પ્રશાંત દયાળ (શતરંજ-78, નવજીવન ન્યૂઝ): ડીઆઇજી અક્ષય જૈન સ્ટેટ રિપોર્ટની ફાઈલ લઈ બેઠા. આ સ્ટેટ રિપોર્ટ ડીઆઇજી વિવેક પંતે પોતાની બદલીના દિવસે જ તૈયાર કર્યો હતો. પંત અને જૈનને ઊભા રહે બનતું ન હતું, કારણ કે જૈન કોઈ પણ સરકાર આવે તેની સાથે જ રહેવાનું પસંદ કરતા હતા, જ્યારે પંતને સરકારમાં કોણ બેઠું છે તેની ક્યારેય દરકાર ન હતી. જૈન આખો રિપોર્ટ વાંચી ગયા. કંઈક વિચાર કરી ફરી વાંચવા બેઠા. તેમણે એક એક પૅરેગ્રાફ ફરી ધ્યાનથી વાંચ્યો. તેમને લાગ્યું કે પંત ગજબનું કામ કરી રહ્યા છે, એક પણ અક્ષરના સુધારાનો અવકાશ ન હતો. જૈન તેમને વ્યક્તિગત રીતે ધિક્કારતા હોવા છતાં પંતનું કામ અને તેમની હિંમતનો કોઈ વિકલ્પ નથી તેવું તેમને લાગતું હતું. છેલ્લા એક કલાકથી વિનોદ પરમાર એક પણ શબ્દ બોલ્યા વગર જૈનની સામે બેઠા હતા. ફાઈલ બંધ કરતાં જૈને કહ્યું, “પરમાર, સચ કહૂં તો મુઝે વિવેક અચ્છા આદમી લગતા હૈ. હા, ઉસકી કુછ લિમિટેશન… લેકિન વહ તો સબ મેં હોતી, થોડા જિદ્દી ભી. લેકિન મેં ચાહક ભી ઉસકી ફાઈલ નોટિંગ મેં કુછ કર સકતા નહીં.” પરમારને પણ મનોમન પંત સાહેબ માટે માન થયું. જૈને કહ્યું, “દેખો પરમાર, વિવેકને જો કિયા ઉસમેં કુછ નહીં કરના હૈ, સિર્ફ હમને જો તીન અરેસ્ટ કી હૈ, વો પૅરેગ્રાફ ઍડ કર દો, ઔર ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ હૈ, યહ બતાકર રિપોર્ટ સુપ્રીમ કોર્ટ કે લિયે ભેજ દો.” પરમાર ‘સર’ કહી ફાઈલ લઈ બહાર નીકળ્યા.
ક્રાઇમ-બ્રાન્ચના ડીસીપી તરીકેનો હવાલો મળ્યા પછી ઇન્દ્રસિંહના ચહેરા ઉપર જે આનંદ હતો તે ઓસરી ગયો હતો. તે પોતાને બહુ શાતિર (ચાલાક) ખેલાડી સમજતા હતા, પણ તેમણે પોતે જ ગોઠવેલી શતરંજની રમતમાં ખોટાં પ્યાદાંઓ મુકાઈ ગયાં હોય તેવું તેમને લાગતું હતું. આ કંઈ તેમનું પહેલું ઑપરેશન ન હતું. હમણાં સુધી તેમણે આવી અનેક રમતો રમી હતી, જેમાં તે સફળ રહ્યા હતા. તેના કારણે તે પોતાને છળકપટના બાદશાહ માનવા લાગ્યા હતા. તેમણે કેટલીક સૂચક માહિતી નિઝામના ભાઈ નૂરુ સુધી પહોંચાડી હતી. હવે તેમને લાગી રહ્યું હતું કે લંકામાં તેમણે લગાડેલી આગની જ્વાળાઓ તેમના તરફ આવી રહી હતી. જોકે તે આટલી જલદી હાર માને તે પૈકીના ન હતા. હજી તેમના મનમાં નવી યોજનાઓ ચાલી રહી હતી. તે આખી રમતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રમત શરૂ કેવી રીતે ક્યાંથી થઈ, તેના ખેલાડીઓ કોણ કોણ હતા, નવા ખેલાડીઓ કેવી રીતે ઉમેરાતા ગયા… વગેરે. પણ જાડેજાને લાગ્યું કે આ શતરંજની રમતમાં અનેક રાજાઓ અને વજીરો હતા. એક તબક્કે તેમને વછરાજાની ઉપર શંકા ગઈ. બીજા તબક્કે તેમને મંત્રી અમર ઠાકોર શંકાસ્પદ લાગ્યા, તો ક્યારેક આખી રમતનો સૂત્રધાર મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા હોય તેવું લાગતું હતું. હવે કોઈ એકની સ્ક્રિપ્ટ ઉપર એક પછી એક ઘટનાઓ થઈ રહી હતી, તેવું ન હતું. સંચાલન કોના હાથમાં છે, તે સમજવું જરૂરી હતું.
વિનય, મહેશ અને દિનેશ નાયરને સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસમાં જ રાખવામાં આવ્યા હતા. તેમના ઘરેથી કપડાં સહિત અન્ય જરૂરી સામાન આવી ગયો હતો. તેમને હજી સાત દિવસ રિમાન્ડ ઉપર રહેવાનું હતું. પરમાર ત્રણે પોલીસ-અધિકારીઓને દિવસમાં એક વખત ઘરે ફોન ઉપર વાત કરવાની મંજૂરી આપતા હતા. મહેશે જ્યારે ફોન ઉપર મેઘા સાથે વાત કરી ત્યારે મેઘાએ ક્યારે ઘરે આવશો તેવો સવાલ પૂછ્યો હતો. મહેશે કહ્યું, “બેટા, એક મોટી તપાસમાં બહાર છું. આવતાં મોડું થશે. મમ્મીને હેરાન કરતી નહીં.” મેઘા ‘મોડું એટલે કેટલું મોડું’ તેવું પૂછતાં મહેશને ડૂમો ભરાઈ ગયો. તેને લાગ્યું કે તે રડી પડશે તો મેઘાને શંકા જશે માટે તેણે ફોન મૂકી દીધો. મહેશ સૌથી લાગણીશીલ અધિકારી હતો. આ વાત ઇન્સ્પેક્ટર વિનોદ પરમારના ધ્યાનમાં આવી ગઈ હતી. પોલીસ-અધિકારીઓ વતી કોર્ટમાં હાજર રહેતા ઍડ્વોકેટ કેતન મજુમદાર પણ પોતાના અસીલને મળવા માટે આવ્યા હતા. તેમને એકલામાં ડીએસપી દિનેશ નાયર સાથે વાત કરવી હતી. પરમારે તેની પણ પરવાનગી આપી. પરમાર આ કોઈ અધિકારીને ઇરાદાપૂર્વક અપમાનિત કરવા માગતા ન હતા. પણ તેમણે નક્કી કર્યું હતું તેમની તપાસમાં તેવું કોઈ સમાધાન નહીં.
પરમારે નિવેદન નોંધવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં તેમણે એક અલગ ચેમ્બરમાં દિનેશ નાયરને બેસાડી નિવેદન નોંધવાની શરૂઆત કરી. પરમારને ખબર હતી કે, નાયર તેમના સિનિયર પોલીસ-અધિકારી હોવાની સાથે આઇપીએસ પણ છે. તે જલદી હથિયાર હેઠા નહીં મૂકે. પરમારે પૂછ્યું, “સર, આપ ૨૦ નવેમ્બર કો કહાં થે?” નાયર વિચાર કરવા લાગ્યા અને પછી કહ્યું, “પરમાર, આપ બહુત પુરાની બાતેં પૂછતે હો. મુઝે યાદ નહીં.” પરમારને ખબર હતી કે સીધી આંગળીએ ઘી નહીં નીકળે. તેમણે નિઝામ કેસની ફાઈલ ખોલી એકાદ-બે કાગળો ફેંદ્યા અને એક ઝેરોક્ષ કાગળની નકલ નાયર સામે મૂકતાં કહ્યું, “સર, સોલાપુર આઇપીએસ મૅસ કે રેકર્ડ કે મુતાબિક આપ ૨૦ નવેમ્બર કો સોલાપુર આઇપીએસ મૅસ મેં રૂકે થે.” પહેલા તો નાયર મૅસમાં ચોપડામાં થયેલી એન્ટ્રીને જોતા રહ્યા. પછી હસતાં હસતાં કહ્યું, “નહીં નહીં, પરમાર! મેરા પોસ્ટિંગ અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચ મેં હી થા. મૈં વહાં પે ગયા હી નહીં.” પરમારે તરત ફરી કાગળ બતાવતાં કહ્યું, “સર, યહ સાઇન તો આપ કા હી હૈ.” નાયરે કાગળ તરફ નજર સુધ્ધાં કરી નહીં અને કહ્યું, “નહીં પરમારજી, મેરા સાઇન નહીં હૈ.”
