંક લૂંટવાના ઈરાદા સાથે 5 લોકો ધુસી આવ્યા હતા. જોકે લૂટારાઓએ બંદૂકની અણી 44 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટ કર્યા બાદ આરોપીઓ ભગવા જતાં રસ્તામાં જ પોલીસનો ભેટો થઈ ગયો હતો, જાહેર રોડ પર સામ-સામે ફાયરિંગની ધટના બની હતી. જેમાં એક આરોપીને પોલીસની ગોળી વાગતા પકડી પાડવામાં આવ્યો હતો. જે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો તે અન્ય આરોપી સુધી પહોંચવામાં મહત્વની કડી સાબીત થયો હતો.
અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં સાંજના સમયે સ્ટાફ જ્યારે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ તૈયાર કરીને બેંકને બંધ કરવાની તૈયારીમાં હતા, તે સમયે પાંચ જેટલા બુકાનીધારી બેંકમાં ઘુસી આવ્યા હતા. જેમણે બંદૂકની અણીએ બેન્કના કર્મચારીઓ જોડેથી 44 લાખ પડાવી લીધા હતા અને લૂટારા બેંકના ગેટની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ત્રણ થેલામાં પૈસા લઈની નીકળી રહ્યા હતા. આ સમયે સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ઝાલા ઉભા હતા, બેંકની બહાર જ લૂટારા અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી થઈ હતી. લૂટારાઓએ પોલીસકર્મીને બંદૂક પણ બતાવી તેમ છતાં પોલીસકર્મીએ બે થેલાને છોડાવી લીધા હતા. જેથી 22 લાખ જેટલી રકમ બચાવી લેવામાં આવી હતી. લૂંટારાઓ બેંકમાંથી ભાગી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમનો પીછો કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો જેમો સફળતા મળી ન હતી. સમગ્ર લૂંટ બાબતે કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. લૂટારોઓ લૂંટ કરીને બાઈક પર ભાગી રહ્યા હતા તે દરમિયાન મહાવીર ટ્રેડિંગ નજીકમાં અન્ય ગુનાની તપાસ કરવા આવેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને જોઈ જતા તેમેની પર ફિલ્મી સ્ટાઈલમાં ચાલુ બાઈકે જ અંધાધુન ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે પણ વળતો જવાબ આપ્યો હતો.
પોલીસ અધિકારી કરણસિંહ મંડોરા, સબ ઇન્સ્પેકટર નરેશ પાંચાણી, જે. એમ. ભરવાડ, જયદીપસિંહ જાદવ, મિતેષ સકુરિયાં અને પાંચ લૂટારાઓ વચ્ચે ભર બજારે એન્કાઉટર શરૂ થયુ હતું. પોલીસકર્મીઓએ પોતાના જીવનની ચિંતા કર્યા વગર ફાયરિંગનો વળતા જવાબ આપ્યો હતો. આરોપીઓની અનેક ગોળીઓ પોલીસકર્મીઓની નજીકથી પસાર થઈ હતી. તે દરમિયાન લૂંટારાઓ રાજપીપળા ચોકડી તરફ ભાગ્યા હતા. પોલીસે આરોપીઓનો પીછો કરતા રાજપીપળા ચોકડી નજીક મોટી ભીડ વચ્ચે પોલીસ અને લૂટારા ફરી આમને-સામને આવી ગયા અને બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એક લૂંટારો રિક્ષામાં સંતાઈને પોલીસ પર ફાયરિંગ કરતો હતો. જેને પોલીસ ઈન્સપેક્ટર કરણસિંહ મંડોરા જોઈ જતાં રિક્ષાની નજીક જઈને અન્ય લોકો તરફ ગોળી ન જાય તે રીતે ફાયરિંગ કર્યું હતું જેના કારણે તે લૂંટારો ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે 4 લૂટારાઓ ભાગવામાં સફળ થયા હતા.
પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત આરોપીને ઝડપી પાડીને તેની આકરી પુછપરછ કરવામાં આવી હતી, પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેનું નામ પપ્પુ છે. જેણે આ ઘટનાનો મુખ્યસુત્રધાર અંગે માહિતી આપી તે અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું, આરોપીને ઝડપી પાડવા માટે આખી રાત અંકલેશ્વર ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આખા વિસ્તારને ધમરોલી નાખ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના પોલીસ વડા ડૉ. લીના પાટીલ પણ જોડાયા હતા. પોલીસના મેગા સર્ચ ઓપરેશનમાં ફાયરિંગ થવાની સંભાવના હોવાથી પોલીસ બુલેટપ્રુફ જેકેટ સાથે રસ્તા ઉતરી હતી. પોલીસને આ ઓપરેશનમાં છેવટે સફળતા મળી હતી અને 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. 4 આરોપી પોલીસથી બચવા માટે એક મકાનના શૌચાલયમાં સંતાઈને બેઠા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે સમગ્ર ઘટનાને અંજામ આપનારો પપ્પુ નામનો વ્યક્તિ હતો, જે સ્થાનિક રહેવાસી હતો. બેંક લૂંટવા માટે તેણે બિહારથી માણસોને અંકલેશ્વર બોલાવ્યા હતા. પોલીસે 4 આરોપીએ પાસેથી 20 લાખથી વઘુની રકમ કબ્જે કરી છે. પોલીસની સારી કામગીરી અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.