Surat Dr. Harsh Pandya case: સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં પોલીસે વધુ એક આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીની ધરપકડ કરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય એક ડોક્ટર નિરાલીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. અગાઉ બે દિવસ પહેલાં ખટોદરા પોલીસે મહિલા ડોક્ટર દિક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હીના ભૂતની ધરપકડ કરી હતી. આમ, કેસમાં કુલ ચાર આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી ત્રણની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ACP ઝેડ.આર. દેસાઈના જણાવ્યા મુજબ, 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના અહેવાલમાં પ્રાથમિક દૃષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. આ અહેવાલના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ મહિલા ડોક્ટર દિક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ કરી હતી. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ, બંનેની ભોગ બનનારને ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં સક્રિય ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. હવે અનુજ મહેશ્વરીની ધરપકડ બાદ પોલીસ ડોક્ટર નિરાલીને પકડવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે.