પરમારે તે કાગળ ફાઈલમાં મૂક્યો અને બીજા કાગળો કાઢ્યા અને કહ્યું, “સર, નયન કુલકર્ણી સર કો તો આપ જાનતે હી હોંગે.” તરત નાયરે કહ્યું, “ક્યોં નહીં, વો મેરા બૅચમેટ હૈ.” પરમારે એક કાગળ આગળ ધરતાં કહ્યું, “સર, મેં ઉનકા સ્ટેટમેન્ટ લે કે આયા હૂં. ઉનકે સ્ટેટમેન્ટ કે મુતાબિક આપ સોલાપુર ગયે થે. ઉન્હોંને આપ કે લિયે મૅસ મેં બુકિંગ કરાયા થા, નિઝામ કો પિક કરને મેં ઉન્હોંને આપ કો સોલાપુર પોલીસ કે અફસર દિયે થે.” નાયર ચૂપ થઈ ગયા. બંને વચ્ચે મિનિટો સુધી શાંતિ રહી. પરમારે શાંતિભંગ કરતાં કહ્યું, “સર… સર…” નાયર એકદમ ઝબકી ગયા હોય તેમ હં કહીને કહ્યું, “પૂછો પરમાર, ક્યા પૂછના હૈ?” પરમારે પોતાનો સવાલ ફરી દોહરાવ્યો, “સર, આપ ૨૦ નવેમ્બર કો સોલાપુર ક્યૂં ગયે થે?” નાયરે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં કહ્યું, “મૈં જવાબ દે ચુકા હૂં. મૈં સોલાપુર ગયા હી નહીં.” પરમારને થયું કે જો સામે આઇપીએસ ઑફિસરની જગ્યાએ બીજો કોઈ આરોપી બેઠો હોત તો ઊંધો પાડી ઠોક્યો હોત. છતાં પરમારે પોતાની ઉપર કાબૂ રાખતાં શાંતિથી કહ્યું, “સર, આપ ઇન્વેસ્ટિગેશન મેં મુઝે સપોર્ટ નહીં કરેંગે તો કૈસે ચલેગા?” નાયર નારાજ થઈ ગયા. તેમણે પરમારને કહ્યું, “ક્યોં ડિપાર્ટમેન્ટ કી ઠોકને પે તુલે હો? ક્યા મિલેગા તુમ્હેં?” પરમારને લાગ્યું ચોર કોતવાલને દંડે. એક તબક્કે નાયરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, “દેખો પરમાર, મૈં ભી આઇપીસી ઔર સીઆરપીસી જાનતા હૂં. તુમ ચાહતે હો ઐસા કોઈ સ્ટેટમેન્ટ મૈં નહીં દૂંગા. મૈં એક આરોપી હૂં ઔર મુઝે ચૂપ રહને કા અધિકાર હૈ.” પરમારે તેમના કાગળો પૂરા કરી વિનયને બોલાવ્યો. વિનય તૈયાર ખેલાડી હતો. તેને પણ ૨૦મી નવેમ્બરે તે ક્યાં હતો તેના સવાલથી પૂછવાની શરૂઆત કરી. તે પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યો હતો. તેણે પોતાની ઉપર મૂકવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢી, નિઝામ અને રૂપાના અપહરણમાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરમારને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. પરમાર પાસે ઢગલાબંધ પુરાવાઓ હોવા છતાં રીઢા ગુનેગારની જેમ આ બધી જ વસ્તુમાં ના પાડી રહ્યા હતા. જોકે પરમાર માટે આ અપેક્ષિત પણ હતું. વિનયનો જવાબ પૂરો થતાં મહેશને બોલાવ્યો. પરમારે સ્ટ્રૅટેજી બદલી નાખી. મહેશ આવતાં પરમારે પોતાની તમામ ફાઈલો બંધ કરી દીધી અને કહ્યું, “જો મહેશ, હું તને સ્ટેટમેન્ટ માટે દબાણ કરતો નથી. તારે જે કહેવું હોય તે કહેજે. મને ઘણીબધી ખબર છે. મારી પાસે પુરાવાઓ પણ છે. છતાં હું તારા મોઢે સ્ટોરી સાંભળવા માગું છું.”
મહેશ અંદરથી તૂટી ગયો. તેને લાગતું હતું કે તે જે ભાર લઈ ફરી રહ્યો છે તે કદાચ પરમારને કહીને હળવો થઈ શકે તેમ છે. થોડો વિચાર કરી મહેશે અમદાવાદથી નીકળ્યા અને પાછા આવ્યા ત્યાં સુધીની આખી વાત કહી. પરમાર તેને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. મહેશની વાતમાં સચ્ચાઈ હતી. તે ક્યાંય કશું જ ખોટું બોલી રહ્યો નહોતો. તેની ખબર પડતી હતી. પરમાર માત્ર સાંભળતાં કંઈ જ લખતા નહોતા. મહેશની વાત સાંભળ્યા પછી જ્યારે તેનો સત્તાવાર જવાબ નોંધ્યો ત્યારે તેણે પણ નાયર અને વિનયની જેમ કહ્યું, “હું કંઈ જાણતો નથી, મને ખબર નથી અને હું સોલાપુર ગયો નથી.” પણ પરમાર સામે બે નવી વાત આવી હતી, જેમાં નિઝામ અને રૂપાને ગોલ્ડન ફાર્મ સુધી લઈ જનાર દિનેશ નાયર હતા, જ્યારે રામને એટીએસની ઑફિસમાં લઈ જવામાં આવ્યો હતો.
(ક્રમશ:)








