Supreme Court on PIL of Sucheta Dalal: સુપ્રીમ કોર્ટે શુક્રવારે નાણાકીય પત્રકાર સુચેતા દલાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)નો નિકાલ કર્યો હતો. આ અરજીમાં બેંકમાં જમા રકમ, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જેવી બિનદાવેદાર નાણાકીય સંપત્તિઓ શોધવા અને તેના પર કાનૂની વારસદારો પોતાનો દાવો કરી શકે તે માટે સત્તાધિકારીઓને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે અનેક વહીવટી અને નિયમનકારી પગલાં લેવામાં આવ્યાં છે. તેથી હવે આ મામલે અદાલતના વધુ કોઈ નિર્દેશની જરૂર નથી.
સાથે જ ખંડપીઠે જાહેર હિત સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાને ઉઠાવવા બદલ સુચેતા દલાલની પ્રશંસા કરી હતી. અદાલતે આ અરજીને જાહેર હિતની અરજીના જવાબદાર ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. અરજીકર્તા તરફથી દલીલો રજૂ કરનાર એડવોકેટ પ્રશાંત ભૂષણની પણ ખંડપીઠે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે ઉત્સાહ તથા સમર્પણ સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
ખંડપીઠે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી કોઈ વ્યક્તિગત લાભ માટે શરૂ કરવામાં આવી નહોતી, પરંતુ અસંખ્ય થાપણદારો, રોકાણકારો અને તેમના કાનૂની વારસદારોના નાણાકીય હિતોનું રક્ષણ કરવાના હેતુથી કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને બિનદાવેદાર નાણાકીય સંપત્તિઓ શોધવામાં અને પાછી મેળવવામાં પડતી મુશ્કેલીઓ તરફ અરજીકર્તાએ સતત ધ્યાન દોર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા યોગ્ય હતા અને તેના ઉકેલ માટે સંસ્થાકીય સ્તરે પગલાં લેવામાં આવ્યાં તે જાહેર હિતની અરજીના જવાબદાર ઉપયોગને દર્શાવે છે.
જોકે, ખંડપીઠે એ પણ નોંધ્યું હતું કે અરજીમાં ઉઠાવવામાં આવેલી મુખ્ય ચિંતાઓનું મોટાભાગે નિરાકરણ પ્રતિવાદી સંસ્થાઓ એટલે કે SEBI, RBI અને આર્થિક બાબતોના વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાંથી થઈ ગયું છે. અદાલતે આ સંસ્થાઓ દ્વારા સોગંદનામામાં આપવામાં આવેલા નિવેદનો અને ખાતરીઓને રેકોર્ડ પર લીધાં હતાં. સાથે જ આશા વ્યક્ત કરી હતી કે સંબંધિત સત્તાધિકારીઓ બિનદાવેદાર નાણાકીય સંપત્તિઓ શોધવા અને પાછી મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે પ્રયાસો ચાલુ રાખશે.
અદાલતે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ લેવામાં આવેલા નિયમનકારી પગલાંની દેખરેખ રાખવા માટે આ અરજીને વધુ સમય સુધી પડતર રાખવાનો કોઈ આધાર નથી. બિનદાવેદાર નાણાકીય સંપત્તિઓને લગતી કોઈ ચોક્કસ ફરિયાદ હોય તો સંબંધિત વ્યક્તિ કાયદા મુજબ સક્ષમ સત્તાધિકારીનો સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 17 નવેમ્બરે જ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જેનો નિકાલ શુક્રવારે કરવામાં આવ્યો હતો.








