Ahmedabad Danilimda CCTV : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પત્ની સાથેની મિત્રતાની અદાવત રાખીને યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સિકંદર માર્કેટ પાસે 6 ઓક્ટોબરે બનેલી આ ઘટનામાં ચાર શખસોએ યાસર મહંમદહનીફ લેલી પર લાકડાના દંડા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ મામલે દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે.
જમાલપુરના નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યાસર મહંમદહનીફ લેલી કારખાનું ચલાવે છે. થોડા સમય પહેલાં યાસરને ઘરની સામે રહેતી એક મહિલા સાથે મિત્રતા હતી. આ વાતની જાણ બંને પરિવારોને થતાં આશરે 15 દિવસ પહેલાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સમાજના આગેવાનોની સમજાવટથી સમાધાન થયું હતું. જોકે, જૂની અદાવત રાખીને મહિલાના પતિ મોઈન સહિત ચાર શખસો યાસરના કારખાને પહોંચ્યા હોવાનો આક્ષેપ છે.
આરોપીઓ કપડામાં લાકડાના દંડા સંતાડીને કારખાને આવ્યા હતા. તે સમયે યાસર અને તેનો મિત્ર યાસીનભાઈ ત્યાં હાજર હતા. આરોપીઓએ યાસરને કારખાનાની બહાર લાવીને દંડા વડે માર માર્યો હતો. અઢી મિનિટ સુધી ચાલેલી આ મારામારીમાં યાસરના પગ, માથા અને શરીરના અન્ય ભાગોમાં દંડા ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થયો હતો. હુમલા દરમિયાન મોઈને યાસરના માથાના ભાગે દંડા મારતાં તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. ત્યારબાદ હુમલાખોરોએ તેને ઘરે આવીને ફરી મારવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. મારામારી દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા, જેના પગલે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યાસરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે યાસરે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મોઈન અને અન્ય ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. દાણીલીમડા પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈના જણાવ્યા મુજબ, જૂની અદાવતને કારણે જાબિર ઈલિયાસ ગાસલેટવાળા, એક સગીર અને અન્ય એક શખસ સાથે મળીને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે મહિલાના પતિ મોઈન અને ઈલિયાસ નામના અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. એક આરોપીને પગમાં ઈજા થઈ હોવાથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત એક સગીરની પણ અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.








