Friday, November 27, 2026
HomeGujaratગૃહમંત્રી આ હાલતમાં ના હોત તો બાહોશ DIG એ કચકચાવીને લાફો ઘસી...

ગૃહમંત્રી આ હાલતમાં ના હોત તો બાહોશ DIG એ કચકચાવીને લાફો ઘસી દીધો હોત પણ… | શતરંજ-102

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-102, નવજીવન ન્યૂઝ): બીજા દિવસે સવારે વિવેક પંત ઊઠ્યા ત્યારે તેમનો મૂડ બહુ સારો હતો. રાતે આદેશ સાથે વાતો કરવાની ખૂબ મજા આવી. ઘણું મોડું પણ થઈ ગયું હતું. ખબર નહીં કેટલા વાગ્યા હશે, પણ પંતને યાદ આવ્યું કે, મોડું થયું હોવાને કારણે તેમણે આદેશને કહ્યું હતું કે “ઘરે જઈ મને એક મિસ્ડ કૉલ કરી દેજે.” જોકે પછી તો ખુદ પંતને પણ ઊંઘ આવી ગઈ હતી. પંતે પોતાનો મોબાઇલ ફોન લઈ ચેક કર્યો હતો તો આદેશનો મિસ્ડ કૉલ હતો. પણ તેનો સમય જોતાં બોલાઈ ગયું, “અરે બાપ રે, કૉલટાઇમ સવારના પોણા ચારનો હતો! જો ચાર વાગે સૂઈ ગયા તો અત્યારે કેટલા વાગ્યા હશે તે જોવા તેમણે પોતાના મોબાઇલ ફોનની ઘડિયાળ ચેક કરી. બપોરના બાર વાગી રહ્યા હતા. પંત આટલા મોડા સુધી ભાગ્યે જ સૂતા હતા. નાઇટ ડ્યૂટી કરી હોય તો પણ નવ-દસ વાગે ઊઠી જતા. જોકે ઘરમાં આજે તેમને ઉઠાડનાર કે ઠપકો આપનાર પણ કોઈ ન હતું, નહિતર ગામ ભલે પંતથી ધ્રૂજતું હોય પણ પંત ઉપર તેમની પત્નીનો બરાબરનો કંટ્રોલ હતો. જો તે પિયર ના ગઈ હોત તો મહેફિલ પણ શક્ય ન હતી!

પંત ઉતાવળે બેડમાંથી ઊભા થયા અને સીધા બાથરૂમમાં જતા રહ્યા. પંતની સરકારી કાર સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં દાખલ થઈ ત્યારે તેમણે પોતાની કાંડા-ઘડિયાળ તરફ નજર કરી તો દોઢ વાગી રહ્યો હતો. ઑફિસમાં પણ ઘણાં કામ પેન્ડિંગ હતાં. તે ઉતાવળા ઑફિસમાં દાખલ થયા. પોતાની ચેમ્બરમાં જતાં પહેલાં તેમણે પટાવાળાને સૂચના આપી, “પરમાર કો બુલવા લો.” પોતાની ખુરશીમાં બેસી પાણી પીતા હતા ત્યારે જ પરમાર ચેમ્બરમાં દાખલ થયા. પરમારે જોયું કે સાહેબની આંખો હજી પણ લાલ છે. જોકે આંખો લાલ રહેવાનું અને મોડા આવવાનું કારણ પરમારને સમજાઈ ગયું હતું. પંતે કહ્યું, “બૈઠો પરમાર, કુછ ઇમ્પૉર્ટન્ટ બાતેં કરની હૈ. કલ ઇકબાલ આયા તો ઉસને કુછ અચ્છી જાનકારી દી હૈ, ઔર વહ સરકારી ગવાહ બનને કો તૈયાર હૈ. લેકિન યહ બાત તુમ્હારે તક હી રખના. કહીં બાત બિગડ ન જાયે… વરના ઇકબાલ પે પ્રેશર બઢ જાયેગા. પહલે એક કામ કરો… રાજસ્થાન પુલિસ કા એક આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર હૈ. ક્યા નામ ઉસકા?” કહી તેમણે ડાયરીમાં ટપકાવેલી નોંધ વાંચી અને પછી કહ્યું, “હા એએસઆઇ કાનજી… ઉસે સમન્સ કરો.” તેમણે કાનજીનું નામ ઉમેર્યું અને પછી વિચાર કરવા લાગ્યા. તેમના ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંય કાનજીનો ઉલ્લેખ આવતો ન હતો તો પછી કાનજી કોણ હતો? પરમારને વિચાર કરતાં જોઈ પંતે કહ્યું, “બહુત સોચતે હો પરમાર, ઇતના મત સોચો, જો ભી હૈ મૈં તુમ્હેં બતાઉંગા, લેકિન અભી ઉસકો સમન્સ તો કર દો.” પરમાર સલામ કરી નીકળ્યા.

