Tuesday, October 14, 2025
HomeGujaratશાદી ડોટ કોમ ઉપર તેણે નોંધણી કરાવી, એક યુવતીના સંપર્કમાં આવ્યો પણ...

શાદી ડોટ કોમ ઉપર તેણે નોંધણી કરાવી, એક યુવતીના સંપર્કમાં આવ્યો પણ લગ્ન ન થયા આખરે ગુનેગાર બની ગયોઃ પોલીસે ઓપરેશન કેનાલને આ રીતે અંજામ આપ્યો જુઓ Video

- Advertisement -

પ્રશાંત દયાળ નવજીવન : આપણે રાતના આપણા ઘરમાં એટલે નિશ્ચીત બનીને સુઈ જઈએ છે કારણ આપણને ખબર છે, આપણી સુરક્ષા કરતી પોલીસ જાગી રહી છે. આમ છતાં પોલીસથી ચુક થાય છે ત્યારે તેના સમાચાર ચારે પગે દોડે છે, પણ પોલીસની પ્રસંશા કરવામાં આપણે કંજુસ બની જઈએ છીએ, ગાંધીનગર પોલીસે હત્યા અને લુંટને અંજામ આપતા આરોપીને ઝડ઼પી લેવા માટે જે જદ્દોજહદ કરી તે પણ એટલુ જ રસપ્રદ છે તા 9 ઓકટોબરના રોજ ગાંધીનગર પોલીસને સુચના મળે છે કે નર્મદા કેનાલ ઉપર સાંજના સુમારે બેઠેલા યુગલ ઉપર એક કોઈ અજાણી વ્યકિતઓ ચાકુ વડે હુમલો કર્યો છે જેમાં યુવક ગંભીર રીતે ઘવાયો છે. આ સુચનાને આધારે અડાલજ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, પ્રાથમિક તપાસમાં જાણકારી મળે છે અજય સાગર નામનો યુવક તેની સ્ત્રી મિત્ર સાથે બેઠો હતો ત્યારે એક અજાણ્યો માણસ ત્યાં આવે છે, અને કોઈ પણ પ્રકારની વાત કર્યા વગર તે અજય ઉપર ચાકુ વડે હુમલો કરવા લાગે છે.



પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરે છે. અજય સાથે રહેલી યુવતીનું નિવેદન અને તેણે જોયેલા આરોપીના વર્ણનના આધારે પોલીસ તપાસ શરૂ કરે છે. ત્યા 10મી ઓકટોબરના રોજ ફરી પોલીસને સુચના મળે છે કે નર્મદા કેનાલ ઉપર કારમાં બેઠેલી વ્યકિતને ચાકુ બતાડી તેનો ફોન અને લેપટોપ લુંટી લેવામાં આવ્યુ છે, અડાલજ પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરે છે, જો કે પહેલા બનાવમાં આરોપી એક હતો, પરંતુ બીજા બનાવમાં ત્રણ આરોપીઓ હતા, 11મી તારીખ ફરી ત્રીજી ફરિયાદ પોલીસને મળે છે, જેમાં પણ મોબાઈલ ફોન લુંટી લેવાની ઘટના છે, આમ સતત ત્રણ ઘટનાઓ એક પછી એક બનતા પોલીસ ચીંતામાં પડે છે. ગાંધીનગરના ડીએસપી મયુર ચાવડા ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ અને સ્ટાફને એકત્રીત કરે છે અને ઓપરેશન કેનાલનું આયોજન થાય છે, પોલીસની પહેલી પ્રાથમિકતા હતી કે હવે ચોથો બનાવ બને નહીં એટલે ડીએસપી તરત કેનાલના તમામ રસ્તાઓ ઉપર નાકાબંધી કરાવે છે અને કેનાલના રસ્તે કોઈ યુગલ અથવા એકલી વ્યકિત બેસે નહીં તેની તાકીદ કરે છે.

