Friday, September 18, 2026
HomeGujaratગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ સિનિયર IPS અધિકારીઓને જુનિયર્સ સામે ઉતારી પાડ્યા | શતરંજ-32

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ સિનિયર IPS અધિકારીઓને જુનિયર્સ સામે ઉતારી પાડ્યા | શતરંજ-32

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-32, નવજીવન ન્યૂઝ): બીજા દિવસે સવારે ક્રાઇમ-બ્રાન્ચમાં ઘણા લોકો નજરે પડતા હતા જે પોતાના જ પહેરવેશથી ઓળખાઈ જતા હતા, તો કેટલાક સાવ સામાન્ય માણસો હતા. જોકે બધાના ચહેરા ઉપર ડર એક સરખો જ હતો. મોટા ભાગના લોકોને તો ખબર પણ ન હતી કે તેમને શા માટે બોલાવવામાં આવ્યા છે. અગિયાર વાગતા ડીસીપી વછરાજાનીની કાર ક્રાઇમ-બ્રાન્ચના કૅમ્પસમાં દાખલ થઈ. તેમના આવવાના અડધો કલાક પહેલાં તેમની ચેમ્બરનું ઍરકંડિશનર ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વછરાજાની કારમાંથી ઊતરી પહેલાં પોતાની ચેમ્બરમાં જતા રહ્યા હતા. આખી ક્રાઇમ-બ્રાન્ચમાં કોઈ એકના ચહેરા ઉપર ઉત્સાહ અને કૌતુક હતાં તે એસીપી દિનેશ નાયર હતા. કિરણ ત્રિવેદીની હત્યા બાદ, વછરાજાની નાયરને તેમની સાથે ઘટનાસ્થળે લઈ ગયા હતા. જોકે હજી સુધી નાયરને ઇન્વેસ્ટિગેશનના કોઈ કામમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. નાયર સવારથી આખા ઇન્વેસ્ટિગેશનમાં શું થઈ રહ્યું છે, કોણ કેવી રીતે કામ કરે છે તેનું ઑબ્ઝર્વેશન કરતા હતા.

