Fake blood plasma racket busted in Ahmedabad : અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG Ahmedabad Rural) દર્દીઓ સાથે ગંભીર ચેડા કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ફાર્મા કંપનીઓ તેમજ બ્લડ બેંકમાં સપ્લાય થતાં અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરી તેના સ્થાને નકલી પ્લાઝમા સપ્લાય (Fake blood plasma supply racket) કરતી ગેંગને પકડી પાડી છે. પકડાયેલા શખસોમાં મુંબઈ ખાતે બ્લડ બેંક ચલાવતા શખસ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 1150 બ્લડ પ્લાઝમા યુનિટ, એક ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ, સીલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ અને ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કેવી રીતે મળી બાતમી ?
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં ભાડાના એક મકાન લોહીની હેરફેરની શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાની એક માહિતી સામે આવતા જિલ્લા એસઓજી ટીમે સર્ચ કર્યું હતું. ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગની ટીમને સાથે રાખીને પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ લોહીના નમૂનાઓ મેળવ્યા હતા. બીજી તરફ આ મામલે જાણવા જોગ નોંધી પોલીસ સ્થળ પરથી મળી આવેલા દિનેશ ચૌધરીની પ્રાથમિક પૂછપરછ કરતાં થેલીઓમાં પેક કરાયેલું લોહી વાસ્તવમાં અસલી તેમજ નકલી પ્લાઝમા હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હી ખાતેથી પ્લાઝમા અંગેનો મેડિકલ રિપોર્ટ આવતા ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં બ્લડ પ્લાઝમાની હેરફેર કરતા રફીક સાલમભાઈ, જીતેન્દ્ર સોલંકી (બંને રહે. તાલુકો ધોળકા)મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી (રહે. માલોત્રા, તા. ધાનેરા, બનાસકાંઠા) અને મુંબઈના મોહન ગાયકવાડની ધરપકડ કરી છે. આ કેસમાં સામેલ અન્ય એક મહત્વના આરોપીની પોલીસ તલાશ કરી રહી છે.
ફાર્મા કંપનીઓમાં પહોંચતું હતું નકલી બ્લડ પ્લાઝમા
મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો છે. દિનેશ પ્લાઝમા કલેક્શન વાહનના ડ્રાઈવર જીતેન્દ્ર અને કંડક્ટર રફીક સાથે મળીને છેલ્લાં 6 મહિનાથી અસલી પ્લાઝમા બદલી નાંખી તેના સ્થાને નકલી અને ભેળસેળવાળા પ્લાઝમા મુકી રેકેટ ચલાવતા હતા. રફીક અને જીતેન્દ્ર મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી અસલ પ્લાઝમા એકત્ર કરીને પરત ફરતા ત્યારે તેઓ કંપનીમાં ડિલિવરી કરવાના બદલે પહેલાં વાહન દિનેશે ભાડે રાખેલા મકાન ખાતે લઈ જતાં હતાં. જ્યાં અસલી પ્લાઝમાના 40-50 જેટલાં યુનિટ્સ કાઢી લેવાતા અને તેના બદલે સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા તેમજ ખરાબ થઈ ગયેલા પ્લાઝમા યુનિટ્સ ગાડીમાં ગોઠવી ફાર્મા કંપનીમાં મોકલી દેવાતા હતા. ચોરી કરેલા અસલી પ્લાઝમા 50 ટકા કિંમતથી દિનેશ ચૌધરી બજારમાં વેચી દેતો હતો.
બ્લડ પ્લાઝમાનો ક્યાં અને કેવી રીતે થાય છે ઉપયોગ ?
અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે (Om Prakash Jat) જણાવ્યું હતું કે, “બ્લડ પ્લાઝમા એ માનવ લોહીનો અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટક છે. આ પ્લાઝમાનો ઉપયોગ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એન્ટી કેન્સર ડ્રગ્સ બનાવવા માટે થાય છે અને હિમોફિલિયા તેમજ એન્ટી ઇમ્યુન ડિસઓર્ડર ધરાવતા દર્દીઓને તે ડાયરેક્ટ પણ ચઢાવવામાં આવે છે.