- Advertisement -

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેંજ આઈજીપી અભય ચુડાસમા અને ડીએસપી મયુર ચાવડા સહિત સિનિયર પોલીસ અધિકારીઓ વચ્ચે મિટીંગોનો દૌર શરૂ થાય છે પોલીસની સમસ્યા હતી કે કેનાલના રસ્તા ઉપર એક પણ સીસી ટીવી કેમેરા ન્હોતા, અને કેનાલ સુધી જોડતા કેમેરા હતા, તે કેમેરામાં એક પણ વ્યકિત ઉપર શંકા કરી શકો તેવી કોઈ વ્યકિત ન્હોતી, પોલીસને અંદાજ હતો કે આરોપીઓ કેનાલ ઉપર આવવા જવા માટે પાકા રસ્તાનો ઉપયોગ કરવાને બદલે ખેતરોમાંથી પસાર થતાં કાચા રસ્તાનો ઉપયોગ કરતા હશે તેઓ સારી રીતે વાકેફ હતા કે કયાં રસ્તા ઉપર કયા સીસી ટીવી કેમેરા લાગેલા છે પોલીસની તપાસ ચાલી રહી હતી ત્યાં પોલીસને સમાચાર મળે છે કે અજય સાગર નામનો યુવક જે સારવારમાં હતો તેનું મોત નિપજયુ છે, અજયની સ્થિતિ એવી ન્હોતી કે પોલીસ તેને કઈ પુછે પણ તે પહેલા તેનું મોત નિપજયુ હતું.



ગાંધીનગર પોલીસ પોતાના બાતમીદારોને કામે લગાડયા પણ બાતમીદારો માહિતી આપવામાં નિષ્ફળ રહ્યા ગાંધનગર પોલીસના એકસો કરતા વધુ જવાનો અને આઠ જેટલા અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા હતા પણ કોઈ કડી મળી રહી ન્હોતી,. આથી ડીએસપી મયુર ચાવડાએ તપાસની દિશા બદલી, તેમણે સુચના આપી કે ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં આવી બીજી કોઈ ઘટના ઘટી છે કે તેની તપાસ કરવામાં આવે , તે દિશામાં તપાસ કરતા જાણકારી મળી કે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક વ્યકિતને સુમસામ રસ્તે ચાકુ મારી તેને લુંટી લેવાની ઘટના ઘટી હતી, આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધ્યો છે પણ પોલીસને આરોપી મળ્યો નથી, આ જાણકારી મહત્વની હતી, ગાંધીનગર પોલીસે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ધામા નાખ્યા, અને નિકોલના એક એક સીસી ટીવી કેમેરા ચેક કર્યા જેમાં એક મોટર સાયકલ નંબર તેમને મળ્યો.

મોટર સાયકલ નંબરના આધારે ગાંધીનગર પોલીસ મુળ માલિક શોધી પહોંચી તો જાણકારી મળી કે તેના ઘરે થોડા દિવસ પહેલા ઘરફોડ ચોરી થઈ હતી અને ચોરી કરનાર જતી વખતે તેનું મોટર સાયકલ પણ લઈ ગયો હતો, કડી તો મળી પણ થોડી નિરાશા પણ આવી, પણ નિરાશ થઈ ચાલે તેમ ન્હોતુ, આશ્ચર્ય તે બાબતનું છે કે ચોરી અને વાહન ચોરીની ફરિયાદ નિકોલ પોલીસે નોંધી જ ન્હોતી, પણ તે વિષય ગાંધીનગર પોલીસને ન્હોતો, ગાંધીનગર પોલીસના ટેકનીકલ સ્ટાફે અમદાવાદ શહેરના વિવિધ સીસી ટીવી અને અમદાવાદ ગાંધીનગર તરફના સીટી ટીવી ચેક કર્યા કારણ તેમની પાસે એક મોટર સાયકલ નંબર હતો, દિવસો સુધી મહેનત કર્યા પછી અનેક કેમેરામાં એક મોટર સાયકલ ઉપર ફરતા ત્રણ યુવકો નજરે પડયા જે પૈકી બે વ્યકિતના ચેહેરા સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.



