Police involvement in Bhavnagar Lattha Kand Case : ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. APC રાજદીપસિંહ ગોહિલની ધરપકડ (Rajdeepsinh Gohil Arrested) બાદ હવે કોની સામે કાર્યવાહી થશે તેને લઈને પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ રાજદીપને પોલીસ સ્ટેશન તેમજ જુદીજુદી બ્રાંચમાં કરાયેલી નિમણૂકનો ડેટા ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan Gandhinagar) ખાતે પહોંચી ગયો છે. લઠ્ઠાકાંડ કેસમાં શકમંદ એવા 5 પોલીસવાળાને ગત સોમવારે ગાંધીનગર પોલીસ ભવન ખાતે આઈજી ગગનદીપ ગંભીરે (Gagandeep Gambhir) બોલાવ્યા હતા અને તે પૈકી એક રાજદીપ ગોહિલની ધરપકડ થઈ છે. જ્યારે બાકીના 4 પોલીસવાળાને જવા દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં રાજદીપ ગોહિલની એટેચ તરીકે ભાવનગર ગ્રામ્ય ડિવિઝન કચેરી ખાતે માગણી કરનાર પોલીસ અધિકારીનું નિવેદન આગામી સમયમાં નોંધાય તો નવાઈ નહીં.
લઠ્ઠાકાંડના સૂત્રધાર સાથે અન્ય કોની-કોની સંડોવણી ?
મિથેનોલમાંથી બનાવવામાં આવેલા ડુપ્લીકેટ દારૂએ 14 પ્યાસીઓને યમલોકમાં મોકલી દીધા છે. લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને લિસ્ટેડ બુટલેગર ગૌતમ સોલંકી પાસેથી ભાવનગર જિલ્લાના કયા કયા પોલીસ અધિકારી અને કર્મચારી આર્થિક લાભ મેળવતા હતા તેની તપાસે હવે ગતિ પકડી છે. રાજદીપ ગોહિલની ધરપકડ બાદ મંગળવારે અદાલતે તેને 10 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. રિમાન્ડ દરમિયાન રાજદીપ ગોહિલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને કેટલીક ચોંકાવનારી હકિકતો જાણવા મળી છે. બીજી તરફ રાજદીપ ગોહિલનો અન્ય એક મોબાઈલ ફોન કબજે કરવા માટે Team SMC પ્રયાસ કરી રહી છે. રાજદીપ ગોહિલ બુટલેગર પાસેથી કેટલો આર્થિક લાભ મેળવ્યો છે તેમજ અન્ય પોલીસ અધિકારી-કર્મચારીની સંડોવણી અંગે તપાસ અધિકારી માહિતી મેળવી રહ્યાં છે.
રાજદીપનો એટેચનો ઓર્ડર કરાવનારનો વારો પડશે
ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમે (Ghanshyam Gautam) બનાવેલા નાસતા ફરતા સ્કવોડમાં રાજદીપ ગોહિલ (નોકરી વેળાવદર ભાલ સનેશ પોલીસ સ્ટેશન) 1 જાન્યુઆરી 2026થી અટેચમાં ફરજ બજાવી રહ્યો હતો. લઠ્ઠાકાંડની ઘટના જાહેર થયાના ત્રણેક દિવસ બાદ 20 ઓગસ્ટના રોજ રાજદીપ ગોહિલને એએસપી કચેરી ખાતેથી છુટો કરી દેવામાં આવે છે. લિસ્ટેડ બુટલેગર ગૌતમ સોલંકી સાથે સીધો અને ગાઢ સંબંધ ધરાવતા રાજદીપ ગોહિલને ભાવનગર ગ્રામ્ય ડિવિઝન ખાતે અટેચમાં લેવા માટે ભલામણ કરનારા અધિકારીને સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપ ગંભીરને સંતોષકારક ખુલાસો આપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજદીપ ગોહિલને છાવરનારા પોલીસ અધિકારીની આગામી સમયમાં વારો પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે.








