તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ, અમદાવાદ) : ચોર ચોરી કરી જાય તો લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક ગજબનો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે અમદાવાદ શહેર પોલીસને નીચાજોણું થયું છે. કારણ કે પોલીસ સ્ટેશનમાંથી ચોરી થઈ અને એ પણ આરોપી મહિલા દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસનું કથન છે.
સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ક્રિકેટ સટ્ટાના આરોપી પતિ-પત્નીને ઝડપી પાડવામાં આવ્યા હતા. નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોલીસે 18 મેના રોજ ક્રિકેટ સટ્ટો રમાડતા આરોપી પતિ-પત્નીને ઝડપી કાર્યવાહી કરી હતી. જેમાં આરોપી સિધ્ધી ધાર્મિક શાહ અને તેના પતિ ધાર્મિક નરેન્દ્ર શાહને ક્રિકેટનો સટ્ટો રમાડતા પતિ-પત્ની વિરૂધ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે મામલે આરોપીના મોબાઈલ ફોન કબ્જે લેવામાં આવ્યા હતા.
કબ્જે લીધેલા ફોન ચોરી મામલે પાલડી પોલીસે ફોન ચોરી થયાની દાખલ કરેલી એફ.આઈ.આર.માં જણાવ્યા મુજબ, સિદ્ધિ શાહ પોલીસ સ્ટેશનમાં તેના સબંધી સાથે આવી હતી. બાદમાં મોબાઈલ છોડવવા અભિપ્રાય અંગે ચર્ચા શરૂ કરી. દરમિયાન ચાર્જિંગમાં રાખેલો કબ્જે લીધેલો વીવો કંપનીનો મોબાઈલ ફોન મહિલાએ ચોરી કરી લીધો. દરમિયાન મહિલાનો પતિ ધાર્મિક અને મહિલાનો સંબંધી ધવલ પોલીસ કર્મચારીને વાતોમાં વ્યસ્ત રાખતા હતા.
આ મામલે થયેલી ફરિયાદના તપાસ અધિકારી પી.એસ.આઈ. મેહુલકુમાર સિંધવ જણાવે છે કે, ઘટનાના દિવસે તેઓ હાજર ન હતા અને આ મામલે વધુ માહિતી આરોપીની તપાસ થાય ત્યારે જ સામે આવી શકે છે તેમ જણાવે છે. ટૂંકમાં તપાસ અધિકારી આ મામલે ફોન પર ચર્ચા કરવા તૈયાર ન હતા.
ત્યારે સવાલ એ પેદા થાય છે કે કબ્જે કરેલો મોબાઈલ ફોન કેમ બહાર આ રીતે પડ્યો હતો? અને પી.એસ.ઓ. પાસે જમા કરાવેલો ન હતો? જ્યારે ખરેખર તો કબ્જે કરેલો મુદ્દામાલ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ને સોંપી દેવાનો રહે છે.
![]() |
![]() |
![]() |