પોલીસે આ ફુટેઝ ફરિયાદ નોંધાવનાર અમદાવાદ અને ગાંધીનગરના ફરિયાદીઓને બતાડયા, જેમાં બે ફરિયાદી આરોપીઓ ઓળખી શકયા, આમ હવે ચહેરા દ્વારા ઓળખ થઈ હતી પણ તેમના નામ સરનામાની જાણકારી ન્હોતી, પોલીસે પોતાના બાતમીદારોને પણ ફુટેઝ બતાડયા જેમાં દહેગામના કિરણ અને દિપક ઠાકોર હોવાનું બહાર આવ્યુ પોલીસને ટીમે તેમને ઉપાડી લીધા, આમ પહેલી સફળતા હતી પણ ત્રીજી વ્યકિતની ઓળખ બાકી હતી, કિરણ અને દિપકે કબુલ્યુ કે તેઓ કેનાલ ઉપર લોકોને લુંટી લેતા હતા જો કે તેમણે કોઈને ચાકુ માર્યુ હોવાને ઈન્કાર કર્યો હતો., પોલીસે જયારે ત્રીજા સાથી અંગે પુછયુ તો અમદાવાદના વિપુલ પરમારનું નામ આવ્યુ ગાંધીનગર પોલીસે વિપુલને પણ આખરે શોધી કાઢયો વિપુલ અડાલજ અને અમદાવાદમાં ચાકુ માર્યુ હોવાની કબુલાત કરી હતી.

જો કે તેનો ઈરાદો તો માત્ર લુંટનો હતો જો પછી ચાકુ કેમ મારતો હતો તેવુ પોલીસે જયારે પુછયુ તો તેના જવાબ સાંભળી પોલીસ અધિકારી ચૌંકી ઉઠયા હતા, સૌથી પહેલા તે ચાકુ મારવાનો હોય ત્યારે પોતાના કોઈ સાગરીતને સાથે રાખતો ન્હોતો તેણે કહ્યુ કે કોઈ પણ પ્રેમ કરનાર યુગલને તે જુવે એટલે તેને ગુસ્સો આવતો હતો અને પછી તે ચાકુ મારી દેતો હતો, પોલીસે તેની માનસીક દશા તપાસતા ખબર પડી કે વિપુલની માતા તે નાનો હતો ત્યારે છોડી જતી રહી, તેના પિતાએ બીજા લગ્ન કર્યા અને સાવકી માતા ઘરમાં આવ્યા બાદ તેણે પણ એક બાળકને જન્મ આપ્યો, સાવકી માતા વિપુલ તરફ જરા પણ ધ્યાન આપતી ન્હોતી જેથી તે નારાજ હતો.



ત્યાર બાદ તેના લગ્નનો સમય આવ્યો તો વિપુલે શાદી ડોટ કોમ ઉપર નોંધણી કરાવી હતી જયાં એક યુવતીના પરિચયમાં આવ્યો અને છ મહિના સુધી તેમનો સંપર્ક રહ્યો, છ મહિના પછી તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યુ પણ તે પહેલા તે વિપુલના ઘરે આવી હતી, તે વખતે વિપુલની સાવકી માતાએ જે પ્રકારનો વ્યવહાર કર્યો તેનાથી ડઘાઈ યુવતીએ વિપુલને લગ્નનો ઈન્કાર કરી દીધો હતો જેનો મોટો આધાત વિપુલને લાગ્યો હતો એટલે તે પ્રેમ કરનાર યુગલને જોઈ ગુસ્સો ભરાતો અને પોતાનો કાબુ ગુમાવી બેસતો હતો, ગાંધીનગર પોલીસે વિપુલની હત્યા-હત્યાનો પ્રયાસમાં અને લુંટ કેસમાં ધરપકડ કરી છે જયારે તેના સાથીઓની લુંટના ગુનામં ધરપકડ કરી છે, જુઓ વિડીયો

- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular