નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં અઢી મહિના બાદ ફરી એકવાર અદાણી સીએનજી ગેસના ભાવમાં વધારો થયો છે. એક તરફ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેવામાં મોંઘવારીમાં સામન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અદાણી ગેસમાં પ્રતિ કિલો 1.31 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજી ગેસમાં ભાવ વધારો થતાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
અમદાવાદમાં આજથી અદાણી સીએનજી ગેસનો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ચાલુ વર્ષમાં સીએનજીના ભાવમાં 17 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે ડીઝલની કિંમત વચ્ચે 8.25 રૂપિયાનો તફાવત રહી ગયો છે. સીએનજીનો ભાવ જે રીતે વધી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના એક સરખા જ ભાવ થઈ જવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
વર્ષ 2022માં આઠ વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અગાઉ 16 એપ્રિલના રોજ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા સીએનજીના ભાવના કારણે રોષે ભરાયેલા રિક્ષા ચાલકોએ બળવો કર્યો હતો. જો કે સરકાર દ્વારા રિક્ષાના સામન્ય ભાડામાં વધારો કરી આપતા રોષ શાંત પડ્યો હતો.બીજી બાજુ પેટ્રોલના વધતાં ભાવથી કંટાડીને સીએનજી કીટ નાખવાનારા કાર ચાલકોને પણ દિવસેને દિવસે પસ્તાવાનો વારો આવી રહ્યો છે.








