Shocking ragging case in Gujarat : ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ બાદ સત્તાધીશો કાર્યવાહી માટે દોડધામ કરે છે. એન્ટી રેગિંગ કમિટી હોવા છતાં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ચોંકાવનારી ફરિયાદ (Complaint of ragging in Bhavnagar’s Government Medical College) સામે આવી છે. ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓને મુર્ગા બનાવી ખંડણી વસૂલતા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે આરોપ લાગ્યા છે. ચર્ચાનો વિષય બનેલી આ ઘટનાના પગલે એન્ટી રેગિંગ કમિટીએ તપાસ (Anti-Ragging Committee investigation) નો ધમધમાટ બોલાવ્યો છે અને આગામી સમયમાં રિપોર્ટ સોંપાયા બાદ જવાબદાર સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરની સર ટી. હૉસ્પિટલ (Sir T. Hospital Bhavnagar) ના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં રેગિંગની ઘટના બની ચૂકી છે. મેડિકલ કોલેજના સત્તાધીશો સામે આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, પ્રથમ વર્ષના 13 જુનિયર ડૉક્ટરોનું અડધો ડઝન જેટલાં સિનિયર ડૉક્ટરો રેગિંગ કરતા હતા. દર મહિને અઢી લાખ રૂપિયાની ખંડણીની સાથે સિનિયર દારૂની બોટલો પણ મેળવતા હતા. ઇચ્છા પડે ત્યારે જુનિયર ડૉક્ટરોને મુર્ગા બનાવતા, જમવા-સૂવા પણ ના દેતા, એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં સુરક્ષા આપતું લેડ એપ્રન પણ પહેરવાની મનાઈ હતી, આખી રાત એક પગ પર ઉભા રહેવાનું અને છેલ્લાં એક પખવાડીયા સુધી જુનિયરોને સિનિયર ડૉક્ટરોએ સ્નાનથી વંચિત રાખ્યા. તાલિબાની સજા જેવા રેગિંગથી ત્રસ્ત થયેલા જુનિયર ડૉક્ટરોએ હિંમત એકઠી કરી ફરિયાદ કરી છે.
તાલિબાની રેગિંગની ઘટના સામે આવતા સરકારી મેડિકલ કોલેજના સત્તાધીશો દોડતા થઈ ગયા છે. આ સમગ્ર મામલામાં કોની કેટલી સંડોવણી છે અને કેવા-કેવા પ્રકારનું રેગિંગ આચરવામાં આવ્યું છે ? તેની માહિતી મેળવવા એન્ટી રેગિંગ કમિટીએ આક્ષેપિત તેમજ ભોગ બનનારની પૂછપરછ તેમજ નિવેદનની પ્રક્રિયા સાથે તપાસ આરંભી છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ (Ragging in BJ Medical College) તેમજ ભાવનગર મેડિકલ કોલેજમાં સવા વર્ષ અગાઉ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યું હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.








