- જગતભરના બ્રિકસ નેતાઓએ ઈરાન સાથે સીધાજ ડિપ્લોમેટીક સંવાદો સાધીને ઉભરતા અર્થતંત્રોને સહાયતા કરવાના પ્રયાસ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિકસ દ્વારા ભારતમાં રાજકીય આભાપ્રતીભા ઉભારવાની તક
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ગલ્ફ વિસ્તારમાં જહાજો અને ઉર્જા માળખાઓ પર ગત સપ્તાહથી વધેલા હુમલાને પગલે ક્રુડ ઓઈલની પુરવઠા અછત અને નિકાસમાં બાધાઓ સર્જાવાના ભય વચ્ચે સોમવારે ક્રુડ ઓઈલની તેજી આગળ વધી હતી. એશિયન ટ્રેડીંગ કલાકોમાં સોમવારે એક તબક્કે બ્રેન્ટ ક્રુડ ઓઈલ નવેમ્બર વાયદો ૧૦૮.૪૭ ડોલર પ્રતિ બેરલે ગયો હતો. આ વાયદો શુક્રવારે ૧૦૯.૬૮ ડોલર ટચ કરી ગયો હતો. આ જ ધોરણે અમેરિકન ડબલ્યુટીઆઈ વાયદો અનુક્રમે ૧૦૩.૫૮ ડોલર થવા અગાઉ ગત સપ્તાહે ૧૦૪.૪૬ ડોલર મુકાયો હતો. ગત એકજ સપ્તાહમાં મધ્યપૂર્વના દેશોમાં યુદ્ધના બ્યુગલો વાગતા પુરવઠા હેરફેર વધુ મુશ્કેલમાં મુકાતા, ભાવ ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ પછી પહેલી વખત ૧૦૦ ડોલર પાર કરી ગયા હતા, પરિણામે બ્રેન્ટ ૮ ટકા અને ડબ્લ્યુટીઆઈ ૯ ટકા ઉછળ્યા હતા. મધ્યપૂર્વમાં યુદ્ધનો વિસ્તાર વિસ્તૃત બનતા એનર્જીના ભાવ નવી ઊંચાઈ સર્જવા આગળ વધવા લાગ્યા, ત્યારે સપ્તાહાંતે ભારતમાં યોજાયેલા બ્રિકસ સંમેલનમાં ભારત, ચીન, રશિયા વિગેરેના નેતાઓએ અમેરિકાને બાજુએ રાખીને ઈરાન સાથે સંવાદો કર્યા હતા.
મધ્યપૂર્વમાં યુદ્ધનો તખ્તો ગોઠવાયો છે અને ક્રુડ ઓઇલના ભાવ આસમાને ગયાછે ત્યારે, જગતભરના બ્રિકસ નેતાઓએ ઈરાન સાથે સીધાજ ડિપ્લોમેટીક સંવાદો સાધીને આર્થિક રીતે ઉભરતા અર્થતંત્રોને સહાયતા કરવાના પ્રયાસ કર્યા હતા. બિન-પશ્ચિમી ટ્રેડ વિસ્તારોને માળખાગત સહાયતા પૂરી પાડવા તેહરાને વ્યુહાત્મક અને બહુઆયામી વાટાઘાટો કરીને અમેરિકાને એકતરફ હડસેલી દીધું હતું. આ સંમેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતમાં રાજકીય આભાપ્રતીભા નબળી પડી રહી છે અને ભારતીય અર્થતંત્રમાં ચીનની છત્રછાયા વિસ્તૃત થઇ રહી છે, ત્યારે તેમને તેમની છબી ઉભારવાની પુરતી તક મળી હતી. હોર્મુઝ્ની ખાડીમાં ફેલાયેલા અસંતોષને સમાધાનકારી રાહે નિવારવા ઈરાન સાથેની ઓમાનની બેઠક મુલવી રાખવામાં આવી હતી. ઓમાનના વિદેશ પ્રધાન બદર અબ્દુસઈદએ સત્તાવાર રીતે વાટાઘાટ મુલતવી રહ્યાનો ફોડ પાડ્યો હતો.
બ્રિકસ મીટીંગમાં પશ્ચિમના દેશોની ઉપસ્થિતિ નાં હતી, ત્યારે બ્રિકસ જૂથના ઉભરતા અર્થતંત્રોએ એવો ઉભાર રચ્યો હતો કે પશ્ચિમના નેતા વગર પણ પ્રગતિના માર્ગ ખુલ્લા છે. ભારતની આગેવાનીમાં મળેલી બ્રિકસ ૨૦૨૬ની બેઠકમાં એવી મજબુત છાપ ઉભી કરવામાં આવી હતી કે ઐતિહાસિક રીતે ગલ્ફના દેશો સાથે ઓઈલ આધારિત વેપારની ભાગીદારી વ્યાપક બની શકે છે, જેમાં મૂડીરોકાણ, ટેકનોલોજી, અનાજ સલામતી, શુદ્ધ હવાપાણી, અને પ્રાદેશિક ગઠબંધન જેવા વિષયોમાં સ્થિરતા શક્ય બની શકે છે. યુએઈનાં એક અખબારે તો એવા અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે કે ૧૮મુ બ્રિકસ સંમેલન ઉર્જાક્ષેત્રના ભારત સાથેના સંબંધોને મજબુત કરવામાં મહત્વનું સાબિત થયું છે. એટલુંજ નહિ, નવા વ્યુહાત્મક ક્ષેત્રોમાં સહકાર સાધવામાં તે ઉપયોગી ઠરશે. આ વર્ષની નરેન્દ્ર મોદીની યુએઈ યાત્રા બન્ને દેશ ઉર્જાક્ષેત્ર, એલએનજી, એલપીજી, સંબંધે ભાગીદારી કરવા અને ભારતમાં વ્યુહાત્મક પેટ્રોલીયમ અનામતો સંગ્રહિત કરવા તેમજ વ્યુહાત્મક ગેસ અનામત શોધી કાઢવા સંગઠિત થવાની બાબતે સહમતી સાધી છે.
૧૮મા બ્રિકસ સંમેલનમાં રજુ થયેલા સંયુક્ત ઘોષણાપત્રમાં કહેવાયું હતું કે બધાજ દેશો અણુશસ્ત્રો અને બે દેશો વચ્ચની અથડામણની ઉત્પતિ આખા જગત માટે ચિંતાનો વિષય છે. વિશ્વના સૌથી વ્યસ્ત ઓઇલ શીપીંગ રૂટ હોર્મુઝ્ની સલામતીની ચિંતાઓએ ક્રુડ ઓઇલના ભાવમાં મોટો વધારો કર્યો છે. જો આ નિયંત્રણો અને જહાજોનો વ્યવહાર લાંબો સમય ચાલુ રહેશે તો ક્રુડ ઓઈલની પુરવઠા સ્થિતિ વધુ વકરશે અને ભાવ નવી ઊંચાઈ શોધવા અગ્રેસર થશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








