નવજીવન ન્યૂઝ. સુરત: આમ આદમી પાર્ટીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી સુરતમાં ભાજપના કોર્પોરેટર ભ્રષ્ટચાર કરી રહ્યા હોવાના આક્ષેપ કરતા રાજકીય માહોલમાં ગરમી જોવા મળી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સુરતના એક મહિલા કોર્પોરેટર પોતાના વિસ્તારમાં જો કોઈને બાંધકામ કરવું હોય તો 40 હજાર રૂપિયાની માગણી કરે છે, તેવા આક્ષેપ આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે. તેમજ આ મામલે વીડિયો પુરાવા પણ મિડિયા સમક્ષ મુક્યા છે.

આ અંગે સુરત કોર્પોરેશનના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપના એક મહિલા કોર્પોરેટર છે જે પોતાના વિસ્તારમાં થઈ રહેલા બાંધકામ માટે લોકો પાસેથી પૈસા માગે છે. વિપક્ષ નેતાએ સુરતના વોર્ડનં 29ના કોર્પોરેટર વૈશાલી પાટિલના નામજોગ જણાવ્યું છે કે, કોઈને પણ બાંધકામ કરવું હોય તો 4 કોર્પોરેટરને 40 હજાર રૂપિયા એમ કૂલ દોઢ લાખ રૂપિયા આપવા પડશે તેવી માગણી વૈશાલી પટેલ અને તેમના પતિ દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબાતોનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કોર્પોરેટર સાથે અધિકારીઓને પણ પૈસા આપવાની વાત અંગે આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યા છે. કોર્પોરેશનના જનપ્રિતિનિધઓ લોકોને પ્રાથમિક સુવિધા અપાવાના બદલે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
ધર્મેશ ભંડેરીએ ઉમેર્યુ હતું કે, આ બાબત અંગે થોડા સમય પહેલા પીડિત વ્યક્તિએ મારી સમક્ષ વ્યથા રજૂ કરી હતી. તેમજ આ બાબતે પીડિતે એપ્રિલ મહિનામાં અમદાવાદ ACBમાં ફરિયાદ પણ કરી હતી. છતાં હજી સુધી કોઈ પણ એકશન લેવામાં આવ્યા નથી. તેના બદલે વિપક્ષના કોઈ નેતા હોય તો સામાન્ય ટ્વીટમાં પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમણે ભાજપ અને ACBને સવાલ કર્યા છે કે, આટલા ઠોસ પુરાવા છે તો પણ કાર્યવાહી કેમ થતી નથી. જે મામલે તપાસ થવી જોઈએ જો ACB ધારે તો દોષિત સામે કાર્યવાહી કરી શકે છે. પરંતુ આ મામલે ACBની પણ ઉદાસીનતા જોવા મળી રહી છે. તેમજ આ ઘટનાને લઈ SITની તપાસની માગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ઝીરો ટોલરન્સ નિતી અપનાવે છે. પાર્ટીએ પંજાબના ભ્રષ્ટા મંત્રીને પણ છોડ્યા નથી. તેમજ ભાજપના કોર્પોરેટર દ્વારા પૈસાની માગણી અંગેના વીડિયો પણ બતાવ્યા હતા. જે વીડિયોમાં કેટલાક કોર્પોરેટર જોવા મળ્યા હતા. આ બાબતે તેમણે ACBને પણ વીડિયો આપ્યા છે. જેની તપાસમાં ACBએ છટકું પણ ગોઠવ્યું હતું, પણ કોર્પોરેટર તેમજ મળતિયાને જાણ થઈ જતા તેઓ સાવચેત થઈ ગયા હતા. તેમણે બીજી તરફ ACB કામગીરી સામે પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, ACBના છટકાની જાણ તેમને કેવી રીતે થઈ ગઈ એ મોટો સવાલ છે. દોઢ મહિના પહેલા ફરિયાદનો જવાબ લખવામાં આવ્યો હતો, આટલા દિવસો વિતી ચૂક્યા છે છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, AAP પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનથી ઉભી થયેલી પાર્ટી છે. હાલ સુરતનો જે વીડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં ભાજપના કોર્પોરેટર દ્વારા પૈસાની માગણી કરવામાં આવી રહી છે. સિસ્ટમ જ આખી ફૂટી ગઈ છે, ACBના છટકાની જાણ અગાઉથી આરોપીને કેવી રીતે થાય એ પ્રશ્ન છે. અમે ACBમાં લેખિતમાં ફરિયાદ આપી છે. વીડિયો રૂપે પુરાવા પણ આપ્યા છે તો પણ ACBએ તપાસ નથી કરી. ACB પર ભાજપના કોઈ મોટા નેતાનું દબાણ છે. આવા ભ્રષ્ટાચારના રૂપિયાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ખરીદવામાં આવે છે, ભ્રષ્ટાચાર વગર ભાજપ સરકાર ચાલતી નથી. તેમજ આ કોર્પોરેટર સામે પાર્ટી સસ્પેન્ડ સુધીના પગલા લેશે કે નહીં તે અંગે ઈશુદાન ગઢવીએ ભાજપને સવાલો કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796