નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં સગીરાના પ્રેમ પ્રકરણનો ભાંડો ન ફૂટે તે માટે એવું મગજ દોડાવ્યું કે પોલીસ પણ ગોથા ખાતી રહી ગઈ. સગીરા પ્રેમ પ્રકરણને છુપાવા માટે થઈને અન્ય 4 યુવક વિરુદ્ધ અપરણ અને બળાત્કારની ફરિયાદ કરવા માટે માતા-પિતા સાથે ગોમતીપૂર પોલીસ સ્ટેશન પહોંચી હતી. સગીરાના આક્ષેપો અને નિવેદનો પર પોલીસને શંકા જતાં ઊલટ તપાસ શરૂ કરી હતી. આખરે 6 દિવસના અંતે ફરિયાદ ખોટી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
માહિતી અનુસાર, ગત 4 મેના રોજ સગીરા તેના માતા-પિતા સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આવીને ચાર લોકો વિરુદ્ધ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધવા માટે આવી હતી. સગીરાના કહેવા અનુસાર ચાર લોકોએ તેનું અપહરણ કરીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ દાળમાં કઈક કાળું હોવાની શંકા ઊભી થઈ હતી. જેથી ગોમતીપુર પોલીસ સમગ્ર બાબતનું ઝીણવટ પૂર્વક ઇન્સવેસ્ટીગેશન શરૂ કર્યું હતું.
ગોમતીપુર પોલીસે ઉલટ તપાસ શરૂ કરતાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. સગીરાએ જે મુજબ આક્ષેપો કર્યા હતા તે મુજબની એક પણ હકીકત પોલીસને પુરાવા રૂપે જોવા મળતી નહોતી. આખરે પોલીસે સગીરાની વિડીયોગ્રાફી સાથે સઘન પૂછપરછ હાથ ધરતા સગીરાએ વટાણા વેરી નાખ્યા હતા. સગીરાએ પોલીસ સમક્ષ હકીકત સ્વીકારી લીધી હતી. હકીકત સાંભળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરાએ સગીર પ્રેમી સાથે એક આખી રાત બહાર વિતાવી હતી. આ વાતની જાણ તેના પરિવારને થઈ જતાં બીકના મારે પ્રેમ પ્રકરણ છુપાવવા માટે સગીરાએ અપહરણ અને બળાત્કારની ફિલ્મ જેવી કહાની બનાવી દીધી હતી. ઉપરાંત ખોટી ફરિયાદમાં ચારેય યુવકોના નામ લેવા પાછળના કારણમાં સગીરાએ કહ્યું હતું કે, ચારેયમાંથી હબીબ નામના યુવકની બહેન પણ તેની જ ચાલીમાં રહેતી હોવાથી તે અવારનવાર આવતો જતો હતો. જેથી સગીરાએ આ ચારેય યુવકોના નામ પોલીસને આપી દીધા હતા.
સગીરાએ જે કબૂલાત કરી હતી તે જગ્યા પર ગોમતીપુર પોલીસે સગીરાને લઇ જઈને પુરાવા એકત્ર કર્યા હતા. જેમાં પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં સગીરા અને તેનો સગીર પ્રેમી બંને જોડે જતા હતા. સમગ્ર પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટી જતાં સગીરાએ માતાપિતા સાથે રહેવાનો ઇનકાર કરી દેતા હવે સગીરાને બાળ સુધારણા કેન્દ્રમા મોકલવામાં આવશે. ઉપરાંત સગીરાના પ્રેમીએ શારીરિક સબંધ બાંધતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સગીરાએ ખોટી ફરિયાદ કરી પોલીસને ગુમરાહ કરવા બદલ કોઈ એક્શન પોલીસ દ્વારા લેવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.
![]() |
![]() |
![]() |