Aravali news Bhiloda accident જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામ નજીકથી પસાર થતી હાથમતી નદી નજીક અર્ટિગા કાર આગમાં ખાખ થયેલી અને કારની અંદરથી શંકાસ્પદ માનવ કંકાલ મળી આવતા ભારે ચકચાર મચી હતી. અર્ટિગા કાર ભિલોડાના ઝીંઝોડી ગામના અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની હોવાની વાત બહાર આવતા પોલીસબેડામાં ચકચાર મચી હતી. ભિલોડા પોલીસ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી શંકાસ્પદ માનવ કંકાલના નમૂના લઈ તપાસ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડા તાલુકાના ઝીંઝોડી ગામના અને વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અશ્વિન બાબુભાઈ તબિયાડ ત્રણ દિવસ અગાઉ રાત્રે અર્ટિગા કાર લઈને નીકળ્યા હતા. જેના પછી તેમની કાર નવા વર્ષના દિવસે પાદરા ગામ નજીક પસાર થતી હાથમતી નદીના કિનારે સળગેલી હાલતમાં હોવાની જાણ પોલીસકર્મીના પરિવારજનોને કરવામાં આવી હતી. જેની જાણકારી મળતા જ તાબડતોબ તેઓ સ્થળ પર દોડી પહોંચ્યા હતા. કારની અંદર શંકાસ્પદ રીતે આગમાં ખાખ થયેલું માનવ કંકાલ મળી આવતા પરિવારજનોના હોશકોશ ઉડી ગયા હતા. પાદરા ગામના સરપંચ અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ભિલોડા પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી હતી. અર્ટિગા કારમાંથી મળી આવેલું માનવ કંકાલ પોલીસકર્મી અશ્વિનભાઈ તબીયાડનું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે ફોરેન્સીક તપાસ દ્વારા પોલીસ આ બાબતની સચોટ માહિતી એકત્રિત કરવામાં છે. હાલ તો પરિવારજનો માથે આ સ્થિતિમાં પોતાના સ્વજન છે કે કેમ તેને લઈને ભારે ચિંતાનો માહોલ છે.
ભિલોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બારીયા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી સેફએસએલની ટીમને જાણ કરતા તે પણ સ્થળ પર પહોંચી શંકાસ્પદ માનવ કંકાલના નમૂના લઈ ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથધરી ઝીંઝોડી ગામના બાબુભાઈ મરતાભાઈ તબીયાડની જાણવાજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.








