Religious Tilak and Chandlo on forehead reaches the UK High Court : યુકે હાઇકોર્ટમાં ધર્મના પ્રતિકને દર્શાવવા મામલે એક કાનૂની લડાઈ શરૂ થઈ છે. 9 વર્ષના બ્રિટિશ હિન્દુ છોકરાના કપાળ પર તિલક (ચંદનના લાકડાના પેસ્ટથી બનેલું U-આકારનું ચિહ્ન, મધ્યમાં લાલ કુમકુમ ટપકું) નહીં લગાવવાનો આદેશ ભારે વિવાદમાં આવ્યો છે. જેની સામે બાળકના પિતાએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે. પિતાએ તેમના પુત્રની ભૂતપૂર્વ પ્રાથમિક શાળા સામે ધાર્મિક ભેદભાવ અને ઉત્પીડનનો આરોપ લગાવી 25 હજાર પાઉન્ડ (31 લાખ રૂપિયા) નો વળતર દાવો દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે શાળાએ તેમના પુત્રને કપાળ પર “તિલક-ચાંદલો” કરવાની મંજૂરી નહીં આપતા વિવાદ (Tilak-Chandlo Controversy) સર્જાયો હતો. અત્રે નોંધનીય છે કે આ ઘટનાએ બ્રિટિશ શિક્ષણ પ્રણાલીમાં ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા છે.
બ્રિટનમાં 10 લાખ જેટલા હિન્દુઓ વસવાટ કરી રહ્યા છે અને તેમાંથી કેટલાંક પરિવારો સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday) માં માને છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા આવા જ એક પરિવારના 9 વર્ષીય બાળકને પશ્ચિમ લંડનમાં વિકર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલ (Vicar’s Green Primary School) માં તિલક કરીને આવવા પર અટકાવવામાં આવ્યો હતો. વર્ષ 2021થી બાળક તેના કપાળ પર તિલક લગાવતો આવ્યો છે. કોર્ટ દસ્તાવેજો અનુસાર પરિવારનો આરોપ છે કે શાળાએ વર્ષ 2025ના અંતમાં તિલક સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આરોપ છે કે બાળકને વારંવાર તેના ધર્મ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. સ્કુલ કાઉન્સિલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો
પરિવારે સમાનતા અધિનિયમ 2010 હેઠળ ધાર્મિક ભેદભાવ અને માનવ અધિકાર અધિનિયમ 1998 હેઠળ તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કેસમાં આશ્રય કાયદા દ્વારા તેમનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે, અને એક્શન ફોર હાર્મની સંસ્થા દ્વારા તેમને ટેકો આપવામાં આવ્યો છે. માતાપિતા કહે છે કે આખી ઘટનાએ તેમના બાળકને તણાવમાં મૂકી દીધો હતો. જેના કારણે તેને શાળા છોડવાની ફરજ પડી હતી.








