નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં એક મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. મહિલા પોલીસકર્મીના આત્મહત્યાના કારણે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મહિલા પોલીસકર્મીએ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ અમદવાદામાં એક પોલીસકર્મીએ સામુહિક આત્મહત્યા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી લોકોની સુરક્ષામાં 24 કલાક ખડેપગે રહેલા પોલીસકર્મીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ભાવના ડાભી નામની મહિલા પોલીસકર્મીએ ઘર કંકાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમીક માહિતી સામે આવી છે. ભાવનાબહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશ ડાભી સાથે દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને વર્ષ 2016માં કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં ભરતી થયા હતા.
ગઈકાલે ભાવાનાબહેનના પતિ ભદ્રેશ અંદરના રૂમમાં સુતા હતા. આ દરમિયાન ભાવનાબહેનએ બહારના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ભદ્રેશ જ્યારે 7 વાગ્યે બહારના રૂમમાં ઉઠીને આવ્યા હતા ત્યારે તેમના પત્નીની પંખા પર લટકતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં બંનેના પરિવારના સભ્યો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે કંકાસ ચાલી રહ્યો હતો. જેનાથી કંડાળીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. મૃતક ભાવનાબહેન અને ભદ્રેશ પાંચ દિવસથી રજા ઉપર હતા અને ગઈકાલે ફરજ પર હાજર થયા હતા. હાલ પોલીસે બંનેના પરિવારની પૂછપરછ શરૂ કરી છે. પોલીસને ઘટના સ્થળેથી કોઈ ચિઠ્ઠી મળી આવી ન હતી.








