લતીફ ભાગ-1 : ત્યારે અમદાવાદની કાપડ મીલો ધમધમતી હતી, અમદાવાદમાં આવનાર તમામને રોટલો અને ઓટલો બંને મળી જતાં હતા. જેના કારણે કોઈને બીજો કોઈ વિચાર આવતો જ ન્હોતો,પણ અમદાવાદના દરિયાપુરમાં રહેનાર અબ્દુલ લતીફ (ABDUL LATIF )ના મનમાં સતત પૈસાદાર થવાનો વિચાર તેની રિક્ષા કરતા વધુ ઝડપે દોડતો હતો. હજી તેણે માંડ અઠાર વર્ષ પુરા કર્યા હતાં. તે મુળ અમદાવાદી હતો અને રિક્ષા ડ્રાઈવરી કરતો હતો. તેના કારણે શહેરના એક એક ખુણા અને ધંધાઓથી માહિતગાર હતો. એક દિવસ તેની નજર ઈદગાહબ્રીજ નીચે રોજ એકત્ર થતી ભીડ તરફ ગઈ, ભીડ વચ્ચે ખુરશી નાખી બેસતો માણસ અને તેના હાથમાં પૈસાની થપ્પીઓ રહેતી હતી, લતિફને પણ પોતાના હાથમાં આટલા જ પૈસા જોઈતા હતા. કદાચ અબ્દુલ લતિફને તે માણસ કરતા પણ વધુ પૈસાદાર થવું હતું.
વાત ઇ.સ. 1979ની છે. ઈદગાહબ્રીજ નીચે મંજુરઅલીનો ધંધો હતો. પોલીસ સાથે તેનો ઘરોબો સારો અને પોલીસને સારા એવા પૈસા પણ આપતો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સાથે હપ્તો નક્કી કરી જો ધંધો શરૂ કરવામાં આવે તો તેને સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેન્ડનો અર્થ પોલીસ તરફથી દારૂનો ધંધો કરવાનો મળેલો ગેરકાનુની પરવાનો, એક દિવસ લતીફ ( LATIF ) મંજુરઅલી પાસે પહોંચ્યો, મંજુરે તેને ઉપરથી નીચે જોયો અને કહ્યું “આજ સે કામ શુરૂ કર દે”. અબ્દુલ લતીફનું આ દારૂના ધંધામાં પહેલું પગથીયું હતું. મંજુરઅલીના સ્ટેન્ડ ઉપર આવતા દારૂ ખરીદનારને દારૂ આપવાની તેની નોકરી હતી. લતીફ જન્મે ભલે મુસ્લિમ હતો, પણ તેનું મગજ ખરેખર વાણીયાને ટપી જાય તેવું વેપારીનું હતું. તે ખરેખર તો દારૂના ધંધાને સમજી રહ્યો હતો. આ ધંધામાં વર્ષો સુધી કામ કરનાર જેટલુ દારૂને સમજી શકે તેના કરતા વધુ લતીફ ( LATIF ) સમજી ગયો હતો. ગુજરાત બહારથી આવતા દારૂનો રૂટ, પોલીસના હપ્તા, સ્થાનિક નેતાઓ સાથે દોસ્તી વગેરે વગેરે બાબતનું નેટવર્ક તેને સમજાઈ ગયુ હતું.
લગભગ એકાદ વર્ષ જ તેણે મંજુરઅલીને ત્યાં નોકરી કરી અને ત્યાર બાદ તેણે ખુબ જ નાના પાયે દારૂના ધંધામાં ઝંપલાવ્યું. રોજ બે-પાંચ બોટલ દારૂ વેચી ખાતો હતો, જો કે દારૂમાં તગડો નફો હોવાને કારણે તે પોતાના પગાર કરતા તો ઘણુ વધારે કમાતો હતો. ગુજરાતને બાદ કરતા જે રાજયમાં દારૂબંધી નથી, તેવા રાજયમાં કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરે તો તેને વેપારી કહેવામાં આવે છે, પણ ગુજરાતમાં કાયદો મંજુરી આપતો નથી માટે તેને બુટલેગર ગણવામાં આવે છે. લતીફને સમજાઈ ગયુ હતું કે પોલીસના ચોપડે ભલે તેનું નામ બુટલેગર તરીકે નોંધાય પણ આ બે નંબરના ધંધાને વેપાર સમજવો જોઈએ અને પોતાનો વ્યવહાર પણ વેપારી જેવો જ હોવો જોઈએ. ધીરે ધીરે દારૂના ધંધાની પકડ આવતી ગઈ અને તેણે દરિયાપુરમાં તેના ઘરની પાસે દારૂનું સ્ટેન્ડ પોલીસ સાથે ગોઠવી શરૂ કરી દીધુ. તેની પાસે ખાસ જગ્યા પણ ન્હોતી અને દારૂની ટ્રક આવે તો તેને મુકવા માટે ગોડાઉન પણ ન્હોતુ. પણ મેં કહ્યુ તેમ તેનું મગજ વેપારી જેવું ચાલતું હતું. પહેલા તો તેણે પોતાના ઘંઘામાં સ્થાનિકોને નોકરી આપવાની શરૂઆત કરી. જેના કારણે અનેક લોકોના ઘર ચાલવા લાગ્યા એટલે ધંધો દારૂનો હોવા છતાં અન્ય ઘરનો ચુલો તેના કારણે સળગતો હોય તો તેનો વિરોધ કરવાનો સવાલ જ ન્હોતો.
આજુબાજુના સામાન્ય માણસના જે મકાનો હતા તેનો ઉપયોગ તે ગોડાઉન તરીકે કરવા લાગ્યો. દારૂ ભરેલી ટ્રક દરિયાપુરમાં આવે એટલે મિનીટોમાં ખાલી થઈ જતી હતી. ત્યાં રહેનાર સ્થાનિકો આવી 2-2 પેટી પોતાના ઘરે લઈ જાય અને તે પેટે લતીફ તેમને એકસો રૂપિયા રોજના આપતો હતો. તે જમાનામાં એકસો રૂપિયા રોજના બહુ મોટી રકમ હતી. સામાન્ય રીતે દારૂનો ધંધો કરનારને લોકો તીરસ્કારતા હોય છે. અબ્દુલ લતીફના કિસ્સામાં તે ઉલ્ટુ હતું. સ્થાનિકો માટે એક મસિહા હતો, જે રોજ-બરોજની તેમની જરૂરીયાત ઉપરાંત સારા માઠા પ્રસંગો સાચવી લેતો હતો. કદાચ આ લોકોએ જ તેને ભાઈ તરીકે સંબોધવાની શરૂઆત કરી હતી.
(ક્રમશ:)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








