Mother and son killed after a drunk car driver causes an accident in Ahmedabad : પૂર્વ અમદાવાદમાં સોમવારે રાતે સલમાન ખાનવાળી થઈ છે. નિકોલ વિસ્તારમાં 2 નવેમ્બરની રાતે પૂરઝડપે આવેલી ફોર્ચ્યુનર કાર ફૂટપાથ પર ફરી વળતા બે મહિલા સહિત 4 લોકોને કચડી નાંખ્યા હતા. જે પૈકી માતા-પુત્રનું મોત નિપજ્યું છે. આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. અકસ્માત સર્જનારી કારમાંથી બિયરના ટીન મળી આવ્યા છે. દારૂ ઢીંચીને ગમખ્વાર અકસ્માત સર્જનાર 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી સામે અમદાવાદ ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે નિકોલ પોલીસે (Nikol Police) કારમાંથી મળી આવેલા બિયરના ટીન અંગે અલગથી પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
દિવાળીના તહેવારો ટાણે પેટીયું રળવા માટે ફૂટપાથ પર ધંધો કરતા લોકો પર સોમવારે રાતે એક કાર ફરી વળી હતી. નિકોલની અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કુલ પાસે બેફામ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકો કાર નીચે કચડાઈ ગયા હતા. એક યુવક કારના ટાયર નીચે દબાઈ ગયો હોવાથી એકઠાં થયેલા લોકોએ ફોર્ચ્યુનરને ઉંચી કરીને ગંભીર રીતે ઘાયલ યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પૂનમબહેન જીતેન્દ્રભાઈ નગવાડીયા (ઉં.30) અને પૂનમબહેનના 15 વર્ષીય સાગર (રહે. ઇશ્વરબાગ સોસાયટી, અર્બુદાનગર, ઓઢવ) નું મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કાર્તિક અશોકભાઈ વસોયા (ઉં.34) અને કાર્તિકભાઈના પત્ની સ્નેહલબહેન (ઉં.34 બંને રહે. શાશ્વત રેસીડન્સી, કેળવણી ધામની બાજુમાં નિકોલ) ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આઈ ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે વિરલ સવજીભાઈ ચૌધરી (રહે.મ.નં. એ/૬૦૨ શિવાલય હાઈટસ, સોમેશ્વર મહાદેવ મંદીર પાસે, નાના ચિલોડા) સામે ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.