વછરાજાની આવ્યા બાદ તેમનો કૉન્સ્ટેબલ નાયરને બોલાવવા આવ્યો. વછરાજાની સાહેબની ચેમ્બરમાં જતાં નાયરે જોયું તો તેમની પહેલાં એસીપી પરમાર, ઇન્સ્પેક્ટર તોમર અને રાવ પણ હાજર હતા. તરત ચા આવી અને બધા ચા પીવા લાગ્યા. તે દરમિયાન દરેક અધિકારી પોતાની પાસે કઈ કઈ માહિતી આવી છે તેનું બ્રીફિંગ આપવા લાગ્યા હતા. વછરાજાની તેમને ધ્યાનથી સાંભળતા હતા અને કેટલીક માહિતી ટપકાવતા હતા. એસીપી પરમારે જુહાપુરા આઇડેન્ટિફાઇ કરેલા એક ડઝન જેટલા શંકાસ્પદોની વાત કરી તેમને ક્રાઇમ-બ્રાન્ચ બોલાવી લીધા હોવાનું જણાવ્યું. મહેશ રાવે જૂના શાર્પ-શૂટરનાં નામોની ચર્ચા કરી. તે પૈકી કેટલાને તપાસી ગયા તે પણ જણાવ્યું. તોમરે જે જે નંબરો ઍનાલિસિસ કર્યા હતા, તેની વિગતો મૂકી હતી. આ ઉપરાંત સવારના સમયમાં મર્ડર પહેલાં અને પછીના અડધો કલાક સુધી જે મોબાઇલ નંબરો ઍક્ટિવ હતા, તેમને પણ બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.
વછરાજાનીએ તરત નાયર તરફ જોતાં કહ્યું : “નાયર, આપ ભી ઇન્વેસ્ટિગેશન ટીમ કે પાર્ટ હો.” તોમરે જે નંબરો સ્ક્રૂટિની કર્યા હતા, તેનું લિસ્ટ આપતાં કહ્યું : “કિરણ ત્રિવેદી કા મર્ડર સવા પાંચ બજે હુઆ થા, ઇસ લિયે હમને ઉસ એરિયા કે સાડે ચાર સે સાડે પાંચ કે બીચ મેં ઍક્ટિવ હુએ નંબરોં કો આઇડેન્ટિફાઇ કિયા હૈ. ઇનમેં સે કુછ લોગોં કો બુલાયા હૈ, જિનકો આપ ઇન્ટ્રોગેટ કરેંગે, સર.” તેમ કહી તે ચેમ્બરની બહાર નીકળ્યા. જે કંઈ માહિતી આવી હતી, તે પૂરતી ન હતી. હજી ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ હતું. નાયરે પોતાનું કામ શરૂ કર્યું. કેટલાક તો ન્યૂઝ પેપરવાળા અને દૂધનો વેપાર કરનારા હતા. તેમનો રોજનો ક્રમ હતો તે પ્રમાણે તે પોતાના કામ માટે વહેલી સવારે નીકળ્યા હતા. તે માટે જ તેમણે કેટલીક જગ્યાએ ફોન પણ કર્યા હતા. જ્યારે બે વ્યક્તિઓ તો સરકારી અમલદાર નીકળી. તેમનો રોજનો મૉર્નિંગ વૉકનો સમય હતો માટે તેઓ નીકળ્યા હતા. તેમની જેમ તેમની સાથે વૉકમાં આવનાર તેમના મિત્રો આવ્યા ન હતા, માટે તેમણે પોતાના જ મિત્રોને ફોન કર્યા હતા. બપોર સુધી નાયર એક એક કરી તે વિસ્તારમાંથી થયેલા તમામ મોબાઇલ ફોન યુઝર્સને તપાસી ગયા હતા, પણ તે દરેક પાસે ફોન કરવાના અને રિસીવ કરવાનાં કારણો હતાં, એક પોલીસ-અધિકારી તરીકે નાયરને સમજ પડતી હતી કે બધા જ સાચું બોલે છે. તેમને કિરણ ત્રિવેદી મર્ડર સાથે કોઈ નિસબત ન હતી. નાયર નિરાશ થયા.

