નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાતના અમદાવાદ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 12મી જુન 2025ની બપોરે એર ઈન્ડિયાનું AI-171 પ્લેન ઉડાનની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું. આ પ્લેનમાં કૂલ 242 લોકો સવાર હતા જેમાંથી 1 વ્યક્તિને બાદ કરતા તમામના મોત થયા, જેમાં ગુજરાતના જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો પણ સમાવેશ થાય છે. ઘટના અંગે આપ સહું ઘણું જાણો છો પણ શું તમે જાણો છો કે આ પ્લેન કેટલું સેફ હતું? આ ઘટના બાદ જ્યારે તેની તપાસ શરૂ થઈ ગઈ છે તો તેનો આખરી રિપોર્ટ ક્યારે આવશે? શું તમે જાણો છો કે કેટલું ઊંચુ ગયું અને તુરંત તે નીચે પડી ગયું? તેમાં શું તકનીકી સમસ્યા હતી તે તો તપાસના રિપોર્ટ બાદ જ સામે આવશે પણ કયા કયા કારણોને મુખ્ય ગણવામાં આવી રહ્યા છે? ચાલો ડીટેઈલ્ડમાં જાણીએ…
એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર મોડલ હતું. જેને VT-ANB તરીકે રજીસ્ટર્ડ કરાયેલું હતું. જેમાં એન્જિન બે General Electric GEnx-1B67 નું હતું અને આ પ્લેન 11 વર્ષ જૂનું હતું જેને ગત જાન્યુઆરી 2014માં ડિલિવર કરવામાં આવ્યું હતું. જેની વિગતો Circime માં આવી છે. Circime ને એવિએશન એનાલિસિસનો વિશ્વાસુ સોર્સ ગણવામાં આવે છે. મતલબ કે આ એટલું પણ જૂનું મોડલ નહોતું. વિમાનની ક્ષમતાની વાત કરીએ તો આ વિમાનમાં 256 બેઠકો છે. એટલે કે, વિમાને જ્યારે ફ્લાય કર્યું ત્યારે તેમાં 242 લોકો હતા જે ક્ષમતા કરતા કોઈ રીતે વધારે પણ નથી. એક બીજી વાત સામે આવી રહી છે કે તે દિવસે અમદાવાદનું તાપમાન વધુ હતું પરંતુ આપને જણાવી દઈએ કે તે દિવસે તાપમાન લગુત્તમ 32 °C | 90 °F અને મહત્તમ 38 °C | 101 °F હતું. આમ જોવા જઈએ તો ભર ઉનાળાની 45 ડિગ્રીમાં પણ અમદાવાદમાં ફ્લાઈટ્સ ઉડી જ છે. માટે આ કારણ અને એસી કામ નહોતા કરતા તે કારણને ક્રેશ સાથે સંબંધ ના હોવાનું માનવામાં આવે છે.
હવે જો આ પ્લેનની સુરક્ષાની વિગતો જાણીએ તો NDTVના રિપોર્ટ પ્રમાણે બોઈંગ 787-8 ડ્રિમલાઈરની આ પહેલી જીવલેણ ઘટના છે. અત્યાર તે ટેકનીકની શરૂઆત 2009માં થઈ હતી અને 2011થી અત્યાર સુધી દુનિયાભરમાં તેના 1000થી વધુ વિમાનોનું વિતરણ થઈ ચુક્યું છે. વીકિપીડિયા કહે છે કે આ પ્લેન અમદાવાદ એરપોર્ટ પરથી 13.38 ના ભારતીય સમય પર ઉડ્યું હતું જે માત્ર 30 સેકન્ડમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મતલબ કે એરપોર્ટથી ઉડ્યાને તેને મિનિટ પણ નહીં માત્ર અડધી મિનિટ જ થઈ હતી અને ક્રેશ થયું હતું. આ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને બીબીસી કહે છે કે આ વિમાન મહત્તમ 625 ફૂટ ઊંચું ગયું અને પછી તુરંત તે ઊંચાઈ ગુમાવીને મેઘાણીનગર વિસ્તાર તરફ નીચે ઢળવા લાગ્યું હતું અને મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડિંગમાં અથડાયું હતું. ઉપરાંત થોડી જ ક્ષણોમાં Mayday કોલ આપી દીધો હતો.
