Xavier Niel Gets Vodafone Stake : ભારતીય સ્પર્ધા આયોગે (Competition Commission of India) ફ્રાન્સના ઉદ્યોગપતિ ઝેવિયર નીલને વોડાફોન ગ્રુપમાં 16.2 ટકા હિસ્સો ખરીદવા મંજૂરી આપી દીધી છે. ફ્રાન્સના ટેલિકોમ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવવા માટે જાણીતા ઝેવિયર નીલ (Xavier Niel) વિશ્વના 211મા સૌથી ધનિક વ્યક્તિ રૂપિયા 1.33 લાખ કરોડની સંપત્તિના માલિક છે. ઝેવિયર નીલની કંપની Vega SAS (વેગા એસએએસ) ની ભારતમાં સીધી કોઈ વ્યાવસાયિક હાજરી નથી. વોડાફોનમાં હિસ્સેદારી ખરીદવાથી નીલની ભારતમાં એન્ટ્રી થશે.
વિશ્વના સૌથી પ્રભાવશાળી ટેક્નોલોજી ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થાય છે તેવા ઝેવિયર નીલનો ટેલિકોમ નેટવર્ક બિઝનેસ ફ્રાન્સ ઉપરાંત પોલેન્ડ, ઇટાલી અને આયર્લેન્ડ સહિત અનેક દેશોમાં ફેલાયેલો છે. માત્ર 25 વર્ષની ઉંમરે વર્ષ 1993માં ફ્રાન્સના પ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક કંપની ‘વર્લ્ડનેટ’ની સ્થાપના કરી હતી. વર્ષ 2000માં એટલે કે 7 વર્ષ બાદ આ કંપની અંદાજે 50 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી. ત્યારબાદ તેમણે ટેલિકોમ ગ્રૂપ ‘ઇલિયાડ’ (Iliad) ની સ્થાપના કરી અને તેના હેઠળ ‘ફ્રી’ બ્રાન્ડ શરૂ કરી હતી. વર્ષ 2002માં ઝેવિયર નીલે જાણીતી ‘ફ્રીબોક્સ’ (Freebox) સેવા રજૂ કરી હતી, જેણે મલ્ટી-સર્વિસ બ્રોડબેન્ડ ક્ષેત્રનો ચહેરો બદલી નાંખ્યો હતો. વર્ષ 2012માં તેમણે ફ્રાન્સમાં ખૂબ જ ઓછા દરે અનલિમિટેડ કોલિંગ અને ડેટા સેવાઓ આપતી ‘ફ્રી મોબાઇલ’ (Free Mobile) નામની કંપની શરૂ કરી મોબાઇલ માર્કેટમાં મોટું પરિવર્તન લાવ્યા હતા.
ઝેવિયર નીલે ટેલિકોમ નેટવર્કનો વિસ્તાર ઇટાલી (Iliad Italia), પોલેન્ડ અને આયર્લેન્ડ સુધી કર્યો હતો. વર્ષ 2014માં તેમણે 2.9 અબજ ડૉલરમાં ‘ઓરેન્જ સ્વિટ્ઝર્લેન્ડ’નું અધિગ્રહણ કરીને તેનું નામ બદલીને ‘સોલ્ટ’ (Salt) રાખ્યું હતું. આ ઉપરાંત તેમની પાસે ‘મોનાકો ટેલિકોમ’ની માલિકી પણ છે. વ્યવસાય ઉપરાંત ઝેવિયર નીલ યુવાનો અને નવા ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માટે પણ જાણીતા છે. તેમણે પેરિસમાં ‘સ્ટેશન એફ’ (Station F) ની સ્થાપના કરી છે. આજે તેને વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર કેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોડિંગ અને સોફ્ટવેર એન્જિનિયરિંગનું શિક્ષણ દરેક વર્ગના લોકો સુધી પહોંચાડવાના હેતુથી તેમણે ‘École 42’ નામની નિઃશુલ્ક કોડિંગ સંસ્થા શરૂ કરી છે.