- Advertisement -

પરમાર અડધો કલાક પછી કોઈ કામ માટે આવ્યા તો પંતના પટાવાળાએ જવાબ આપ્યો, “સાહેબ તો નીકળી ગયા. “પરમારને આજે સાહેબનો વ્યવહાર બહુ વિચિત્ર લાગતો હતો. ઑફિસ પણ મોડા આવ્યા. ખાસ કોઈ વાત કરી નહીં. ‘કાનજી કોણ છે તે અંગે પણ પછી કહીશ’ તેવું કહ્યું અને કોઈ પણ વાત કર્યા વગર જતા રહ્યા. ક્યાં ગયા હશે! આમ તો પરમારને કોઈ અગત્યનું કામ ન હતું, પણ કામના બહાને તે વાત કરવા માગતા હતા. તેમણે પંત સાહેબનો ફોન ડાયલ કર્યો, પણ આશ્ચર્ય વચ્ચે ફોન સ્વિચ ઑફ હતો. સાહેબનો ફોન સ્વિચ ઑફ હોય તેવું ક્યારેય બન્યું ન હતું. પણ કોઈને કલ્પના પણ ના આવે તેવી વ્યક્તિને મળવા પંત પહોંચી ગયા હતા. પંતની સરકારી કાર ગાંધીનગર મિનિસ્ટર ઍન્કલેવમાં દાખલ થઈ. પંતે અમર ઠાકોરની નેમ પ્લેટ વાંચતાં કાર ઊભી રખાવી. કારમાંથી ઊતરી પંત સીધા બંગલામાં દાખલ થયા. સંત્રીએ સલામી આપી અને મંત્રીના અંગત સચિવે પંતને જોતાં આવકાર આપ્યો. પંત ક્યારેય અમર ઠાકોરના બંગલે હોઈ શકે તેવું કોઈ માનવા તૈયાર ન હતા. અગાઉથી સમય લઈ પંત આવ્યા હોવાને કારણે સચિવ તેમને સીધો અમરના બેડરૂમ સુધી લઈ ગયો. અમર ઠાકોરને હજી બેડરેસ્ટ હતો. પંતને જોતાં અમરે પથારીમાં પડ્યા પડ્યા જ નમસ્કાર કર્યા. જોકે પંત પોતાના નામ પ્રમાણે જ વિવેક ચૂક્યા નહીં. તે તેમના ગૃહ રાજ્યમંત્રી હતા, એટલે તે સલામના હકદાર હતા. પંતે તેમને સલામ કરી, અમરે તેમને બેસવાનો ઇશારો કર્યો. જોકે એકાદ ક્ષણ બંને વચ્ચે શું વાત કરવી તે પ્રશ્ન હતો, કારણ કે બંનેને બાપે માર્યાં વેર હતાં. અમરે રૂમમાં રહેલા મેડિકલ ઍટેન્ડન્ટ સામે જોયું. તે સમજી ગયો. તે ઊભો થઈ બહાર જતો રહ્યો.