વીડિયો અને નિષ્ણાતોના વિશ્લેષણને આધારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કહે છે કે, વિમાનમાં ટેક ઓફ પછી થ્રસ્ટ (શક્તિ) ઓછું થઈ ગયું હતું અને લેન્ડિંગ ગિયર નીચે જ રહી ગયો હતો જે કદાચ કોકપીટમાં કોઈ મોટી તકલીફ અથવા ઈમર્જન્સીને દર્શાવે છે. નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે, બર્ડ સ્ટ્રાઈક, ડ્યુઅલ એન્જિન ફેલિયર અથવા ફ્યુલ કન્ટેઈમિનેશન જેવી શક્યતાઓની તપાસ થઈ રહી છે. જોકે આ માત્ર સમાચાર પત્રનો રિપોર્ટ છે અહીં તપાસ અંગે સત્તાવાર કશું જ સામે આવ્યું નથી.
આ પ્લેન મોડલ એટલે કે VT-ANB સામે કોઈ ગંભીર ફરિયાદ અથવા જાહેર સુરક્ષા સમસ્યા નોંધાઈ નથી, પણ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે B787 મોડલમાં 2017માં હેડસેટની સમસ્યાના કારણે આ પ્રકારની એક ફ્લાઈટને ફાઈટર જેટ એસ્કોર્ટનો સામનો કરવો પડ્યો હતો. હમણાં જ 2023માં પણ એક બીજી ફ્લાઈટનું એન્જિન ફેઈ થઈ ગયું હતું અને કેબિનમાં ધૂમાડો થઈ જવાને કારણે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક વિમાન તો ઈમારતને પણ ટકરાયું હતું. જોકે આ ઘટનાઓ માનવીય ભૂલો અને ટેક્નીકલ સમસ્યાઓને ઉજાગર કરે છે.
બોઈંગે 2007માં આગામી પેઢીના લાંબા અંતરની મુસાફરી માટે 787 રજૂ કર્યું હતું. જે પોતાના 777ની સફળતા પર આધારિત હતું. તેની વિશેષતાઓની અહીં વાત કરીએ તો તે એક વાઈડ-બોડી જેટ છે, જે લાંબા અંતરની મુસાફરીની ક્ષમતા ધરાવે છે. તે કાર્બન ફાઈબર કંપોઝિટ સંરચના ધરાવે છે જે એલ્યુમિનિટમ વિમાનની બોડીની તુલનામાં હલકું હોય છે. તે પોતાના અગાઉના વર્ઝન્સ કરતાં 25 ટકા ઈંધણ ઓછું ઉપયોગ કરે છે. છતાં વિમાન નિર્માતા કંપનીની સામે તેની સુરક્ષાને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વિમાન કંપનીને સુરક્ષા સંબંધિત ચિંતાને લઈને અમેરિકી સંઘીય વિમાન તંત્ર (એએફએ) સામનો કરવો પડી રહ્યો છે.
મે 2024માં, FFA ની જાહેરાતને પગલે બોઈંગ ઉત્પાદન પ્રણાલીમાં અત્યારે પણ તમામ 787 વિમાનોનું ફરીથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સેવામાં હાજર વિમાનોનું મૂલ્યાંકન કરવાની યોજના બનાવાશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, તેના એક મહિના પહેલા જ FFA એ વ્હીસલબ્લોઅર સેમ સાલેહપુર, જે બોઈંગના એક પૂર્વ એન્જિનિયર હતા, તેમના ચોંકાવનારા દાવાઓની તપાસ શરૂ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે 787 ડ્રીમલાઇનરના ધડના કેટલાક ભાગોને ખોટી રીતે એક સાથે બાંધવામાં આવ્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે લાંબા સમયના ઉપયોગ બાદ વિમાન તૂટી શકે છે.
આપને જણાવી દઈએ કે, આ ક્રેશ ફ્લાઈટનું બ્લેક બોક્સ કે જે ખરેખરમાં સંતરા જેવા રંગનું હોય છે તે મળી આવ્યું છે અને તેમાં ફ્લાઈટ્સનો ડેટા રેકોર્ડેડ છે તથા કોકપિટનો વોઈસ રેકોર્ડ પણ છે તેથી તપાસમાં તે મહત્વની ભૂમિકા ભજવશે. ઉપરાંત ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે DGCA અને બોઈંગ કંપનીની ટેક્નીકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આખરી તપાસનો રિપોર્ટ આવનારા વર્ષની 12 જુન પહેલા એટલે કે 1 વર્ષમાં આવશે.