- Advertisement -

નાયર કોઈની પૂછપરછ કરી રહ્યા હતા, તે જ વખતે તેમના કાને પડ્યું : “ઓ બાપ રે, ઓ બાપ રે, સાહેબ, સાચું બોલું છું… કંઈ જાણતો નથી!” નાયર તરત ઊભા થઈ પોતાની ચેમ્બર બહાર દોડ્યા. તેમણે જોયું તો એક તરફ જેમને બોલાવવામાં આવ્યા હતા, તેમને એક કતારમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તેમનાથી વીસ ફૂટની અંતરે એક બાંકડો હતો. એક માણસને ચાર કૉન્સ્ટેબલોએ મળી છાતીના ભાગે બાંકડા ઉપર ઊંધો સુવાડ્યો હતો, જેને તોમર અને રાવ તેના પગના તળિયે લાકડીઓ મારી રહ્યા હતા. બાંકડાની એક તરફ વછરાજાની અને બીજી તરફ પરમાર ઊભા હતા. આ પણ ઇન્ટ્રોગેશનનો ભાગ હતો, જે પરમારની થિયરી ઉપર ચાલતો હતો. લાકડીઓ પડતી એટલે પેલો માણસ ચીસો પાડતો, પણ ચાર પોલીસવાળાએ તેને પકડી રાખ્યો હોય એટલે તે હલી પણ શકતો ન હતો. વચ્ચે વચ્ચે લાકડીઓ મારવાની બંધ કરવાની પરમાર સૂચના આપતા અને પછી ઊંધી સૂઈ રહેલી વ્યક્તિને વાળ પકડી તેનો ચહેરો ઉપર તરફ ખેંચતા અને કહેતા : “બોલ સોમવારે સવારે ક્યાં હતો?” આ રીતે ઇન્ટ્રોગેશન ચાલતું હતું. કેટલાક માર સહન કરી શકતા ન હતા, તેમને લઘુશંકા પણ થઈ જતી હતી. સાંજ થવા આવી હતી. જે. કે. વછરાજાની પોતાનાં અધૂરાં કામ મૂકી જૂના સર્કિટ હાઉસ જવા રવાના થયા. મંત્રી અમર ઠાકોરે એક મિટિંગ બોલાવી હતી. વછરાજાનીએ રસ્તામાં જોયું તો પોલીસ-કમિશનર રાજન પુંડરિકની કાર પણ સર્કિટ હાઉસ તરફ જઈ રહી હતી. વછરાજાનીના મનમાં થોડીક ચિંતા હતી, કારણ કે કિરણ ત્રિવેદીના મર્ડરને ચોવીસ કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ માહિતી તેમની પાસે ન હતી અને મંત્રી પણ તે અંગેના સવાલો જ પૂછવાના હતા. સવારથી પુંડરિક સાહેબ પણ ત્રણ વખત ઇન્વેસ્ટિગેશન અંગે પૂછી ચૂક્યા હતા. હજી સુધી વછરાજાની કિરણ ત્રિવેદીના પરિવારમાંથી કોઈને મળ્યા ન હતા, કારણ કે પરિવારની માનસિક સ્થિતિ સમજી શકાય તેવી હતી. ગુરુવારે બેસણું હતું, તે પૂરું થઈ જાય નહીં ત્યાં સુધી રાહ જોવી પડે તેમ હતી. પણ મંત્રીને હાલમાં કયાં કારણો આપવાં જોઈએ તેનો વિચાર વછરાજાની કરી રહ્યા હતા. ત્યાં જ તેમની કાર જૂના સર્કિટ હાઉસ પહોંચી. કમિશનર પુંડરિક બહાર પોર્ચમાં જ ઊભા હતા. વછરાજાનીએ કારમાંથી ઊતરતાં જ તેમને સલામ કરી. તેમણે તરત સવાલ પૂછ્યો : “કુછ ડેવલપમેન્ટ?” “નો સર.” આ જવાબ સાંભળી પુંડરિકે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, “કુછ ભી કરો વછરાજાની! સીએમ ઑફિસ સે ભી સુબહ ફોન આયા થા.”

ત્યાં જ મંત્રી અમર ઠાકોરની કાર સર્કિટહાઉસના દરવાજામાં દાખલ થઈ. ત્યાં હાજર બધા જ પોલીસ-અધિકારીઓ સાવધાન થઈ ગયા. વછરાજાનીએ તેમની કારનો દરવાજો ખોલ્યો. કમિશનર પુંડરિકે તેમને સલામી આપી. મંત્રી સીધા સર્કિટ હાઉસમાં દાખલ થયા. તેમનો ચહેરો જોતાં બધાને ખ્યાલ આવી ગયો હતો કે, તેમનો મૂડ સારો નથી. વીજળી પડવાની છે. કૉન્ફરન્સ-હૉલમાં બધા દાખલ થયા. મંત્રી ઠાકોરે ટેબલ ઉપર રહેલો પાણીનો ગ્લાસ લીધો અને પાણી પીવા લાગ્યા. તે વખતે તેમની નજર મિટિંગમાં કોણ કોણ હાજર છે તેની ઉપર હતી. બધા જ ડેપ્યુટી પોલીસ-કમિશનરો પણ હાજર હતા. મંત્રીએ પુંડરિક સામે જોતાં કહ્યું, “બોલો શું પ્રોગ્રેસ છે?” પુંડરિકે વછરાજાની સામે જોયું અને મંત્રી તાડૂક્યા, “પોલીસ-કમિશનર તમે છો, અને જો મારે ડીસીપી ક્રાઇમ પાસેથી જ જાણવાનું હોય તો ડાયરેક્ટ વાત કરી લઈશ. તમારી ક્યાં જરૂર છે પુંડરિક?” તરત પુંડરિકે પોતાનો બચાવ કરતા હોય તે રીતે કહ્યું : “ના ના, સર, ક્રાઇમ-બ્રાન્ચ સિવાય પણ અમે અલગ અલગ પોલીસ સ્ટેશનની ત્રણ ટીમો બનાવી છે, તે ઇન્ફર્મેશન ગૅધરિંગ કરી રહી છે, કામ ચાલુ છે…” પુંડરિકે એકદમ ગપ્પું માર્યું હતું. દરેક ઝોનના ડીસીપી ત્યાં હાજર હતા. તેમને ખબર જ ન હતી કે તેમના પોલીસ સ્ટેશનમાંથી કોઈને આ મર્ડર કેસની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, એટલે દરેક ડીસીપી એકબીજા સામે જોવા લાગ્યા. અમદાવાદ શહેરના ક્ષેત્રફળ પ્રમાણે અમદાવાદ શહેરમાં કુલ છ ઝોન છે અને દરેક ઝોનમાં એક ડેપ્યુટી પોલીસ-કમિશનર છે, તે તમામ મિટિંગમાં હાજર હતા. મંત્રી ઠાકોરે વછરાજાની સામે જોતાં, તેમણે પૅડ ખોલી કેટલા લોકોને ઇન્ટ્રોગેટ કર્યા, કેટલી ફોન-કૉલ્સ ડિટેઇલ કઢાવી, તેમને કોની ઉપર શંકા છે જેવી વાતો કરી. જે. કે. વછરાજાની પણ મોટા ભાગની વાતો જૂઠી કહી રહ્યા હતા. તેમને ખબર હતી કે મંત્રીને ઇન્વેસ્ટિગેશનમાં કંઈ ખબર પડતી નથી. વછરાજાની બોલી રહ્યા હતા ત્યારે જ મંત્રી ઠાકોરે તેમને અટકાવતાં કહ્યું : “વછરાજાની, મને આ બધી બાબતોમાં કોઈ રસ નથી. તમને ખબર પડે છે, જાહેર રસ્તા ઉપર એક મંત્રીની હત્યા થઈ જાય અને તેના ચોવીસ ચોવીસ કલાક સુધી તમે કંઈ કરી શકો નહીં? એક તરફ વિરોધ પક્ષ બૂમો પાડે અને બીજી તરફ મારા જ કેટલાક અમારી ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે. તમને કોઈ વાતની ગંભીરતા સમજાય છે કે નહીં? અને જો તમારાથી જવાબદારી ના ઉપાડી શકાતી હોય તો કહો…” બીજા ડીસીપીઓ તરફ ઇશારો કરતાં કહ્યું, “આમનામાંથી કોઈને ડીસીપી ક્રાઇમની જવાબદારી સોંપી દઈએ.” પુંડરિક અને વછરાજાનીની હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યાં હાજર તમામ ડીસીપી તેમના કરતા જુનિયર હતા અને તેમની હાજરીમાં તેમનું અપમાન થઈ રહ્યું હતું.

મંત્રી ઠાકોરે તમામ પોલીસ-અધિકારીઓને કહ્યું : “તમને એક અઠવાડિયાનો સમય આપું છું. કંઈ પણ કરી ગુનો ઉકેલવો પડશે, નહીંતર પછી મારે બદલી જેવાં આકરાં પગલાં લેવાં પડે. ત્યાં મારી પાસે પોસ્ટિંગની ભલામણ લઈ આવતા નહીં.” ત્યાં હાજર બે-ત્રણ ડીસીપીના ચહેરા ઉપરના ભાવ બદલાયા, કારણ કે તેમણે અમદાવાદમાં આવવા માટે કોઈને ભલામણ કરી ન હતી અને તેમની બદલી થાય તો પણ કોઈની પાસે પાલવ પાથરવા જવાના ન હતા. પણ રાજકારણીઓ માનતા હોય છે અને મહદંશે સાચું પણ હોય કે પોલીસ-અધિકારીઓ બદલી માટે જ રાજકારણીઓનાં તળવાં ચાટતા હોય છે, તેનું ઉત્તમ ઉદાહરણ તો પોલીસ-કમિશનર પુંડરિક પોતે જ હતા. કંઈ પણ કહ્યા વગર મંત્રી મિટિંગ પૂરી થઈ હોય તેમ ઊભા થઈ ચાલવા લાગ્યા. પુંડરિકની હિંમત ન હતી કે તેમની પાછળ જાય. તેમણે વછરાજાનીને ઇશારો કર્યો. તે તરત ઊભા થયા અને મંત્રી પાછળ પોર્ચ સુધી ગયા. જેવી મંત્રીની કાર પોર્ચમાં આવી કે તરત મંત્રી માટે કારની ડાબી તરફનો પાછળનો દરવાજો ખોલી તેઓ ઊભા રહ્યા. મંત્રી કારમાં બેઠા, તેમણે ચશ્માંની ફ્રેમ વચ્ચેથી વછરાજાની સામે એક નજર કરી અને બોલ્યા : “માઠું લગાડતા નહીં, બીપી વધી ગયું હશે.” વછરાજાનીને તો જાણે ભગવાનના આશીર્વાદ મળ્યા હોય તેમ તેમણે કહ્યું, “નો સર. નો સર. ખરાબ લાગવાનો તો સવાલ જ નથી. તમે અમને નહીં બોલો તો કોણ બોલશે? પણ પ્રોમિસ સર, જલદી ડિટેક્ટ થઈ જશે.” સર્કિટ હાઉસથી બધા પોલીસ-અધિકારીઓ છૂટા પડી રહ્યા હતા. પુંડરિકે બે ડીસીપીને સાઇડમાં બોલાવી સૂચના આપી કે, “તમારા વિસ્તારમાં એક એક ટીમને મર્ડરની ઇન્ફર્મેશન માટે કામ સોંપી દો.” બધા નીકળ્યા પછી વછરાજાની ક્રાઇમ-બ્રાન્ચ જવાને બદલે સીધા શાહીબાગમાં આવેલી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોની ઑફિસમાં પહોંચ્યા. તેમને લાગ્યું કે હવે ઘોષ જ તેમનો ઉદ્ધારક છે. ઘોષ ઑફિસમાં હાજર જ હતા. વછરાજાનીને જોતાં કહ્યું. “આઇયે વછરાજાની, આજ દિન કો કૈસે આના હુઆ?” વછરાજાનીએ તેમની સામે બેસતાં ધીમા અવાજે કહ્યું, “સર, જી… અભી હોમ મિનિસ્ટર સે મિટિંગ કર કે આયે ઓર ડાંટ ભી ખાઈ, અભી આપ કે સહારે હૈં.” ઘોષને લાગ્યું કે મામલો સિરિયસ છે. તેમણે શું બન્યું તેની જાણકારી મેળવી. વછરાજાનીએ તેમને કિરણ ત્રિવેદી મર્ડર કેસની વિગતો આપી. ઘોષે તેમને પૂરતી મદદ કરવાની ખાતરી આપી અને તેમાં તેમના નેટવર્કની મદદ મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું. થોડી વાત કરી વછરાજાની પાછા ક્રાઇમ-બ્રાન્ચ જવા નીકળ્યા.

- Advertisement -

તે ક્રાઇમ-બ્રાન્ચ પહોંચ્યા ત્યારે તેમનો સ્ટાફ પૂરતી લગનથી કામ કરી રહ્યો હતો પણ પરિણામ તરફ લઈ જાય તેવી કડી હાથ લાગતી ન હતી, ત્યાં વિનય તોમર એક માહિતી લઈ આવ્યો. તેણે વછરાજાનીની સામે ફોન ડિટેઇલ મૂકતાં કહ્યું, “સર, આ ડિટેઇલ કિરણ ત્રિવેદીની છે. બનાવની પહેલાં કિરણ ત્રિવેદીએ જેને મૉર્નિંગનો એસએમએસ કર્યો હતો તે ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના પ્રોફેસર કરિશ્મા શાહનો છે. તેમની વચ્ચે રોજ એસએમએસ થતા અને આઉટ ગોઇંગ–ઇનકમિંગ પણ ઘણા છે. વછરાજાની વિચારમાં પડી ગયા… એક મહિલાની એન્ટ્રી થઈ હતી. તેમણે તોમરને ઉતાવળ નહીં કરવાની સૂચના આપી. બીજી બાજુ ઍર ટ્રાફિક કંટ્રોલરે કાનપુરથી આવી રહેલા વિમાનને અમદાવાદ ઍરપૉર્ટ ઉપર લૅન્ડ કરવાની મંજૂરી આપી.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular