Embroidery workers detained while staging a demonstration near Surat Collectorate : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન (Protest in Delhi) વખતે જોવા મળે તેવા દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા હતા. સુરતમાં એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગણીઓને લઈને આજે ગુરૂવારે શ્રમિકો દ્વારા મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે મજૂર યુનિયનના બે અગ્રણી નેતા સુરેશ સોનવણે અને મલખાનસિંહ સહિતના કામદાર નેતાઓ સહિત 70 લોકોને અટકાયતમાં લઈ લીધા છે.
સુરતમાં એમ્બ્રોડરી એકમોમાં કામ કરતા કારીગરો કલેક્ટર કચેરી બહાર ભેગા થયા હતા, પરંતુ વિરોધ આંદોલનની સુરત પોલીસે (Surat Police) મંજૂરી આપી ન હોવાથી કારીગરોને ડિટેઈન કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે કેટલાક કારીગરો પોલીસથી બચવા માટે ભાગી ગયા હતા. જો કે, કેટલાંક કારીગરો પાછળ પોલીસે દોટ લગાવી તેમને ડિટેઈન કર્યા હતા. 10 જેટલી પોલીસ વાન અને બસમાં કારીગરોને ભરીને લઈ જવાયા છે. રાષ્ટ્રીય મજદૂર સેના પ્રમુખ સુરેશ સોનવણે, સુરત સંઘર્ષ લેબર યુનિયન રમાકાંત પાંડે, CJP સભ્ય સંદીપ પટેલ, કામદાર વિનય પાઠક સહિત 70 લોકોને અટકમાં લેવાયા છે.