હવે રૂમમાં પંત અને અમર બે જ હતા. પંતે અમર સામે જોતાં પૂછ્યું, “અબ કૈસી તબિયત હૈ મંત્રીજી?” અમરે એક પણ શબ્દ બોલ્યા વગર હાથના ઇશારે આરામ હોવાનું જાણાવ્યું. પંતે કહ્યું, “બૂરા નહીં માને તો મંત્રીજી, આપ સે મેરી યહ સલાહ હૈ, થોડા વેઇટ કમ કરો.” તે જ વખતે પંતે મંત્રીના આખા શરીર ઉપર એક નજર કરી લીધી. જાણે પલંગમાં હિપોપૉટેમસ પડ્યો હોય તેવું લાગતું હતું. જોકે અમર સાથે વાત કરતાં પંતે જે નજરે અમરના આખા શરીર ઉપર નજર ફેરવી તે અમરને ગમી ન હતી. પણ કરી પણ શું શકે, માત્ર હસીને પંતની વાતમાં હકારમાં માથું હલાવ્યું. તેવામાં બંગલાનો મહારાજ ચા આપી ગયો. જોકે અમર માટે પણ પંત તેની ખબર જોવા આવશે તે વાત હજમ થતી ન હતી. સવારે અંગત સચિવે પંત મળવા માગે છે તેવી મંજૂરી માગતા અમરને પણ આશ્ચર્ય થયું હતું. પંત ખરેખર તબિયત જોવા માટે આવતો હશે કે બીજું કોઈ કારણ હશે, તેવો પ્રશ્ન પણ મનમાં ઊઠ્યો હતો. પંતની પ્રામાણિકતા સાથે પંતનું સ્વાભિમાન પણ એટલું જ ઊંચું હતું. અમર ઠાકોરની સરકાર આટલાં વર્ષોથી હોવા છતાં પંત પોતાના પૉસ્ટિંગ માટે ક્યારેય કોઈ મંત્રી કે ધારાસભ્યને મળ્યા ન હતા. અમર માટે આ પહેલો બનાવ હતો કે, પંત સામે ચાલી તેમને મળવા માટે આવ્યા હતા. પંત પહેલાં ઘણાબધા સિનિયર પોલીસ-અધિકારીઓ તબિયત જોવાના બહાને અમર ઠાકોરને મળવા માગતા હતા, પણ અંગત સચિવ ‘ડૉક્ટરે ના પાડી છે’ તેમ બધાને કહી દેતો હતો, પણ પંત અમર માટે આ બધા કરતાં અપવાદ હતા. અમરને ખબર હતી કે, પંત ચાપલૂસોની ટોળીમાં ક્યારેય હોઈ શકે નહીં. પંત દુશ્મન હોવા છતાં તેની તાકાતની અમરને ખબર હતી.

અમર ઠાકોરનું શરીર ભલે પથારીમાં હતું, પણ તેનું રાજકારણી મગજ હજી પણ રમતો કરતું હતું. પંત સામે ચાલીને મળવા આવ્યા, તેનો અર્થ એ કે પંત નરમ પડ્યા હોવાનું અમર માની રહ્યો હતો. જોકે તેમને પોતાને પણ ખબર હતી કે પંત અંગે કરેલી કોઈ પણ ધારણા ખોટી પડી શકે છે. તેમ છતાં ઘરે આવેલા પંતને પારખ્યા વગર જવા દેવા જોઈએ નહીં તેવું લાગ્યું. પંત ચા પી રહ્યા હતા. અમર તેમને ધ્યાનથી નીરખી રહ્યો હતો. મનમાં લાગતું હતું કે આ માણસની તાકાત ખરેખર અંદરની છે, તેના ચહેરા ઉપર ડર અને લાલસા નજરે જ પડતાં નથી. કઈ રીતે વાતની શરૂઆત કરવી તેનો અમર વિચાર કરી રહ્યો હતો. જોકે મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતાના આવા અનેક ટાસ્ક અમરે પાર પાડ્યા હતા. જે લોકો સરકાર સાથે વાત કરવા સુધ્ધાં તૈયાર ના હોય તેમને મનાવી લેવામાં અમર માહિર હતો, પણ પંતનો કિસ્સો જુદો હતો. હમણાં જેમને મનાવ્યા અથવા હરાવ્યા, તેઓ સ્વાર્થી, ડરપોક, લાલચુ અને બ્લૅક મેલર હતા, જે પૈકી પંતમાં આવાં કોઈ કારણો નહોતાં. અમર માનતો કે આપણે હારી જઈશું તેવું માની શરૂઆત જ ના કરી, તો રમતમાં ઊતરતાં પહેલાં જ હારી જઈશું. હારી જવાની બાજી પણ છેલ્લી ઘડીએ જીતમાં બદલાઈ જતી હોય છે તેવો ખોટો પણ ગજબનો આત્મવિશ્વાસ અમરમાં હતો.

- Advertisement -

અમરે સમયની તક ઝડપી. ડૉક્ટરે વાત કરવાની ના પાડી હતી તેમ છતાં અમરે પંતને પૂછ્યું, “પંત, કહાં પૉસ્ટિંગ ચાહિયે?” પંતના હાથમાં રહેલો ચાનો કપ નીચી મુકાઈ ગયો. પંત હસ્યા અને ધીમા અવાજે કહ્યું, “સર, અભી બાત મત કીજિયે, ડૉક્ટરને મના કિયા હૈ.” પંત અમરનું અપમાન કરવા માગતા ન હતા, પણ પંતે જે રીતે જવાબ આપ્યો તે સાંભળી અમરને લાગ્યું કે, તે તેનું અપમાન કરી રહ્યા છે. પોસ્ટિંગ લેવા માટે બહાર સિંહ જેવી ગર્જના કરતા પોલીસ-અધિકારી અમરની ચેમ્બરમાં પટ્ટા બાંધેલા કૂતરાની જેમ ઊભા રહેતા, જ્યારે પંતને અમર સામે ચાલી પોસ્ટિંગની વાત કરતો હતો.

અમરથી બોલાતું ન હતું છતાં તાકાત ભેગી કરી પૂછ્યું, “બોલો વડોદરા-રાજકોટ કા કમિશનર બનના હૈ? અમદાવાદ કા જૉઇન્ટ સીપી ક્રાઇમ ચાહિયે?” પંત શાંત થઈ ગયા, તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમને લાગ્યું કે, જો તે અમરના ઘરમાં ના હોત અને તેમની તબિયત સારી હોત તો કચકચાવી લાફો મારી દેતો. પણ પંતે પોતાના ઉપર કાબૂ રાખ્યો. પંતને શાંત જોઈ અમરનું માથું ફાટી રહ્યું હતું. તેનો શ્વાસોશ્વાસ વધી રહ્યો હતો. તેમણે ફરી કહ્યું, “પંત બોલો ક્યા ચાહિયે તુમ્હેં? ક્યોં હમેં બરબાદ કરને કો તુલે હો? પોસ્ટિંગ ચાહિયે? પૈસા ચાહિયે? ક્યા ચાહિયે? કુછ તો બોલો, તુમ્હારા પ્રૉબ્લેમ ક્યા હૈ?” અમરનો ઊંચો અવાજ સાંભળી રૂમમાં તેમનો અંગત સચિવ અને મેડિકલ ઍટેન્ડન્ટ દોડી આવ્યા. પંતે તેમને બંનેને કહ્યું, “મૈં ચલતા હૂં. સા’બ કા ખ્યાલ રખના.” પંત કંઈ પણ જવાબ આપ્યા વગર ઉતાવળે બંગલાની બહાર નીકળ્યા. પોતાની સરકારી કારમાં બેસતી વખતે તેમણે કારનો દરવાજો એટલો જોરથી ખેંચી બંધ કર્યો કે, તેમના ડ્રાઇવર અને ગનમૅનને ખ્યાલ આવી ગયો કે અંદર કંઈક ગરમાગરમી થઈ છે. તેમણે કારને સીધી સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં લઈ લેવાની સૂચના આપી.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular