Thursday, March 26, 2026
HomeGujaratAhmedabadપ્રધાનમંત્રીની યુનિવર્સિટીમાં ચાલે છે આવું કૌભાંડ, રાત્રે ઉત્તરવહીઓ ગાયબ થાય છે અને...

પ્રધાનમંત્રીની યુનિવર્સિટીમાં ચાલે છે આવું કૌભાંડ, રાત્રે ઉત્તરવહીઓ ગાયબ થાય છે અને સવારે જવાબો સાથે જમા થઈ જાય છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) પણ હવે વિદ્યાર્થોના ભવિષ્ય સાથે ચેડા થતાં હોય તેવી એક ઘટના સામે આવી છે. હાલમાં ચાલી રહેલી B.Sc નર્સિંગ સેમ 4ની પરિક્ષાની ઉત્તરવહીઓ ગુમ થઈ ગઈ છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ નિરજા ગુપ્તાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station) ખાતે ફરિયાદ નોંધાવી છે. જોકે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી આ અંગે કરવામાં આવી નથી, માત્ર બે ગાર્ડને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સામે આવી છે. આ અંગે આજે NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ધરણા કરવામાં આવ્યા હતા અને કુલપતિને મળીને નક્કર કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

NSUI Protest Over Scam Gujarat University
NSUI Protest Over Scam Gujarat University

NSUIએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “તમે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હોવાનો ગર્વ લો છો, તો આવા કૌભાંડો (Scam) પણ આ યુનિવર્સિટીમાં ચાલે છે તેમાં કાર્યવાહી કેમ નથી કરતાં?” NSUIના વિરોધ પ્રદર્શનમાં નેતાઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ડમીકાંડ, તોડકાંડ અને પેપર લીક થવાની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. હવે આ કૌભાંડોમાં ગુજરાતની કોઈ યુનિવર્સિટી બાકાત રહી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઉત્તરવહીઓ ગાયબ થાય છે અને તે જ સમયે CCTV પણ બંધ હોય છે. જો આ અંગે યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો NSUI આંદોલન કરશે.”

- Advertisement -

આ અંગે વાત કરતાં કોંગ્રેસનાં પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, “આ ઘટના દેખાય છે તેટલી સરળ નથી. હાલ સમગ્ર મામલો ઉત્તરવહીઓ ગાયબ થવાનો છે, પરંતુ ખરેખરમાં ઉત્તરવહીઓ રાત્રિના સમયે ગાયબ થાય છે અને સવારે પાછી જમા થઈ જાય છે. આ અંગે NSUIને જાણ થઈ ગઈ હતી, એટલે NSUI દ્વારા યુનિવર્સિટીને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે વહેલી સવારે NSUI દ્વારા ઉત્તરવહીઓ જ્યાં જમા કરાવવામાં આવે છે તે જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી. જેથી કૌભાંડ કરનારા ઉત્તરવહીઓ જમા કરવી શક્યા ન હતા. ત્યાર બાદ અમે રજીસ્ટ્રાર અમે પરીક્ષા નિયામકની હાજરીમાં ઉત્તરવહીઓની તપાસ કરતાં 14 વિદ્યાર્થીઓની સેક્શન A અને Bની 28 ઉત્તરવહીઓ ગાયબ હતી.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હોય તેમ અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગાયબ છે. જો આ કોઈ સામાન્ય ઘટના હોય તો એક કોલેજના જ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું બંચ ગાયબ થાય, પરંતુ અહિયાં જે તથ્યો સામે આવ્યા છે તેમાં બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ કોલેજના છે અને તેમની ઉત્તરવહીઓ એક સાથે ગાયબ છે. આ ઘટના જોતાં એવું લાગે છે કે, રાત્રે ઉત્તરવહીઓ ગાયબ થાય છે અને સવારે ઉત્તરવહીઓમાં જવાબ લખાઈને જમા થઈ જાય છે. જ્યાંથી ઉત્તરવહીઓ ગાયબ થાય છે ત્યાં CCTV પણ છેલ્લા 15 દિવસથી બંધ છે. જે તે વિભાગના HOD અર્ચના માંકડ દ્વારા યુનિવર્સિટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં CCTV ચાલુ કરવામાં આવ્યા નથી. જેથી અન્ય વિદ્યાર્થીઓ જે નિષ્ઠાપૂર્વક પરીક્ષા આપે છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.”

આ અંગે યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જવાબદાર વ્યક્તિ સામે ત્રણ દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ યુનિવર્સિટી દ્વારા આ ઘટનાને લઈને કોઈ ગંભીરતા જોવા મળતી નથી. કારણ કે જ્યારે આટલું મોટું કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક તો ઓફિસમાં હજાર જ નથી. અમારા પ્રતિનિધિ જ્યારે તેમને મળવા માટે ગયા ત્યારે તેમની ઓફિસ બંધ જોવા મળી હતી અને જવાબ મળ્યો હતો કે, ‘સાહેબ બહાર ગયા છે.’

- Advertisement -

આમ એક તરફ પ્રધાનમંત્રીએ અભ્યાસ કર્યો તે પ્રાથમિક શાળાને રિનોવેશન કરીને ‘પ્રેરણા કેન્દ્ર’ નામ આપવામાં આવે છે અને બીજી તરફ પ્રધાનમંત્રીએ અભ્યાસ કર્યો તે યુનિવર્સિટીમાં આટલા મોટા કૌભાંડ ચાલી રહ્યા છે અને કુલપતિ અને અન્ય અધિકારીઓ આ અંગે અજાણ છે? શું આવું શક્ય છે? કે પાછી યુનિવર્સિટીનો જ કોઈ વ્યક્તિ આ કૌભાંડમાં સંડોવાયેલો છે? ઉત્તરવહીઓ જ્યાં રાખવામાં આવે છે અને ચકાસવામાં આવે છે તે પરિસરના CCTV કેમ 15 દિવસથી બંધ છે? આ બધા સવાલો છે પણ તેના જવાબ મળશે કે નહીં તે પણ હાલ એક સવાલ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular