Women representatives in Gujarat are in name only : ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓને સ્થાન આપી રહી છે, પરંતુ મોટાભાગે મહિલા જનપ્રતિનિધિઓ નામ માત્રના છે. અમદાવાદ શહેરમાં ઉપરાછાપરી એવી બે ઘટનાઓ બની છે કે, જેમાં મહિલા કોર્પોરેટરની સાથે તેમના પતિદેવો મીટિંગમાં હાજરી આપે છે. મણિનગર વોર્ડના મહિલા કોર્પોરેટર તેમજ તેમના પતિએ સત્તાવાર મીટિંગમાં હાજરી આપતા ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વિરોધ (Protests on BJP’s social media platforms) થઈ રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, સરખેજ વોર્ડની એક મીટિંગમાં પણ એક નહીં બબ્બે મહિલા કોર્પોરેટરના પતિઓએ હાજરી આપી હતી.
યુવા મોરચાની પોસ્ટ બાદ વિવાદ ગાજ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધિકારીઓ તેમજ વોર્ડના કોર્પોરેટરો સાથે એક મીટિંગ હતી. જેમાં મણિનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર પલક એન. પટેલ તેમના પતિ સાથે હાજર રહ્યાં હતાં. આ મીટિંગના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા ભાજપ અમદાવાદ (BJP Ahmedabad) માં ભડકો થયો છે. મણિનગર વિધાનસભાના ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મામલાની આલોચના કરતી પોસ્ટ કરવામાં આવી છે. ફોટા સાથેની પોસ્ટમાં લખાયું છે કે, મહિલા સશક્તિકરણની ખાલી વાતો જ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગામડાઓમાં સરપંચ પતિ પ્રથા હતી તે હવે શહેરમાં પણ ચાલુ થઈ ગઈ છે. કોર્પોરેટર જોડે આવેલા તેમના પતિ કોઈ કોર્પોરેશનના અધિકારી નથી તો તે કયા હોદ્દાના હિસાબે આ મીટીંગમાં હાજર રહ્યા છે ? શું કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી કોઈ કાર્યવાહી હાથ ધરશે કે જેથી આવનારા દિવસોમાં આવા દ્રશ્યો જોવા ન મળે.
સરપંચ પતિદેવો લાંચ લેવામાં વ્યસ્ત
Gujarat ACB એ તાજેતરમાં કરેલી બે જુદીજુદી ટ્રેપમાં બે મહિલા સરપંચના પતિ અને એક દિયર ખનન મામલે લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યાં છે. દેવભૂમિ દ્વારકાના હરીપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પમ્મીબહેનના પતિ ડાયા અરજણભાઈ પરમાર અને દિયર જીવા પરમાર 20 લાખની લાંચ પેટે 5 લાકનો પ્રથમ હપ્તો લેતા ઝડપાઈ ચૂક્યાં છે. જ્યારે ડીસા તાલુકાની ધરપડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અણદીબહેનના પતિ વદુજી સુરાજી સોલંકી 1.10 લાખની લાંચ લેતા પકડાઈ ચૂક્યા છે.








